ગુજરાત બોર્ડની જાહેરાત : આ તારીખે જાહેર થશે ધોરણ 10નું પરિણામ
ગાંધીનગર : લોકસભા ચૂંટણીનાં મતદાન બાદ આજે ગુજરાત બોર્ડ(GSEB) દ્વારા ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર (result declared)થઈ ગયું છે. ગુજરાતના લાખો પરિવારોમાં આજે ખુશીનો દિવસ છે. ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ-10 ના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે.
11મીના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થશે :
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેરાત કરી કે,ધોરણ 10નું નું પરિણામ 11 તારીખે જાહેર થશે. તારીખ 11 મીના રોજ સવારે આઠ વાગે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે.
ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરાયું છે. તેની સાથોસાથ ગુજકેટનું પરિણામ પણ આજે જ જાહેર કરાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 31 હજાર વિદ્યાર્થીઓ હતા. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,000 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું છે.
આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા, તો સામાન્ય પ્રવાહનું 91 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 91 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબીનું પરિણામ સૌથી વધુ રહ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદેપુરના બોડેલીનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કચ્છના ખાવડાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.
ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ઉંચું આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહનું પરિણામ ૧૮ ટકા ઊંચું આવ્યું છે. તો ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૭ ટકા ઊંચું આવ્યું છે.