આબરૂ
ટૂંકી વાર્તા -નટવર ગોહેલ
મંગલઘડી હવે દૂર ન હતી. પ્રત્યેક ક્ષણ આનંદના આવરણે મઢાઈ ગઈ હતી. નવોઢાના સ્વપ્નાનો સરતાજ ઢોલની દાંડીએ પોંખાઈને મંડપ પ્રવેશ કરવાનો હતો. માતા-પિતાની એકની દીકરી કહો કે ગૃહલક્ષ્મી વિદાય લેવાની હતી, પણ… નવોઢાની આંખમાં તો ઉજાગરાની આછેરી લાલશ પથરાયેલી હતી. તેના ચહેરા પર ખુશી હતી, પણ એ ખુશી સજાવીને ગોઠવેલી હતી. અંજાયેલી આંખમાં કશુંક અકળ અગમ્ય ભારણ કળાતું હતું.
દીકરી પલકનો પ્રસંગ હોય અને માતાપિતા ખુશ ના હોય એવું તો કઈ રીતે બની શકે? માતાના પગ ફળિયું અને ઉંબરા વચ્ચે સ્થિર રહેતા ન હતા. પિતા સાજન-માજનની આગતા-સ્વાગતા માટે સજ્જ હતા, પણ પલકની આંખો વારંવાર ખંડની બારીના સળિયા વચ્ચેથી સરકીને રુદ્ર ફલેટની સામેની બારીએ અફળાઈને અટકી જતી હતી અને હૈયામાં કશીક ઊથલપાથલ મચી જતી હતી.
તે સહેલીઓ વચ્ચે હતી છતાં ઘણે દૂર હતી. શરીરની ભીતરનું હૈયું જાણે કે ખાલી બની ગયું હોય તેમ જણાતું હતું. કોઈનો ચહેરો, ચહેરા પરની ઉત્કંઠિત આંખો, આશાની રેખાઓથી મઢ્યું અંતર, દૂર- સુ-દૂ- રથી જાણે સાદ દઈ રહ્યું હતું.
ત્યાં જ પગરવ થયો.
એણે જોયું, હરખના ઉછાળ સાથે મમ્મી નજીક આવી ગઈ હતી: ‘પલક, બસ હવે જાન આવવાની તૈયારી છે.’ આમ કહીને દીકરીના માથા પર હાથ મૂકી દીધો. દીકરી હરફ સુધ્ધાં ઉચ્ચારી શકી નહીં, તેણે મમ્મી સામે જોયું. હૈયું છલકાયું હશે, અંતર વલોવાયું હશે અને મમ્મીના હોઠ ધ્રુજીને થીજી ગયા હશે.
‘મમ્મી!’ મમ્મીના હાથ પર મહેંદી રંગેલો હાથ ગોઠવીને પલક અપલક નેત્રે જોઈ રહી.
‘અમારી આબરૂ તારા હાથ…?’ આમ કહેતા મમ્મીનો અવાજ ભારે થઈ ગયો. શબ્દો ભીંજાવા લાગ્યા. દીકરીએ હૈયા પર માંડ માંડ અંકુશ મેળવ્યો, હાથની ભીંસ વધારી. એ ભીંસની વચ્ચે ઊછળતી સંવેદના છૂપી રહી શકે તેમ ન હતી. મા-દીકરી કંઈ વિશેષ બોલી શક્યાં નહીં. વાત તો થઈ રહી, મૌનની ભાષામાં. ધ્વનિવિહીન કોઈ સૂર લહેરાઈ રહ્યો… મા- દીકરીના હાથના સ્પર્શમાં. સંવેદનમાં.
‘આપણો આકાશ તને હથેળીમાં રાખશે.’ મમ્મીએ છેવટે હૃદય ખોલી નાખ્યું: ‘સગામા સગું! તેના પિતા ક્યાં અજાણ્યા છે….? તારા પપ્પા અને આકાશના પપ્પા પરેશભાઈ મિત્રો હતા, હવે વેવાઈ બન્યા. આને કહેવાય નસીબ- ખરું ને?’
પલક પાસે કહેવા માટે ઘણું હતું. તે ચૂપ હતી. તેની નજર પળે-પળે સામેના ફલેટ તરફ જતી હતી. મમ્મી દીકરીના ચહેરાને પંપાળી રહી: ‘તું અમારી ચિંતા ન કરતી. આકાશ તને જરાયે ઓછું આવવા દેશે નહીં. હા, અમારી આબરૂનું રખોપું કરજે.’
ફક્ત દર્દભીનું હસીને પલકે હકારાત્મક રીતે માથું હલાવ્યું, કોઈકે મમ્મીને સાદ દીધો. મમ્મી દોડી ગઈ. પલકે એક પળ માટે મમ્મીની પીઠ સામે જોયું, આંખ મીંચી ગઈ, તે પછી પુન: એની આંખ બારીના સળિયા સોંસરવી સરકી ગઈ. જાણે સ્વપ્નું શોધી રહી, સ્વપ્નની રોનકના મણકા વીણી રહી.
એને થયું, આજે સામેની બારી કેમ બંધ છે…? હું આ ઘર, ઘરનું ફળિયું છોડીને જઈ રહી છું અને…
ચારે તરફ પગલાંનો ધમધમાટ હતો, ઉત્સાહ હતો, ઉમંગનો ગુલાલ હતો. બધા જ પ્રસન્નચિત્ત હતા. આમ છતાં એ બધામાં પલક સાવ અલગ અને એકાકી ભાસી રહી હતી. એ આશાના પંખ પર બેઠી હતી, પણ દિશા મનગમતી નહોતી.
એના હોઠ ફફડી ઊઠ્યા: ‘ઉત્સવ! બારી ખોલ, તારી પલક પળભરમાં પરાઈ બની જશે. હું તને છોડીને જઈ રહી છું. કાયમ માટે. મમ્મીને આપેલું વચન પાળ્યા વિના છૂટકો નથી કેમ કે હું તેમની આબરૂ છું ઘરની લક્ષ્મી છું…’
ઉત્સવ અને પલક- ખોળિયું જુદાં, પ્રાણ એક. પરસ્પરને માટે ન્યોછાવર થવા તૈયાર. બંનેની જ્ઞાતિ અલગ. ઉત્સવના મમ્મી-પપ્પા તો પલકને આવકારવા તૈયાર હતા પણ પલકની મમ્મી તો એક જ રટણ કરવા લાગેલા: મારી પલક તો મારી આબરૂ છે, ગૃહલક્ષ્મી છે. એકની એક દીકરી સગામાં જ જશે. એના પપ્પાના મિત્રના ઉંબરે જ એના પોંખણા અને ઓવારણાં થશે.
પલક અને ઉત્સવ બંને એક જ કિનાર્ે હતા, પણ મમ્મીના હઠાગ્રહે દૂર ધકેલી દીધા. પલકે મોકો જોઈને મમ્મી આગળ ઉત્સવ સાથેના સંબંધનો ઉલ્લેખ કર્યો ત્યારે મમ્મીના હૈયે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી: ‘તું શું વાત કરે છે?’
‘મમ્મી એ પટેલ અને આપણે બ્રાહ્મણ, ફેર શું પડશે? તે સ્વભાવે શાંત, સૌમ્ય, મળતાવડો અને કમાઉ છે તે પણ તેના ઘરમાં એકમાત્ર પુત્ર છે. એના મમ્મી-પપ્પા તૈયાર છે…’
‘પલુ, આગળ બોલતી નહીં. આપણે સમાજમાં આબરૂ ગુમાવવા માગતા નથી; મમ્મીના અવાજની ઉગ્રતા ઓછી કઈ રીતે થાય: ‘લોકો કહેશે પલકના પિતા સમાજમાં સારી આબરૂ ધરાવે છે, શું પોતાના તળમાં છોકરાની અછત હશે કે દીકરીએ ચરોતરના પટેલનું ખોરડું પકડ્યું?’
‘મમ્મી, સમાજ તો કહેશે કહ્યા કરે!’ પલકે અંતરનો તરફડાટ વહેતો મૂક્યો હતો: ‘મારે માટે થઈને ઉત્સવ રુદ્ર ફલેટ છોડી નદી પાર જવા તૈયાર છે. કાલે લોકો બધું ભૂલી જશે. બે આત્માઓને જુદા પાડવાનું પાપ શું કામ કરે છે!’
‘અને કાલે તું ઉત્સવને ઉંબરે જઈને બેસીશ અને હું લાંબા ગામતરે ઊપડીશ ત્યારે સમાજ શું કહેશે?’ મમ્મીએ લાગણીભીના સ્વરે કહ્યું: ‘સમાજ કહેશે કે દીકરીએ પટેલ પુત્રના પ્રેમમાં પડીને માનો જીવ લીધો. ઘરની આબરૂ કાઢી. ત્યારે તું શું કહીશ?’
પલક બોલી શકી ન હતી.
માતાની જીદ આગળ, ઘરની આબરૂ સાચવવા માટે તેણે ઝૂંકવું પડ્યું, નમવું પડ્યું અને મમ્મીના હાથ પર માથું ઢાળીને તે રડી પડી હતી: ‘મમ્મી! હું શું કરું? કોને કહું?’તું મારી મમ્મા પણ છે અને વ્હાલી સખી પણ છે. તારી આગળ રડી છું, હસી છું, કૂદી છું. તને હું કઈ રીતે દુ:ખી કરી શકું?
‘એટલે મારી વ્હાલી દીકરી તું આ ઘરની આબરૂ સાચવીશને? ઘરનું ઢાંકણ બનીશને?’
‘એમ જ સમજ!’
તે રડતી રહી. મમ્મી તેની પીઠ પર, હાથ પર હાથ પસરાવતી રહી: ‘ઉત્સવ સારો- સંસ્કારી છોકરો છે. માતાપિતા પણ પૈસેટકે સંપન્ન અને સુખી છે. વૈભવી છે, પણ પિતાની આબરૂ માટે સંતાનોએ ભોગ તો આપવો પડેને!’
પલક કેવળ રડતી રહી. એની આંખોમાં આંસુઓ વાટે જાણે કે તેણે સજાવેલાં સ્વપ્નાઓનું ધોવાણ થતું રહ્યું. એના અંગઅંગમાં પીડા ઉપડી હતી. વેદના જાગી હતી. તે જાત સાથે વાત કરી રહી હતી: ‘ઉત્સવ! હું તારી નથી રહેવાની… આકાશનું ફળિયું મને આવકારી રહ્યું છે, જ્યાં જઈને હું મમ્મી-પપ્પાની આબરૂનો ઝંડો લહેરાવીશ?’
ઉત્સવ સમક્ષ પલકે જયારે જુદાઈની વાત કરી ત્યારે ઉત્સવે કહેલું: ‘પણ, પલક તને પરણવા માટે હું આતુર છું, ઉત્સુક છું. તને ખબર છે ને હું શેરવાની અને સાફો પણ લઈ આવ્યો છું તને ગમતી મોજડી લાવી રાખી છે! ઘોડે ચડવા માટે હું રમણે ચડ્યો છું ત્યારે તું મમ્મીની આબરૂને બચાવવા માટે મારા સ્વપ્નાનું રમણભમણ કરવા બેઠી છે!’
પલક શું બોલે?
જ્યારે ઉત્સવ લગ્નના આવરણો લઈ આવ્યો ત્યારે તેણે પલકને તે બતાવી કહેલું: ‘જો આ સાફો માથે ચડાવીને હું ફળિયે જાન જોડીને આવીશ અને હું તને ધામધૂમથી તેડી જઈશ. વાજતેગાજતે આવીશ. વાજતેગાજતે તને લઈ જઈશ.’
એ હસી પડી હતી, બસ, હસતી જ રહી. તેનું હાસ્ય પળવાર માટે રોકાયું ન હતું, હા એણે કહ્યું હતું: ‘અરે, ઓ પલકના ઉત્સવ તું પાગલ થઈ ગયો છે?’
‘કેમ, પહેલા પાગલ ન હતો?’
‘હતો, પણ હવે બેફામ બન્યો છે’ પલકે તેની હડપચી પકડીને શરારતી અંદાજમાં કહ્યું: ‘લગ્નના આવરણો તો માતાપિતા અને સગાસ્નેહીઓની ઉપસ્થિતમાં લવાય, તું એકલો જઈને લઈ આવ્યો?’
ફરી પાછી પલક હસતી રહી, હસતી જ રહી. અને એકાએક આતશબાજી થતા પલકની વિચારમાળા તૂટી પડી. તેણે ઝટપટ આંખોની ભીનાશી લૂછી નાખી. આસપાસ બેઠેલી સખીઓ ‘જાન આવી’ ‘જાન આવી’ કહેતી બહારની તરફ દોડી ગઈ.
ફટાકડા ફૂટી રહ્યા હતા. ડીજેનું ધમાલિયું સંગીત ચારેબાજુ પ્રસરી રહ્યું હતું. પલક જૂની યાદોને ખંખેરીને કેવળ એટલું જ ગણગણી: ‘બસ, ત્યારે ઉત્સવ! આવજે મને તેડવા માટે આકાશ આવી ગયો છે. માતાપિતાની આબરૂ હવે તારા ફળિયું છોડીને જશે… તું મનને મનાવી લે જે, જરા પણ મનને આળું બનવા દેતો નહીં. હા, ભલે હું શરીરથી આકાશની બનું, મારા મનનો સરતાજ તો કેવળ તું જ છે.
ત્યાં તો ઘોંઘાટ વધી ગયો. ફટાકડા ફૂટતા બંધ થઈ ગયા, જે ઘોંઘાટ હવામાં તરી રહ્યો હતો તે કેવળ પુરુષોના કર્કશ અવાજનો હતો. પલકનું હૈયું ફફડી ઊઠ્યું: ‘આ અવાજ કેવો?’ કોઈ સામસામે બોલી રહ્યું હતું. વાત વણસી રહી હતી કે શું?
પલક એકલી હતી. ખંડમાં કોઈ ન હતું. પલકના કાકાનો દીકરો અભિષેક જાનૈયાઓ સાથે મોટેથી વાત કરી રહ્યો હતો પલક ઊભી થઈ. બારી પાસે આવી.
‘તમે રસ્તા પરથી છેક મંડપ સુધી ડીજેનું સંગીત લહેરાવત આવ્યા છો, બસ, હવે બહુ થયું. અમારા સમાજે ડીજેની બંધી કરી છે.’ અભિષેક કહી રહ્યો હતો: ‘આપણું લગ્નનું મુહૂર્ત વહી જાય છે. બધા માંડવે આવો’
‘તમારા સમાજે ડીજેની બંધી કરી હશે, કોઈકે અભિષેકને કહ્યું: ‘અમારા સમાજે નહીં’ અવાજ મોટો થયો: ‘યાર, લગ્ન છે. કોઈની ક્ધયાને ઉપાડી જવા માટે નથી આવ્યા. ડીજે વાગશે, ઢોલ વાગશે અને અમે નાચીશું.’
‘તમે અમારી સ્થિતિને સમજો’ અભિષેક શાંતિથી સમજાવવા માંડ્યો: ‘અમારા માથે દંડની રકમ ચોંટશે, રૂપિયા પાંચ હજાર ભરવા પડશે. વગાડવાનું અને નાચવાનું બંધ કરો. આ અમને પસંદ નથી.’
ચાર પાંચ યુવાનો અભિષેકની મદદે આવ્યા. જાન પક્ષેથી બોલી રહેલા યુવાનો દારૂના નશામાં ચકચુર હતા. અરે, વર પણ ઝૂમી રહ્યો હતો.
કોઈએ નાગડદાઈ દાખવી: ‘ચાલો ભાઈ, જાનની આગતાસ્વાગતા કરો. ઠંડું મગાવો, પેપ્સી લાવો. પેપ્સી ના હોય તો કોકાકોલા લાવો.’
‘અને આ બધું ના હોય તો દારૂની પોટલી ખોલો, પણ અમારું સ્વાગત કરો…’ વચ્ચે એક દારૂડિયાએ ટાપશી પૂરી, પછી તો મોટા ભાગના લોકો હસવા લાગ્યા. એક જણે નકામો બબડાટ કરી લીધો: ‘આવા લોકો શું કામ લગ્ન કરતા હશે! છોકરીને કોર્ટમાં લઈ જઈને પરણાવી દેતા હોય તો!’
‘અભિષેકનો પિત્તો ગયો: ‘મારી બહેનને માટે કોઈ પણ જાતની ટીકા- ટિપ્પણી ચલાવી લઈશનહિ…’
ઝપાઝપી શરૂ થઈ ગઈ. હાથોહાથનું સમરાંગણ રચાઈ ગયું. કોઈકે પોલીસને ફોન કર્યો. દસ મિનિટના અંતરમાં જ પોલીસવાન આવી પહોંચી. સમજાવટ શરૂ થઈ. દારૂડિયાએ ચકલી જેવા બની ગયા. વરનો બાપ પણ બેફામ બની ગયો હતો. દરમિયાન પલક નીચે આવી ગઈ.
આ ઘટનાએ તેને ચોંકાવી દીધી હતી. તેણે આકાશ સામે જોયું. આકાશ માથું ઝુકાવી ઊભો હતો. તે પલકની આંખ સામે જોઈ શકતો ન હતો. પોલીસના કર્મચારીઓ સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા: ‘જે કંઈ બન્યું તે બન્યું, હવે જાગ્યા ત્યારથી સવાર, અરસપરસ માફી માગી લો. લગ્નનું મુહૂર્ત જાળવી લો. સમાજ હાંસી ઉડાવે તેવું કરો નહીં. બંને ખાનદાન, શિક્ષિત અને સમજુ છે ત્યારે આવી પરિસ્થિતિનો સલુકાઈથી ઉકેલ લાવવો જોઈએ. બધું ભૂલી જાઓ. ગુસ્સો ઓકી નાખો…’
છેવટે વાત થાળે પડતી હોય તેવું લાગ્યું. પલકનું મન આળું બની રહ્યું હતું. તેની આંખો વરસી રહી હતી. તેની મમ્મી પડખે જ ઊભી હતી. મમ્મી તરફ જોઈને પલક માથું ઝુકાવી ગઈ: જોયું મમ્મી! તમારા સગાઓ જ આ તમાશો ખડો કરી રહ્યા છે. આ બરબાદી પપ્પાના મિત્ર જ નોતરી રહ્યા છે, તેઓ હરફ સુધ્ધાં બોલતા નથી…!
મમ્મીએ દીકરીની આંખોમાંથી ઊઠતી ફરિયાદની નોંધ લઈ લીધી. પલક જાણે મમ્મીને કહી રહી હતી: તમારા ઘરની આબરૂના લીરા હવે નથી ઊઠતા મમ્મી? તમારી લક્ષ્મીને લૂંટનારા આ બધા તમને સારા લાગી રહ્યા છે?
‘આપણે સમાધાન પર જઈએ’ એક વડીલે વચ્ચે આવીને કહ્યું: ‘લગ્નનું મુહૂર્ત સાચવી લઈએ. દીકરા- દીકરીનું ભાવિ ધૂંધળું બનવું જોઈએ નહીં…!’
‘હા, પણ એક શરત!’ વળી એક વડીલે મમરો મૂક્યો:
‘લગ્ન જરૂર થશે પણ અભિષેકને માંડવો છોડીને ચાલ્યા જવું પડશે!’
બધા સ્તબધ હતા.
‘અભિષેક વગર લગ્નની વિધિ શરૂ કરો’ પેલા વડીલે વળી અંતરનો ઊભરો ઠાલવ્યો: ‘આ બધો અખાડો એનાથી શરૂ થયો છે. તેને હાંકી કાઢો….’
‘મારી સજાવટથી તમારી જાનના દારૂડિયાઓ માન્યા નહીં, મારામારી ઉપર તેઓ ઊતરી આવ્યા હતા. મારી બહેનની આબરૂ માથે તમે લોકો બેસી ગયા છો’ અભિષેકે દલીલ કરી: ‘હા, મારી બહેન ઈચ્છતી હોય તો હું અવશ્ય જઈશ. ભલે થતા લગ્ન.’
‘લગ્ન હવે નહીં થાય.’
બધા ચમક્યા. એ એક સ્ત્રી સ્વર હતો. બધાએ સ્વરની દિશામાં જોયું. પલકને જોઈને જાન પક્ષની સૌ દિગ્મૂઢ થઈ ગયા. તે આગળ આવી: ‘મારે પરણવું નથી!’
અભિષેક માંડવો છોડીને જાશે નહીં. તમે લીલા તોરણે પાછા જાઓ.
આકાશ થીજી ગયો.
બધા પરસ્પરની સામે જોઈ રહ્યા. આખીયે ઘટનાનો વળાંક આઘાતજનક આવી રહ્યો હતો. વળાંક વણકલ્પપ્યો હતો. અણધાર્યો હતો. પલક કહી રહી હતી.: ‘તમે પાછા જાવ. હું કોઈપણ સંજોગોમાં લગ્ન કરવા માટે તૈયાર નથી. મારે ફરિયાદ પણ કરવી નથી. તમે જાણો અને તમારું ભાગ્ય…!’
‘તારી આબરૂ જશે…’
કોઈ વડીલે મોટા સાદે આક્રોશ વ્યક્ત કર્યો:
‘કર્યા કારવ્યા પર પાણી ફરશે. લાખોનો ખર્ચ ધૂળધાણી! બીજું શું?’
‘પલકની આબરૂ નહીં જાય!’
હવે જે સ્વર પ્રગટ્યો હતો તે પુરુષનો હતો. સૌની નજર ભીડ ચીરીને આવતા દુલ્હારાજા તરફ ગઈ, પણ એ દુલ્હો પેલો આકાશ તો ન હતો જ…. એ હતો રુદ્ર ફલેટનો ઉત્સવ…
‘પલક હું તૈયાર છું.’
આગળ વધીને ઉત્સવે પલકનો હાથ પકડી લીધો. તેણે બધાની સામે જોઈને કહ્યું: ‘તમામ વ્યવહારો અને બંધારણના સ્વીકાર સાથે હું લગ્ન માટે તૈયાર છું. તું તારા ઘરની જ નહીં, મારા ઘરની પણ આબરૂ છે….’
‘ઉત્સવ…!’
‘હા, પલક…’
ઉત્સવે પલક સામે જોયું. તેની આંખો નવેસરથી સજળ બની રહી હતી. તેના ગાલ પરની ભીનાશ સાફ કરીને ઉત્સવે કહ્યું : ‘તારા હાથની મહેંદીને હું સુકાવા દઈશ નહીં, આ લીલા તોરણે પોંખાયા વગર જેને જવું હશે તે જશે, ઉત્સવ નહીં જાય. ઉત્સવ પરણશે. તેની મનગમતી સજનાને… હૈયાની રાણી પલકને!’
પલકની મમ્મી અને તેના પપ્પા ઉત્સવ પાસે આવ્યા. ઉત્સવ શેરવાની અને સાફો ચડાવીને જ આવી ગયો હતો. બધા જોતાં રહી ગયાં.
આકાશે આંખના ઈશારે જાનૈયાઓને પાછા ફરવા જણાવ્યું. પલક-ઉત્સવ સપ્તપદી તરફ અગ્રેસર થયા. મંડપ એનો એ હતો, ક્ધયા પક્ષ એનો એ હતો, વર બદલાયો હતો, વધૂ એની એ હતી.
આબરૂ જેની જવાની હતી તેની ગઈ.
આબરૂ સચવાઈ હતી પલકની. પલકની આંખનું સ્વપ્નું ફરીથી ખીલી ઊઠ્યું, માત્ર માંડવો જ નહીં, પલકના હાથની મહેંદી પણ મહેકી ઊઠી. ડીજેનો કકલાટ ઓસરી ગયો હતો, પણ શરણાઈના સૂર વધુ મધુરા બન્યાં હતાં.