“EVM તો આપણા બાપનું છે”: ભાજપ નેતાના દીકરાએ કર્યું બુથ કેપ્ચર, વીડિયો વાઇરલ…
સંતરામપુર : ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. આ દરમિયાન મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતુ. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કર્યુ હતુ. અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે મતદાન મથકમાં ઘૂસીને ઈવીએમ કેપ્ચર કર્યું હતું. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઈવ કરી હતી, તો વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળીને બોગસ મતદાન કરાવ્યા હોવાની પણ ચર્ચા છે.
વિજય વીડિયોમાં “EVM તો આપણા બાપનું છે” બોલતો હોઈ તેવું સંભળાઈ રહ્યું છે. વિજય ભાભોરે EVM પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી હતી. સમગ્ર વીડિયો વાયરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો હતો. પરંતુ ત્યાં સુધી લાખો લોકોએ આ બુથ કેપ્ચરીંગની આ ઘટના લાઈવ નિહાળી હતી.
દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વિજય ભાભોર પૂર્વ તાલુકા પ્રમુખનો પુત્ર હોવાની માહિતી હાલ સામે આવી રહી છે.
દાહોદમાં બૂથના વાયરલ વીડિયો મામલે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો છે. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો. રિપોર્ટના આધારે ચૂંટણી પંચ હવે નિર્ણય લેશે. આરોપી યુવકની ધરપકડની સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે.
દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને આ અંગે ફરિયાદ કરી છે. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડ વચ્ચે ચૂંટણી જંગ હતી.