‘ભ્રષ્ટ શાસન સામે ગૃહયુદ્ધનું આહ્વાન કરવું પડશે’ ચંદ્રાબાબુ નાયડુના બચાવમાં પુત્ર લોકેશનું નિવેદન
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના મહાસચિવ નારા લોકેશે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને તેના પિતા ચંદ્રબાબુ નાયડુનો બચાવ કરતા કહ્યું હતું કે મારા પિતા એક એવા રાજકારણી છે જેમના પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી, પરંતુ તેમ છતાં કોઈ પુરાવા વિના તેમને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તેમણે એક મીડિયા ચેનલને કહ્યું કે આપણે ભ્રષ્ટ શાસન (શાસક વાયએસઆર કોંગ્રેસ) સામે ગૃહયુદ્ધનું આહ્વાન કરવું પડશે.
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુની રાજ્ય કૌશલ્ય વિકાસ નિગમ સાથે સંબંધિત રૂ. 371 કરોડના કથિત કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને બે અઠવાડિયાની ન્યાયિક કસ્ટડી માટે રાજમુન્દ્રી જેલમાં મોકલવામાં આવ્યા છે. આગામી વર્ષે વિધાનસભા અને લોકસભા ચૂંટણી પહેલા તેલુગુ દેશમ પાર્ટીના વડાની ધરપકડથી આંધ્રપ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
નારા લોકેશ શુક્રવારે પોતાના પિતાની ધરપકડ અંગે વકીલો સાથે ચર્ચા કરવા દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમણે એક મીડિયા ચેનલને કહ્યું કે સંપૂર્ણ બહુમતી સત્તાને ભ્રષ્ટ કરે છે. સાથે જ આ ભ્રષ્ટાચારીઓ ઈમાનદાર લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દે છે, આંધ્રપ્રદેશમાં કંઇક આવું જ થઈ રહ્યું છે.
આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જો તમે રિમાન્ડ રિપોર્ટ વાંચો તો સ્પષ્ટ દેખાય છે કે પૈસાની કોઈ લેવડ-દેવડ થઇ નથી કારણ કે પૂર્વ સીએમ નાયડુએ કંઈ ખોટું કર્યું નથી. તે સ્પષ્ટ છે કે આ બદલાની રાજનીતિ છે. અમે દરેક કાયદાકીય વિકલ્પનો આશરો લઈશું અને આરોપો સામે લડીશું.
લોકેશે તમામ ભારતીયોને નાયડુના સમર્થનમાં એક થવા અપીલ કરી હતી. તેણે કહ્યું કે મારા પિતાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેઓ 15 વર્ષ સુધી મુખ્ય પ્રધાન રહ્યા. આ સિવાય તેઓ 15 વર્ષ સુધી વિપક્ષના નેતા પણ હતા. તેમણે કહ્યું કે નાયડુ એવા રાજનેતા છે જેમના પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી અને આવા ઈમાનદાર વ્યક્તિને કોઈપણ પુરાવા વગર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી રહ્યા છે.