લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 64.4 ટકા મતદાન નોંધાયું
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના તબક્કા 3માં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 64.4 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં ઉત્તરપૂર્વીય રાજ્ય આસામમાં સૌથી વધુ મતદાન થયું હતું. મંગળવારે 93 મતવિસ્તારોમાં મતદાન થયું હતું, જેમાં 1300થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. ભારતમાં સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન હિંસાના કોઈ અહેવાલો નથી. દેશમાં 2019ની સામાન્ય ચૂંટણીની સરખામણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં 2.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્રીજા તબક્કામાં 17.24 કરોડ મતદારો મતદાન કરવા પાત્ર હતા. ત્રીજો તબક્કો પૂરો થયા બાદ 283થી વધુ લોકસભા બેઠકોનું ભાવિ સીલ થઈ ગયું છે અને 543 લોકસભા બેઠકોમાંથી અડધાથી વધુની ચૂંટણી પહેલા ત્રણ તબક્કામાં પૂર્ણ થઈ ગઇ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સવારે મતદાન કર્યું હતું. પોતાનો મત આપતા પહેલા વડાપ્રધાને ત્રીજા તબક્કામાં મતદાન કરનારા તમામ લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી. “તેમની સક્રિય ભાગીદારી ચોક્કસપણે ચૂંટણીને વધુ ગતિશીલ બનાવશે,” પીએમએ X પર એક પોસ્ટમાં કહ્યું.
ચૂંટણીના પ્રથમ બે તબક્કા 19 અને 26 એપ્રિલના રોજ યોજાયા હતા. એકંદરે, 543 લોકસભા બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે. બાકીના તબક્કાઓ 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ યોજાશે. લોકસભા ચૂંટણીના તમામ સાત તબક્કાની મતગણતરી 4 જૂને થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિક્રમી ત્રીજી મુદત માટે ઇચ્છુક ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ આ ચૂંટણીમાં 400 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. શાસક ગઠબંધનને કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષો દ્વારા I.N.D.I.A બ્લોકના બેનર હેઠળ પડકારવામાં આવ્યા છે.