હૈદરાબાદમાં ભારે વરસાદઃ એપાર્ટમેન્ટની દીવાલ ધરાશાયી થતાં બાળક સહિત 7 લોકોનાં મોત
હૈદરાબાદ: તેલંગણાના હૈદરાબાદ શહેર સહિત અને ઘણા ભાગોમાં મંગળવારની સાંજે ભારે ક્મોસમી વરસાદ થયો હતો. આ ધોધમાર કમોસમી વરસાદના કારણે હૈદરાબાદમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મંગળવાર સાંજે એક નિર્માણાધીન એપાર્ટમેન્ટની દિવાલ ધરાશાઈ થતાં 7 વર્ષના બાળક સહિત 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
મીડિયાના અહેવાલ અનુસાર આ દુર્ઘટના મંગળવારના સાંજે થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા તમામ લોકો ઓડિશા અને છત્તીસગઢના પ્રવાસી મજૂરો હતા. જેસીબીની મદદથી તમામ લોકોના મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 7 મેની સાંજે હૈદરાબાદ અને તેલંગણાના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. આ દરમિયાન બચુપલ્લી વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. સ્થાનિક લોકો પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસ અને અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શહેરની ગાંધી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ તિરુપતિ રાવ માજી (20), શંકર (22), રાજુ (25), ખુશી, રામ યાદવ (34), ગીતા (32) અને હિમાંશુ (14) તરીકે થઈ છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (DRF) ટીમ તહેનાત કરવામાં આવી છે, જેની મદદથી શહેરમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા અને પડી ગયેલા વૃક્ષોને દૂર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગે પણ તેલંગણા માટે યલો એલર્ટ જાહેર કરી છે તે ઉપરાંત, હળવા કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગાજવીજ સાથે વરસાદ ઉપરાંત 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની પણ આગાહી કરી છે.