સ્પોર્ટસ

માઇકલ ક્લાર્કે સલાહ આપતા કહ્યું, ‘રોહિત શર્મા ખૂબ થાકી ગયો છે, તેણે….’

મુંબઈ: આઇપીએલની 17મી સીઝનમાં રોહિત શર્મા ઉપરાઉપરી ઇનિંગ્સમાં નબળું રમ્યો એ વિશે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કને ખાસ કંઈ કહેવું નથી. ક્લાર્ક ફક્ત એટલું જ કહેવા માગે છે કે રોહિત અત્યારે ખૂબ થાકી ગયો છે અને તેણે તરોતાજા થવા માટે જૂનમાં શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ પહેલાં એક બ્રેક લઈ લેવાની જરૂર છે.

20 દેશ વચ્ચે રમાનારા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત સંભાળશે. મુંબઈ ઇન્ડિયન્સ વતી તેની છેલ્લી પાંચમાંથી ચાર મૅચમાં સિંગલ ડિજિટમાં રન છે.

રોહિત માટે આ વર્ષ ખૂબ વ્યસ્ત રહ્યું. પાંચ ટેસ્ટની સિરીઝ રમાયા પછી પોણાબે મહિનાની આઇપીએ શરૂ થઈ હતી.
ક્લાર્કે રોહિત વિશે કહ્યું છે, ‘રોહિત પોતાના પર્ફોર્મન્સની બાબતમાં ખૂબ સજાગ છે. તે આઇપીએલમાંના પોતાના દેખાવ વિશે નિરાશ હશે એમાં કોઈ શક નથી. મને લાગે છે કે તે ખૂબ થાકી ગયો છે. જો તે બ્રેક લેશે તો તાજોમાજો થઈને વર્લ્ડ કપમાં રમી શકશે. જોકે મુંબઈ ઇન્ડિયન્સનો પ્લેયર હોવાથી અને ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન હોવાથી બ્રેક લેવો આસાન નથી. તેણે ગમે એમ કરીને પાછા ફૉર્મમાં આવવું જ પડશે.’

રોહિત ગયા અઠવાડિયે કોલકાતા સામેની મૅચમાં ઇમ્પૅક્ટ સબસ્ટિટ્યૂટ તરીકે રમ્યો હતો. ત્રણ દિવસ બાદ હૈદરાબાદ સામેની મૅચમાં રેગ્યુલર પ્લેયર તરીકે રમ્યો હતો.

ક્લાર્કનું એવું પણ માનવું છે કે ‘રોહિત થોડું ફૉર્મ ગુમાવી બેઠો છે. ફરી ફૉર્મમાં આવતાં તેને વાર નહીં લાગે. તે થોડી ખરાબ ઇનિંગ્સ રમ્યો હોવાને કારણે ચિંતિત જરૂર હશે, પણ એકંદરે ખુશ જણાઈ રહ્યો છે. તે ગજબનો ટૅલન્ટેડ પ્લેયર છે. તે જ્યારે પણ ટાઇમિંગથી બૉલને ફટકારતો હોય ત્યારે સમજી જવાનું કે તે તેના બેસ્ટ ફૉર્મમાં છે.’

વર્લ્ડ કપની ભારતીય ટીમનો વાઇસ-કૅપ્ટન હાર્દિક પંડ્યા બે-ત્રણ મૅચથી વિકેટો લઈ રહ્યો છે એ જોતાં ક્લાર્કે તેના પણ ખૂબ વખાણ કર્યા હતા. ક્લાર્કે કહ્યું, ‘થોડા દિવસથી હાર્દિક તેના બાઉન્સર્સનો સારી રીતે ઉપયોગ કરી રહ્યો છે જે તેના માટે સકારાત્મક સંકેત આપે છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button