સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મોટુ અપડેટ, પાંચમા આરોપીની થઈ ધરપકડ

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. પાંચમા આરોપી મોહમ્મદ ચૌધરીની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ ધરપકડ કરી છે. મોહમ્મદ ચૌધરી પર શૂટર્સ વિકી ગુપ્તા અને સાગર પાલને પૈસા આપવા અને સલમાન ખાનના ઘરની રેકી કરવાનો આરોપ છે. આરોપી મોહમ્મદ ચૌધરીને રાજસ્થાનથી મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ તેને કોર્ટમાં રજૂ કરશે અને તેની પાંચ દિવસની કસ્ટડી માંગી શકે છે
તાજેતરમાં જ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસના આરોપી અનુજ થાપને આત્મહત્યા કરી લીધી હતી.
અનુજ થાપન પર શૂટરોને હથિયાર પુરા પાડવાનો આરોપ હતો. અનુજ થાપને ચાદર સાથે લટકીને જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. આરોપીને રાત્રે સૂતી વખતે ચાદર આપવામાં આવી હતી. જ્યારે પોલીસની ટીમ તપાસ કરવા માટે સવારે તેના બેરેકમાં ગઈ ત્યારે અનુજ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું
14 એપ્રિલની સવારે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર મોટરસાયકલ સવાર બે શખ્સોએ ગોળીબાર કર્યા બાદ પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી. 16 એપ્રિલે પોલીસે ગુજરાતના ભુજમાંથી ગુપ્તા અને પાલની ધરપકડ કરી હતી. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં વપરાયેલી બંદૂક સુરતની તાપી નદીમાંથી મળી આવી હતી. આ દરમિયાન કેટલાક જીવતા કારતૂસો પણ મળી આવ્યા હતા. સલમાનના ઘરે ફાયરિંગ કરનારા યુવકો વિકી ગુપ્તા અને સાગરપાલે પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે, સલમાનના ઘરે ફાયરિંગ કર્યા બાદ તેઓ મુંબઈથી રોડ માર્ગે સુરત પહોંચ્યા હતા અને અહીંથી ટ્રેનમાં ભુજ ગયા હતા. દરમિયાન તેમણે રેલવે બ્રિજ પરથી પિસ્તોલ તાપી નદીમાં ફેંકી દીધી હતી.