વ્લાદિમીર પુતિન પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, આ દેશોએ કર્યો છે બહિષ્કાર

મોસ્કો: વ્લાદિમીર પુતિન મંગળવારે પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ક્રેમલિનમાં એક ભવ્ય સમારોહમાં શપથ લઈને 71 વર્ષના પુતિને તેમના પાંચમાં કાર્યકાળની શરૂઆત કરી છે.પુતિને એવા સમયે પાંચમી વખત રશિયન રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે, જ્યારે તેમના પર દેશમાં વિપક્ષને દબાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને પશ્ચિમી દેશો સાથે સંઘર્ષ ઘણો વધી ગયો છે. રશિયામાં સતત પોતાની સત્તા મજબૂત કરી રહેલા પુતિનને તેમના કાર્યકાળ દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડશે, ખાસ કરીને યુક્રેનમાં યુદ્ધની કટોકટી તેમની સામે મોટો પડકાર છે.
પુતિને મોસ્કોના ગ્રાન્ડ ક્રેમલિન પેલેસમાં 33 શબ્દોમાં શપથ લીધા હતા. આ એ જ જગ્યા છે જ્યાં રશિયાના ઝાર પરિવારના ત્રણ રાજાઓ (એલેક્ઝાંડર II, એલેક્ઝાન્ડર III અને નિકોલસ II) નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. પુતિને આ પહેલા વર્ષ 2000માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ તેઓ 2004, 2012 અને 2018માં પણ રાષ્ટ્રપતિ બની ચુક્યા છે.
પુતિન 1999 થી રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તરીકે સત્તામાં યથાવત રહ્યા છે. યુક્રેનમાં હજારો સૈનિકો મોકલ્યાના બે વર્ષ કરતાં પણ વધુ સમય પછી તેઓ તેમનો નવો કાર્યકાળ શરૂ કરી રહ્યા છે.
2022માં યુક્રેન પર થયેલા આક્રમણ બાદ સત્તા પર પુતિનની પકડ મજબૂત બની રહી છે, પરંતુ તેના કારણે રશિયાને પશ્ચિમી પ્રતિબંધોનો પણ સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે રશિયન અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે.
પુતિનને અર્થવ્યવસ્થાની સુધારણા માટે પગલાં ભરવાના પડકારનો સામનો કરવો પડશે, યુક્રેન પરના આક્રમણ બાદ પશ્ચિમી પ્રતિબંધોનો સામનો કરી રહેલા પુતિને ભારત અને ચીનને પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં વધારો કરવા માટે પૂર્વના દેશો તરફ વળ્યા છે.