મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીની તારીખ જાહેર
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં દસમી જૂનના રોજ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચાર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
બે શિક્ષક અને બે સ્નાતક (ગ્રેજ્યુએટ) એમ કુલ ચાર બેઠક માટે દસમી જૂનના રોજ મતદાન યોજવામાં આવશે, તેવી જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે. ચૂંટણીના મતદાનની ગણતરી 13 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
હાલ મુંબઈ વિભાગની શિક્ષક બેઠકનું પ્રતિનિધિત્વ કપિલ પાટીલ (લોક ભારતી) અને સ્નાતક બેઠકનું પ્રતિનિધિત્વ વિલાસ પોતનીસ (ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના) કરે છે. જ્યારે કોંકણ વિભાગની સ્નાતક બેઠકનું પ્રતિનિધિત્વ ભાજપના નિરંજન ખરે અને નાશિક વિભાગની શિક્ષક બેઠકનું પ્રતિનિધિત્વ કિશોર દરડે કરી રહ્યા છે.
આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ બાવીસ મે હશે અને ઉમેદવારી પત્રોની ચકાસણી 24 મેના રોજ હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 27 મે હશે, તેમ ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.