૧૦, ડાઉનિંગ સ્ટ્રીટના અપ્સ ઍન્ડ ડાઉન્સ
યુ.કેમાં ત્રિશંકુ સંસદ સર્જાય એવી કટોકટી ઊભી થઈ છે ત્યારે મૂળ ભારતીય એવા ત્યાંના આજના પ્રાઈમ મિનિસ્ટર ઋષિ સુનકના ઐતિહાસિક નિવાસસ્થાન
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
તમને ફિલ્મ યાદો કી બારાતનું પેલું સુપરહીટ ગીત : ‘આપકે કમરે મેં કોઈ રહતા હૈ’ યાદ છેને ?
આ ગીત આજે મૂળ ભારતીય વંશીય બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર ઋષિ સુનક હવે પોરષાઈને ગણગણાવી શકે.અરે, પોતાની પૂર્વના બે બ્રિટિશ પી.એમ.ને પણ સંભળાવી શકે છે, કારણ કે તત્કાલીન વડા પ્રધાન બોરિસ જહોન્સનની વિદાય પછી લિઝ ટ્રુસ એના સ્થાને આવ્યા તો ખરા ,પણ લાંબું ન ટક્યા. પછી આપણા ઋષિભાઈ બ્રિટિશ પ્રણાલી મુજબ એ જે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ૧૦,ડાઉનિંગ સ્ટ્રીટમાં રહે છે .
આમ તો આ ૧૦,ડાઉનિંગ સ્ટ્રીટની માત્ર બ્રિટનનાં જ નહીં, જગતનાં અમુક ચુનંદા સરનામાંમાં એની ગણતરી થાય છે. આ ઍડ્રેસ પર રહેવા જવાં મળે-એના ‘ભાડૂત’ થવું એ પણ એક આગવી પ્રતિષ્ઠા છે. આ સરનામા સુધી પહોંચવા બધા બ્રિટિશ રાજકરણીઓ તલપાપડ હોય છે.
જો કે આ પી.એમ. પદ માટે સત્તાના આટાપાટાની જે રમત થઈ એમાં સૌથી રસપ્રદ વાત એ હતી કે વડા પ્રધાન બનનારા ઋષિ જન્મે બ્રિટિશ નહીં,પણ મૂળ ભારતીય વંશના છે અને એ જયારે અગાઉના પી.એમ. બોરિસની કેબિનેટમાં નાણાપ્રધાનનો હોદ્દો ધરાવતા હતા એટલે એ મહત્ત્વના હોદ્દાની રૂએ વડા પ્રધાનના બંગલાની બાજુમાં જ એમનું નિવાસસ્થાન હતું : ૧૧, ડાઉનિંગ સ્ટ્રીટ.
બીજા શબ્દોમાં કહો તો ઋષિ સુનકની વડા પ્રધાન તરીકે બઢતી થઈ અને એ પરિવારસહ ૧૧ની બદલે પડોશના સૌથી વધુ પ્રતિષ્ઠિત ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટના નિવાસસ્થાને ગોઠવાઈ ગયા!
જગતભરમાં કેટલાંક સરનામાંનું આગવું ઐતિહાસિક મહત્ત્વ છે,જેમકે અમેરિકાનું વ્હાઈટ હાઉસ -ભારતનું રાષ્ટ્રપતિ ભવન – આપણા વડા પ્રધાનનું નિવાસસ્થાન એવું જ મહત્ત્વ છે અગાઉ બ્રિટનનાં મહારાણીનો અને હવે એમની વિદાય પછી બ્રિટિશ રાજવી પરિવારનો બકિંગહામ પેલેસ અને ત્યાંના પ્રાઈમ મિનિસ્ટરનું સત્તાવાર રેસિડન્સ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટનું છે.
આમ તો આ રેસિડન્સ અવારનવાર સમાચારોમાં ચમકતું રહે છે.આજની તારીખે, એ ફરી રાજકીય કારણોસર ન્યૂઝમાં ગાજ્યું છે. મૂળ ભારતીય એવા પ્રાઇમ મિનિસ્ટરને સત્તા પર છે ત્યારે..
ખેર, રાજકારણની વાત બાજુએ મૂકીને આવો,આપણે લટાર મારીએ બ્રિટિશ પી.એમ.ના લંડનસ્થિત આ ઐતિહાસિક નિવાસસ્થાનમાં.
આ ઘર વિશે A to Z જાણવાની જિજ્ઞાસા થાય એ પહેલાં આપણે થોડું ફ્લશબેકમાં જવું પડશે.
આજથી ૩૪૨ વર્ષ પહેલાં-૧૬૮૨ની સાલમાં આ ઈમારતનું બાંધકામ શરૂ થયું અને ધાર્યું હતું એ પહેલાં જ બે વર્ષમાં પૂર્ણ ચણતર સાથે ખડું પણ થઈ ગયું. લંડનના સૌથી જાણીતા વેસ્ટમિનિસ્ટર સિટી વિસ્તારના આ ઈમારત એ વખતના સૌથી વગદાર ઉમરાવ જયોર્જ ડાઉનિંગે તૈયાર કરાવી હતી એટલે એ વિસ્તારને નામ મળ્યું ડાઉનિંગ સ્ટ્રીટ. હા,ત્યારે બધાનો ખ્યાલ એવો હતો કે અહીં કોઈ મોટા ઉમરાવનો પરિવાર રહેવા આવશે ને એની પેઢીઓ અહીં જ કાયમ માટે વસી જશે, પણ ત્યારે કોઈને સપને પણ કલ્પના નહોતી કે આ ઈમારત યુનાટેડ કિંગડ્મના સૌથી શક્તિશાળી હોદ્દા એવા પ્રાઈમ મિનિસ્ટરનું ઐતિહાસિક નિવાસસ્થાન તરીકે વર્લ્ડ ફેમસ થઈ જશે.
ઈસ્વીસન ૧૭૩૫ થી બ્રિટિશ વડા પ્રધાનોનું આ સત્તાવાર નિવાસસ્થાન બન્યું,જ્યાંથી બબ્બે વિશ્ર્વ યુદ્ધના અનેક કપરા નિર્ણયો લેવાયા હતા. એ પછી પણ વૈશ્ર્વિક કટોકટી અને શાંતિમાં પણ વડા પ્રધાન ભાડૂતો માટે આ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ અતિ મહત્ત્વનું સ્થળ બની રહ્યું.
આમ તો આ મૂળ ઈમારત અને આસપાસનાં રહેણાંકનું બાંધકામ કર્યું હતું એક જમાનાના રાજવી પરિવારના માનીતા અને જબરા વગદાર એવા સર જ્યોર્જ ડાઉનિંગ અને એના પરિવારે, પણ વડા પ્રધાન તરીકે અહીં રહેવા આવનારા વિન્સ્ટન ચર્ચિલને ૧૦,ડાઉનિંગ સ્ટ્રીટનું રહેઠાણ દીઠે ગમતું નહીં.એટલું જ નહીં,એનું બાંધકામ કરનારા ઉમરાવ જ્યોર્જ ડાઉનિંગને તો એ હાડોહાડ ધિક્કારતા હતા. કડવી -કર્કશ ભાષા માટે કુખ્યાત ચર્ચિલ તો પેલા ઉમરાવ ડાઉનિંગને એક લૂચ્ચો- લફંગો-લાલચુ- હરામખોર અને રાજવી પરિવારના ‘જાસૂસ’ તરીકે જાહેરમાં ભાંડતા હતા!
ચર્ચિલે તો ૧૦, ડાઉનિંગની ઈમારતને સાવ તોડી પાડીને ત્યાં નવી ઈમારત ખડી કરવાનું કહેતા. એમનાં જેવાં જ સૂચન પાછળથી ત્યાં રહેવા ગયેલા અન્ય વડા પ્રધાનોએ પણ કર્યા હતા. એને નેસ્તનાબૂદ કરવાની ઘણી વાર યોજના પણ થઈ,પરંતુ પી.એમ તરીકે ‘આયર્ન લેડી’ માર્ગારેટ થેચર આવ્યાં પછી એમની કામગીરીથી વિશ્ર્વનેતાઓ ખાસ્સા પ્રભાવિત થયા એ કારણે એમનાં નિવાસસ્થાન ૧૦,ડાઉનિંગની પ્રતિષ્ઠા પણ વધુ જામી. એ પછી એમાં કાળક્રમે નાના-મોટા ફેરફાર થયા,પણ ચર્ચિલ ઈચ્છતા હતા એમ સાવ જમીનદોસ્ત થતાં સાવ ઊગરી ગયું..
આમ તો પહેલી નજરે બહારથી પ્રાઈમ મિનિસ્ટરનું આજનું નિવાસસ્થાન બે કે ત્રણેક બેડરૂમના રાબેતા મુજબના અપાર્ટમેન્ટ કે ફ્લેટ જેવું લાગે. હકીકતમાં એવું નથી. આ ૩૦૦થી વધુ વર્ષ પ્રાચીન ઈમારતમાં ૧૦૦ જેટલાં રૂમ-ઓરડા છે. અહીં વડા પ્રધાન એમના પરિવાર સાથે ત્રીજા ફ્લોર પર રહે છે.જો કે એમનું કિચન બેઝમેન્ટ - ભોંય તળિયે છે. પી.એમ.ના આ ત્રીજા અંગત ફ્લોર સિવાયના બીજાં બધાં ઓરડા ખુદ વડા પ્રધાનના મુખ્ય કાર્યાલય અન્ય મિનિસ્ટર્સની કચેરીઓ-મંત્રણા રૂમ ઉપરાંત મુલાકાતીઓ માટે વપરાય છે.
અહીંથી રાજવી પરિવારનું ‘ઘર’ બકિંગહામ પેલેસ માત્ર દોઢેક કિલામીટરના અંતરે છે.લગભગ એટલા જ અંતરે ‘પેલેસ ઑફ વેસ્ટમિનિસ્ટર’ છે,જ્યાં બ્રિટિશ પાર્લામેન્ટના બન્ને ગૃહ (‘હાઉસ ઑફ લોર્ડ્સ’ અને હાઉસ ઑફ કોમન્સ’)ની બેઠકો યોજાય છે ને રાષ્ટ્રીય કારોભાર થાય છે.
૧૦, ડાઉનિંગની ઈમારતમાં તમે પ્રવેશો એટલે ઉપર જવા માટે એક લાંબી સીઢી તથા એક લિફ્ટ છે.. સામે જ એક લાંબી-પહોળી શ્ર્વેત દીવાલ નજરે ચઢે.એ દીવાલ પર અત્યાર સુધીના બધા જ વડા પ્રધાનની ક્રમબદ્ધ પણ માત્ર એક જ લાક્ષણિક તસવીરો ઝુલે છે. ( હા, અહીં અપવાદરૂપે ચર્ચિલની બે તસવીર છે !) દીવાલ પરની પ્રત્યેક તસવીર સાથે એ વડા પ્રધાનના નામ સાથે એમના શાસનકાળની તવારીખ પણ દર્શાવી છે. દીવાલ પર નવા આવનારા પી.એમ.ના ફોટા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે. હવે ત્યાં ઋષિ સુનક પણ ગૌરવભેર ગોઠવાઈ જશે !
આમ જુઓ તો ઋષિજી સરકારી ૧૦,ડાઉનિંગમાં રહેવા આવ્યા એ પહેલેથી કોઈ પણ બ્રિટિશ રાજવી કે ઉમરાવને કે પછી આજના સૌથી શ્રીમંતો વ્યક્તિઓનેય ઈર્ષા જાગે એવા ત્રણ ત્રણ ભવ્ય-વૈભવી નિવાસસ્થાન સાથે ઋષિ બ્રિટનના સૌથી સમૃદ્ધ સાંસદ છે. ૨૦૦ મિલિયન યુરો ( આશરે ૧૬ અબજ રૂપિયા)ના આસામી છે.એ જ રીતે એમની પત્ની અક્ષતા,જે વિખ્યાત ટેક્નોલોજી કંપની ‘ઈન્ફોસિસ’ના સ્થાપક એવા નારાયણ મૂર્તિની પુત્રી છે. એણે પપ્પાની કંપનીમાં જબરું રોકાણ કરીને તગડી સંપત્તિ કમાઈ છે. થોડા સમય પહેલાં લંડનના દૈનિક ‘સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ’ના સર્વે અનુસાર ઋષિ અને અક્ષતાની કુલ સંપત્તિનો આંક છે ૮૧૦ મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા ૮૫ અબજ ),જે મહારાણીનાં અવસાન પછી કિંગ બન્યા એ ચાર્લ્સની વ્યક્તિગત સંપત્તિથી પણ વધુ છે!
આ બધા વચ્ચે જયારે ઋષિ સુનક પરિવારે હજુ ગૃહ-પ્રવેશ પણ નહોતો કર્યો એ પહેલાંથી ૧૦,ડાઉનિંગના ઘરમાં શું શું ફેરફાર થશે કે હિન્દુ પ્રણાલી પ્રમાણે કરવા જોઈએ એની હળવી ચર્ચાવિચારણા અને સલાહ-સૂચનનાં મીમ્સ અનેક સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગયા હતા.
ખેર, ભારત પર બ્રિટિશ શાસન વખતે ઘણાં સ્થળે ‘ઈન્ડિયન્સ ઍન્ડ ડોગ્સ નોટ અલાઉડ’નું આપણા માટે અપમાનજનક ફરમાન હતું, પણ હવે તો ઋષિ – અક્ષતા સપરિવાર બ્રિટિશ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ૧૦,ડાઉનિંગ સ્ટ્રીટમાં આબરૂભેર રહે છે-નિવાસ કરે છે ત્યારે હા,એમની સાથે એમનો ડાર્લિંગ ડોગી ‘નોવા’ પણ છે!
કયારેક કેટલાંક અપમાનના જડબાતોડ જવાબ ખુદ ફાંટાબાજ કુદરત જ આપી દે છે !
૧૦, ડાઉનિંગનું અલપ-ઝલપ..
તમને ખબર છે કે પી.એમ.ના આ નિવાસસ્થાનનું મૂળ અડ્રેસ એક જમાનામાં ૫, ડાઉનિંગ સ્ટ્રીટ હતું?!
એ વખતે આ ઈમારતનો ક્રમાંક પાંચમો હોવાથી ત્યારે લંડન સુધરાઈએ એની સત્તાવાર નોંધણી કરીને સરનામું આપ્યું હતું: ફાઈવ , ડાઉનિંગ સ્ટ્રીટ પાછળથી એ વિસ્તારમાં અનેક રહેણાંક વધ્યા પછી નવા ક્રમાંક અનુસાર એને નવું અડ્રેસ એનાયત થયું :
ટેન, ડાઉનિંગ સ્ટ્રીટ!
આ ઈમારતનું મુખ્ય પ્રવેશદ્વાર આજે કાળા રંગનું છે.હકીકતમાં એનો રંગ અવારનવાર બદલાતો રહ્યો છે. એક સમયે આ પ્રવેશદ્વાર ગ્રીન-લીલા રંગનું હતું, પણ બીજા વર્લ્ડ વોર દરમિયાન આ વિસ્તારમાં સતત જોરદાર બોમ્બાર્ડિંગ થતાં દરવાજા કાળા પડી ગયા.બસ,ત્યાર પછી મુખ્ય પ્રવેશદ્વારને હંમેશને માટે બ્લેક રંગી કરી દેવામાં આવ્યું છે.
આ દ્વાર પર પીળા રંગની પતરાની એક ટપાલપેટી-લેટર બોક્સ છે,જેમાંથી પત્ર અંદર સરકાવી શકાય. જો કે ,હવે એનો જરા પણ ઉપયોગ થતો નથી,છતાં એનું ઐતિહાસિક મહત્ત્વ હોવાથી એ હજુ પણ યથાવત્ છે..
આવું જ અહીં દ્વાર પરના ડોરબેલનું છે. દબાવો પણ અંદર બેલ રણકે જ નહીં. એ પણ માત્ર ઐતિહાસિક ‘શોભા’ માટે છે.
અહીં ચાવી દ્વારા બહારથી ખોલવા માટે મુખ્ય દ્વાર પર કી-હોલ તો છે,પણ અજબ વાત એ છે કે અહીં પ્રવેશ માટે કોઈ કી-ચાવી જ નથી.! પ્રવેશદ્વાર કોઈ વ્યક્તિ અંદરથી જ ખોલી શકે એવી વર્ષો જૂની ગોઠવણ છે.બહારથી કોને પ્રવેશ આપવો એ માટે ઈમારતની અંદર રહેલા કેમેરા-મોનિટરથી પૂરતી ચકાસણી થાય પછી જ અંદરથી દ્વાર ખૂલે.
અહીં કોઈ પી.એમ. પર્માનન્ટ – કાયમી ‘ભાડૂત’ નથી..છતાં અહીં એક જણ જ છેલ્લાં ૧૪ વર્ષથી રહે છે અને એ છે ‘મ્યાંઉ’ અર્થાત ‘લેરી’ નામની એક બિલાડી, જેને ચીફ ‘માઉઝર’ (મૂષક પકડનાર !)નો સત્તાવાર હોદ્દો પણ આપવામાં આવ્યો છે!