વડેટ્ટીવાર પાકિસ્તાનની ભાષા બોલે છેઃ ફડણવીસે કોંગ્રેસ નેતાને આડે હાથ લીધા
મુંબઈ: એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડના ચીફ હેમંત કરકરેનું મૃત્યુ આતંકવાદી અજમલ કસાબના હાથે નહીં, પણ આરએસએસ સાથે સંલગ્ન પોલીસમેનના ગોળીબારથી થયું હતું એવો આક્ષેપ કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે કર્યા પછી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વડેટ્ટીવારની આકરી ઝાટકણી કાઢી તેઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ફડણવીસે વડેટ્ટીવારની ટિપ્પણી બદલ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ અને માજી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના મૌન બદલ સવાલ કર્યો હતો.
રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વડેટ્ટીવારે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે 26/11ના આતંકવાદી હુમલા વખતે મહારાષ્ટ્ર એટીએસના ચીફ કરકરે કસાબની ગોળીથી નહીં પણ આરએસએસ સાથે સંલગ્ન પોલીસમેનની ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા હતા.
26/11 ખટલાના વિશેષ સરકારી વકીલ અને ભાજપના ઉત્તર – મધ્ય મુંબઈના ઉમેદવાર ઉજ્જવલ નિકમની ટીકા કરતી વખતે કોંગ્રેસ નેતાએ આ નિવેદન કર્યું હતું.