ઝારખંડના પ્રધાન આલમગીર આલમના પર્સનલ સેક્રેટરીની ધરપકડ, 35 કરોડ રોકડ મળ્યા બાદ કાર્યવાહી
રાંચી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ ઝારખંડના ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીર આલમ(Alamgir Alam)ના પર્સનલ સેક્રેટરી સચિવ સંજીવ લાલ(Sanjeev Lal)ની ધરપકડ કરી છે. EDએ સંજીવ લાલના નોકર જહાંગીર આલમના ઘરે પણ દરોડા પાડ્યા હતા, ત્યાર બાદ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય EDએ રાંચીમાં વધુ 5 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 35.23 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા બાદ EDએ આ કાર્યવાહી કરી છે.
સંજીવ લાલ અને જહાંગીર આલમની રાતોરાત પૂછપરછ બાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે વહેલી સવારે જહાંગીર આલમના રાંચી સ્થિત 2BHK ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન EDને લગભગ 30 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. મળતી માહિતી મુજબ, સંજીવ લાલ અને જહાંગીર આલમની EDના અધિકારીઓએ આખી રાત પૂછપરછ કરી હતી. પૂછપરછ પછી, EDએ બંને સામે કાર્યવાહી કરી અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમની ધરપકડ કરી.
EDએ જહાંગીર આલમના ઘર ઉપરાંત ગ્રામીણ વિકાસ વિભાગના એન્જિનિયર વિકાસ કુમારના ઘરે પણ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ વિકાસ કુમારના ઘરેથી લગભગ 3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. ED દ્વારા 6 સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં કુલ 35.23 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. આટલી મોટી રકમની રિકવરીથી EDના અધિકારીઓ પણ ચોંકી ગયા છે.
ગયા વર્ષે ફેબ્રુઆરી 2023માં ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર કે.રામ પર 10,000 રૂપિયાની લાંચથી લેવાના આરોપ સાથે આ કેસની શરૂઆત થઇ હતી. વીરેન્દ્ર રામની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતની EDને ફરિયાદ કર્યા પછી, જ્યારે વિભાગમાં ભ્રષ્ટાચારના તાર ખુલવા લાગ્યા, ત્યારે EDના પીએસ સંજીવ લાલ અને તેમના સહયોગી જહાંગીર આલમ પ્રધાન આલમગીર આલમના ધ્યાન પર આવ્યા.
EDના દરોડા પછી જ્યારે આલમગીર આલમે કહ્યું કે હજુ પણ કાર્યવાહી ચાલુ હોવાથી કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. સંજીવ લાલ મારા પહેલા અન્ય બે પ્રધાનોના પીએસ રહી ચૂક્યા છે.