આ એક્ટ્રેસ ના હોત તો Bollywoodને ના મળ્યા હોત Amitabh Bachchan…
હેડિંગ વાંચીને તમને પણ સવાલ થયો ને કે આખરે અહીં કઈ એક્ટ્રેસની વાત થઈ રહી છે? અને આખરે તેણે એવું તે શું કર્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મહાનાયક Amitabh Bachchan જેવા ઊંચા ગજાના કલાકાર મળ્યા? જો તમે વિચારી રહ્યા હોવ કે એ એક્ટ્રેસ બિગ બીના પત્ની જયા બચ્ચન કે કથિત પ્રેમિકા રેખા છે તો બોસ એવું જરાય નથી. ખુદ બિગ બીએ આ બાબતે ખુલાસો કર્યો હતો. ચાલો જોઈએ શું છે આખો મામલો…
વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને પહેલાં એક્ટ્રેસનું નામ જણાવી દઈએ. આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ વીતેલા જમાનાના દિગ્ગજ અદાકારા અને સંજય દત્તના માતા નરગીસ દત્ત. જો નરગીસ દત્ત ના હોત કદાચ અમિતાભ બચ્ચનને બોલીવૂડમાં કામ કે એન્ટ્રી ના મળી શકી હોત. ખુદ અમિતાભ બચ્ચને આ વાતનો ખુલાસો કર્યો હતો અને એ પણ સંજય દત્ત સામે.
વાત જાણે એમ છે કે સંજય દત્ત બિગ બીના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ પર બિગ બીની સામે હોટ સીટ પર બેઠો હતો અને એ સમયે બિગ બીએ આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તારી માતા બોલીવૂડની ફર્સ્ટ લેડી કહેવાતા હતા. નરગિસ દત્તને યાદ કરતાં બિગ બીએ કહ્યું હતું કે નરગિસ દત્ત અને મારી માતા તેજી બચ્ચન બંને સાથે મળીને સમાજસેવા કરતાં હતા. એટલું જ નહીં પણ તેમણે જ મારો પહેલો સ્ક્રીન ટેસ્ટ પણ અરેન્જ કરાવ્યો હતો. ત્યારે જ મને બોલીવૂડમાં એન્ટ્રી મળી હતી.
બિગ બીને શરૂઆતમાં તો મનોજ કુમારની ફિલ્મમાં રોલ ઓફર કરવામાં આવ્યો હતો અને એ સમયે તેમને 1600 રૂપિયાના પગારવાળી નોકરી મળી હતી. નોકરી કે ફિલ્મમાં એક્ટિંગ કરવી એ બંને વચ્ચે બિગ બી કન્ફ્યુઝ થઈ ગયા હતા. પરંતુ એ સમયે 1600 રૂપિયા મોટી રકમ ગણાતી હતી એટલે બિગ બીએ નોકરીને પ્રાધાન્ય તો આપ્યું પણ તેમનું મન તો ફિલ્મો અને એક્ટિંગમાં જ હતું. બસ તેમને એક બ્રેકની જરૂર હતી અને આ બ્રેક બિગ બીને નરગિસ દત્તે અપાવ્યો હતો.
નરગિસ દત્તની ભલામણ પર જ ફરી એક વખત બિગ બીનો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને આ ટેસ્ટ બાદ જ બિગ બીને ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થયું હતું.