હૈદરાબાદ: સનરાઇઝર્સ હૈદરાબાદે બુધવારે લખનઊ સુપર જાયન્ટ્સને નવા વિશ્વવિક્રમ સાથે હરાવીને પોતાના બૅટર્સ આઈપીએલને જ નહીં બલ્કે સમગ્ર ટી-20 ફોર્મેટને અભૂતપૂર્વ ફટકાબાજીથી નવી જ ઓળખ આપી શકે એનો નવો પુરાવો આપ્યો હતો.
ભુવનેશ્વર કુમાર (4-0-12-2)ની અસરદાર બોલિંગને લીધે લખનઉની ટીમ 20 ઓવરમાં ચાર વિકેટે માત્ર 165 રન બનાવી શકી ત્યારબાદ હૈદરાબાદે ફક્ત 9.4 ઓવરમાં એકેય વિકેટ ગુમાવ્યા વિના 166 રન બનાવીને 10 વિકેટના માર્જિનથી વિજય મેળવી લીધો હતો.
લખનઊ હારી જતાં પાંચ ટાઈટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આઈપીએલ-2024 સીઝનમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી.
હૈદરાબાદે માત્ર 58 બૉલમાં (9.4 ઓવરમાં) 166 રન ખડકી દીધા હતા. સમગ્ર ટી-20 ક્રિકેટમાં 10 ઓવરમાં નોંધાયેલા ટીમ-સ્કોર્સમાં આ 166 રન હાઈએસ્ટ છે. હૈદરાબાદ 14 પોઇન્ટ અને +0.406ના સુધારેલા રનરેટ સાથે ત્રીજા નંબર પર આવી ગયું હતું.
મૅન ઑફ ધ મૅચ ટ્રેવિસ હેડ (89 અણનમ, 30 બૉલ, આઠ સિક્સર, આઠ ફોર) અને અભિષેક શર્મા (75 અણનમ, 28 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ની ઓપનિંગ જોડી વચ્ચે 166 રનની અતૂટ ભાગીદારી તો થઈ જ હતી, તેમણે હાફ સેન્ચુરી અનુક્રમે 16 અને 19 બૉલમાં પૂરી કરી હતી. આ સીઝનમાં તેમણે બીજી વખત પાવરપ્લેની અંદર જ 100 રનની પાર્ટનરશિપ કરી.
આ સીઝનમાં હૈદરાબાદે અગાઉ પ્રથમ બેટિંગમાં 277/3, 287/3 અને 266/7ના હાઈ-સ્કોર્સ નોંધાવ્યા બાદ બુધવારે સેકન્ડ બેટિંગમાં 166/0ના સ્કોર સાથે પોતાની સંપૂર્ણ તાકાતનો પરચો કરાવી દીધો હતો.
એ પહેલાં, આયુષ બદોની અને નિકોલસ પૂરનની 99 રનની ભાગીદારીથી લખનઊને 165/4નો સ્કોર મળ્યો હતો. લખનઊએ બૅટિંગ લીધા બાદ 66 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધા પછી છેવટે 165/4નો સન્માનજનક સ્કોર હાંસલ કરીને પૅટ કમિન્સની ટીમને 166 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.
આયુષ બદોની (પંચાવન અણનમ, 30 બૉલ, નવ ફોર) અને નિકોલસ પૂરન (48 અણનમ, 26 બૉલ, એક સિક્સર, છ ફોર) વચ્ચેની પાંચમી વિકેટ માટેની માત્ર બાવન બૉલમાં બનેલી 99 રનની ભાગીદારીએ હૈદરાબાદને વિચારતું કરી દીધું હતું. લખનઊની ટીમે પહેલી 13 ઓવરમાં ચાર વિકેટે 73 રન બનાવ્યા હતા, જ્યારે છેલ્લી સાત ઓવરમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 92 રન બનાવ્યા હતા. જોકે ટ્રેવિસ હેડ અને અભિષેકની માત્ર એક જોડીએ લખનઊની બોલિંગને ચીંથરેહાલ કરી નાખી હતી.
પહેલી જ વાર રમાડવામાં આવેલા લખનઊના સ્પિનર કે. ગૌતમને 29 રનમાં, યશ ઠાકુરને 47 રનમાં, રવિ બિશ્નોઈને 34 રનમાં, નવીન ઉલ હકને 37 રનમાં અને બદોનીને 19 રનમાં એકેય વિકેટ નહોતી મળી.
હૈદરાબાદ સામે લખનમુ સ્પિન-આક્ર્મણ સદંતર નિષ્ફ્ળ ગયું.
એ અગાઉ, લખનઊના પોણાબસો રન પણ ન થયા એનું સૌથી મોટું કારણ એ હતું કે કૅપ્ટન કે.એલ. રાહુલ માત્ર 29 રન બનાવીને અને ક્વિન્ટન ડિકૉક બે રન તેમ જ માર્કસ સ્ટોઇનિસ ત્રણ રન બનાવીને આઉટ થયો હતો.