ઉ.પ્ર.માં વકીલોની હડતાળ સમેટાઇ: મોટાભાગના કામ પર પાછા ફર્યા
હાપુરના વકીલો નિર્ણયથી અસંતુષ્ટ, હડતાળ ચાલુ રાખી
લખનઊ: ઉત્તર પ્રદેશમાં છેલ્લા 15 દિવસથી વધુ સમયથી ચાલી રહેલી વકીલોની હડતાળનો અંત આવ્યો હતો. ગુરુવારની મોડી રાત્રે હાઇ કોર્ટ બાર એસોસિએશન અને ઉત્તર પ્રદેશની બાર કાઉન્સિલ દ્વારા મુખ્ય સચિવ સાથેની વાતચીત બાદ હડતાળ પાછી ખેંચી લેવાયા બાદ શુક્રવારે વકીલો કામ પર પાછા ફર્યા હતા.
હાઇ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ અશોક કુમાર સિંહે જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે પ્રયાગરાજમાં મળેલી બોડીની બેઠકમાં ન્યાયિક કામકાજથી દૂર રહેવાના આપેલા કોલને પાછો ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. વકીલોએ હાઇ કોર્ટમાં ફરી કામ શરૂ કરી દીધું છે.
પ્રયાગરાજ, કાનપુર, વારાણસી અને અન્ય સ્થળો સહિત અનેક જિલ્લાઓમાં વકીલો શુક્રવારથી કામ પર પાછા ફર્યા છે. શુક્રવારે અલ્હાબાદ હાઇ કોર્ટની લખનઊ બેંચના વકીલો પણ કામ પર પાછા ફર્યા હતા.
જો કે હાપુરના વકીલોએ તેમના સાથીદારો પર લાઠીચાર્જ કરવા માટે જવાબદાર પોલીસ અધિકારીઓની બદલી/સસ્પેન્શન સહિતની માગણીઓને વળગી રહી હડતાળ ચાલુ રાખી હતી. બાર કાઉન્સિલની હડતાળને સમેટી લેવાના નિર્ણયની અવગણના કરીને હાપુર બાર એસોસિએશને 29 ઓગસ્ટના રોજ મહિલા વકીલો સાથેના કથિત ગેરવર્તન અને લાઠીચાર્જના વિરોધમાં તેની હડતાળ ચાલુ રાખી છે.
આ મુદ્દે ઉત્તર પ્રદેશમાં વકીલો 30 ઓગસ્ટથી હડતાળ પર છે. હાપુર બાર એસોસિએશન સેક્રેટરી નરેન્દ્ર શર્માએ આ વિશે જણાવ્યું હતું કે, વકીલોની હેરાનગતિ સાખી લેવાશે નહીં. બાર કાઉન્સિલે હાપુર બાર એસોસિએશનના પીડિત વકીલોને વિશ્વાસમાં લીધા વિના આંદોલન સમેટી લેવાનો નિર્ણય આપખુદ રીતે પસાર કર્યો હતો. હાપુર બાર એસોસિએશન આ સાથે સહમત નથી.