મોદીને વડા પ્રધાન બનાવવાનો અર્થ પાકિસ્તાનની બુલેટનો જવાબ તોપગોળાથી: અમિત શાહ

મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવાનો અર્થ થાય છે કે પાકિસ્તાનમાંથી આવતી દરેક ગોળીનો જવાબ તોપગોળાથી આપવો.
મધ્ય મહારાષ્ટ્રમાં આવેલી જાલના લોકસભા બેઠક પર કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવે માટે આયોજિત પ્રચાર રેલીમાં તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવા એટલે પાકિસ્તાનની બુલેટનો જવાબ તોપગોળાથી આપવો. ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએમાં નક્કી છે કે ચૂંટણી પછી કોણ વડા પ્રધાન બનશે, જ્યારે વિપક્ષી ઈન્ડી ગઠબંધનમાં આ મુદ્દે નિર્ણય લેવાનો બાકી છે.
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાનનો એજેન્ડા આગળ લઈ જનારું જો કોઈ હોય તો તે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સર્જિકલ અને એર સ્ટ્રાઈક (પાકિસ્તાન સામે) કરે છે, જ્યારે રાહુલ ગાંધી તેમને સવાલો કરે છે. મોદીએ નક્સલવાદને ખતમ કર્યો છે, પરંતુ રાહુલ તેના પર સવાલ ઉઠાવે છે, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાની આકરી ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું હતું કે ઠાકરેએ એવી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે જે ટ્રિપલ તલાક પાછા લાવવા માગે છે અને દેશને શરિયા કાયદા પ્રમાણે ચલાવવા માગે છે. શું આ દેશને મુસ્લિમ પર્સનલ લોને આધારે ચલાવી શકાય? કેટલાક બંધારણીય પદોની લાલસામાં ઉદ્ધવ ઠાકરે આવા લોકોની સાથે બેઠા છે, એમ તેમણે કહ્યું હતું.
જો કૉંગ્રેસ ફરી સત્તામાં આવશે તો તે અયોધ્યાના રામ મંદિર પર બાબરી તાળું લગાવવાનું પાપ આચરશે એમ તેમણે કહ્યું હતું.