વિપક્ષી ગઠબંધન સત્તામાં આવ્યું તો રામમંદિર પર બાબરી નામનું તાળું લાગશે : અમિત શાહ
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(Amit Shah) બુધવારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ભાજપના ઉમેદવાર અજય મિશ્રા ટેનીનાં ચૂંટણી પ્રચાર માટે એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે ભાજપને બહુમતી આપો, અમે આ બંધારણ વિરોધી મુસ્લિમ અનામતને(Muslim Reservtion) ખતમ કરીને પછાત વર્ગોને આપવાનું કામ કરીશું.તેમણે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધનની સરકાર બને છે તો રામમંદિર પર બાબરી નામનું તાળું વાગી જશે.
અનામતના મુદ્દે વિપક્ષને ઘેરતા અમિત શાહે કહ્યું કે પછાત વર્ગનાં અનામતને જો કોઈએ છીનવ્યું હોઈ તો તે અખિલેશ યાદવની સાથી કોંગ્રેસે છીનવ્યુ છે. જ્યારે તેમને કર્ણાટકમાં બહુમતી મળી ત્યારે તેઓએ પછાત વર્ગના આરક્ષણમાં કાપ મુકીને મુસ્લિમોને 5 ટકા અનામત આપ્યું. આંધ્રપ્રદેશમાં પણ જ્યારે તેઓ સત્તા પર હતા ત્યારે તેમણે પછાત વર્ગના આરક્ષણમાં કાપ મૂક્યો હતો અને મુસ્લિમોને અનામત આપ્યું હતું. કોંગ્રેસ, સપા અને બસપા ખોટો પ્રચાર કરીને ભાજપ અને મોદી સરકારને બદનામ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે પીએમ મોદીને 400 સીટો મળશે તો અનામત નાબુદ થઇ જશે.
તેમણે કહ્યું કે ગઈકાલે જ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. માત્ર ત્રણ તબક્કામાં પીએમ મોદીએ 190 સીટોનો આંકડો પાર કર્યો છે અને ચોથા તબક્કામાં તેમના નેતૃત્વમાં ભાજપ અને એનડીએ 400 સીટો તરફ મજબૂતીથી આગળ વધી રહ્યા છે. સપા, બસપા અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ચૂંટણી પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની છે અને 3 કરોડ ગરીબ બહેનોને ‘લખપતિ દીદી’ બનાવવાની છે, આ 3 કરોડ ગરીબોને પોતાનું ઘર આપવાની ચૂંટણી છે, આ ચૂંટણી 3 લાખ ગામડાઓમાં ડેરીઓ બનાવીને પશુપાલન સાથે જોડાયેલા ભાઈ-બહેનોને સમૃદ્ધ બનાવવાની છે.
તેમણે કહ્યું કે રાહુલ બાબા કહે છે કે અમે એક જ ઝાટકે ગરીબી હટાવીશું. અરે, રાહુલ બાબા, તમારો ટ્રેક રેકોર્ડ જુઓ, તમારી દાદીએ એક જ વારમાં કટોકટી લાદી દીધી. તમારા પિતાએ એક જ ઝાટકે પુનઃ ટ્રિપલ તલાકની રજૂઆત કરી અને તમારી પાર્ટીએ એક જ ઝાટકે પછાત સમાજ પાસેથી આરક્ષણ છીનવી લીધું.
ગૃહમંત્રીએ કહ્યું કે રામ ગોપાલ યાદવ રામમંદિરને નકામું ગણે છે. મેં જે કહ્યું તે યાદ રાખો, જો સહેજ પણ ભૂલ થશે તો તેઓ રામ મંદિર પર બાબરીના નામ પર તાળા લગાવશે. જો INDI ગઠબંધનને બહુમતી મળે તો મને કહો કે તેમનો વડાપ્રધાન કોણ બનશે? તેમની પાસે વડાપ્રધાન પદનો ઉમેદવાર પણ નથી. જ્યારે પત્રકારોએ આ બાબતે પ્રશ્નો કર્યા, ત્યારે તે કહે છે કે તે એક પછી એક, એક વર્ષમાં એક બનશે. તેમની પાસે ન તો કોઈ નેતા છે, ન ઈરાદો, ન નીતિઓ. તેમની પાસે જો કંઈ હોય તો તે માત્ર પરિવારવાદ છે.