નેશનલ

મહાદેવ ઑનલાઈન બૅટિંગ કેસ

દેશભરમાં 39 સ્થળે ઈડીના દરોડા

નવી દિલ્હી: મહાદેવ ઑનલાઈન બૅટિંગ કેસને મામલે ઈડીએ દેશભરમાં 39 સ્થળે દરોડા પાડી રૂ. 417 કરોડ જપ્ત કર્યા હોવાનું અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું. સૌરભ ચંદ્રશેખર અને રવિ ઉપ્પલ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપની દુબઈથી આ કૌભાંડનું સંચાલન કરતી હતી. અનેક બેનામી બૅન્ક ખાતા મારફતે કંપની નવા ગ્રાહકોના નામ નોંધવા, યુઝર આઈડી બનાવવા અને મનીલૉન્ડરિંગનું કામ કરતી હતી.

મહાદેવ ઑનલાઈન બૅટિંગ કેસને મામલે ઈડીએ તાજેતરમાં જ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિત દેશના વિવિધ શહેરોમાં દરોડા પાડ્યા હતા અને રૂ. 417 કરોડની રકમ જપ્ત કરી હોવાનો આક્ષેપ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન ઈડીને જાણવા મળ્યું હતું કે મહાદેવ ઑનલાઈન બુક ઍપનું સંચાલન યુએઈસ્થિત મુખ્ય ઑફિસમાંથી કરવામાં આવતું હતું.

70:30 નફાના ધોરણે જાણીતા સાથીદારોને ફ્રેન્ચાઈઝીનું સંચાલન કરવાનું કામ સોંપવામાં આવતું હતું.
મોટાપાયે હવાલા મારફતે બૅટિંગની રકમ વિદેશી મોકલવામાં આવતી હતી.
નવા ગ્રાહકો તેમ જ ફ્રેન્ચાઈઝી મેળવવા ઉત્સુક લોકોને આકર્ષવા ભારતમાં જાહેરખબર પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવતો હતો.
કંપનીના પ્રમોટરો છત્તીસગઢના ભિલાઈના વતની છે. મહાદેવ ઑનલાઈન બુક બૅટિંગ ઍપ ગેરકાયદે બૅટિંગ વૅબસાઈટને ઑનલાઈન મંચ પૂરો પાડવાની વ્યવસ્થા કરવાનું કામ કરતી હતી.
દરોડા દરમિયાન ઈડીને જાણવા મળ્યું હતું કે કંપનીના પ્રમોટર સૌરભ ચંદ્રશેખરના ફેબ્રુઆરી 2023માં યુએઈમાં લગ્ન થયા હતા, જેમાં રૂ. 200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વધુ ગંભીર બાબત તો એ છે કે ટાઈગર શ્રોફ, નેહા કક્કર, સની લિઓની, કૃષ્ણા અભિષેક, રાહત ફતેહ અલી ખાન, વિશાલ દદલાણી સહિત 14 ફિલ્મી કલાકારોએ આ પ્રસંગમાં હાજરી આપી હતી અને હવાલા મારફતે રકમ મેળવી હતી. આ કારણે ફિલ્મી કલાકારો પણ ઈડીના રડાર પર છે. જલદી જ ઈડી આ કલાકારોને સમન્સ પાઠવે તેવી શક્યતા છે.

યોગેશ પોપટ નામની વ્યક્તિ મારફતે આ હવાલા કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું ઈડીની જાણમાં આવ્યું છે.

દરોડા દરમિયાન ઈડીને ગોવિંદ કેડિયા નામની વ્યક્તિના ઘરેથી રૂ. 18 લાખની રોકડ રકમ અને રૂ. 13 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button