પ્રધાનની દીકરીની કંપનીને 10 કરોડની સબસિડીકૉંગ્રેસનો `પરિવારવાદ’ હોવાનો આક્ષેપ
મુંબઈ: એનડીએ સરકારની યોજના હેઠળ મહારાષ્ટ્રના આદિવાસી વિકાસ ખાતાના પ્રધાન વિજય કુમાર ગાવિતની પુત્રી સુપ્રિયા ગાવિતની માલિકીની નંદુરબાર સ્થિત રેવા તાપી વેલી ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નામની કંપનીને 10 કરોડ રૂપિયાનું અનુદાન (સબસીડી) જાહેર કરવામાં આવતા અનેક ભવાં ચડી ગયા છે. અલબત્ત વિજય કુમાર ગાવિતે તરફદારી કરવામાં આવી હોવાના સર્વ આક્ષેપો નકાર્યા હતા અને પુત્રીના પ્રોજેક્ટની પસંદગી યોગ્યતાના આધારે થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવાર તેમજ મહારાષ્ટ્ર પ્રદેશ કૅાંગ્રેસ કમિટી (એમપીસીસી)ના મહામંત્રી સચિન સાવંતે ફૂડ પ્રોસેસિગ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી અર્થ સહાય સામે વાંધો ઉઠાવ્યો હતો અને આ નિર્ણય અનૈતિક અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાની વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું.
વડેટ્ટીવારનું કહેવું હતું કે આ મહત્ત્વાકાંક્ષી યોજના ખેડૂતોના હિત માટે અને કૃષિ ક્ષેત્રમાં આવી પડનારી કટોકટી ખાળવા માટે છે. આશ્ચર્યની વાત એ છે કે એ યોજનાના લાભાર્થી ભાજપ પ્રધાનમંડળના સગા છે. ખેડૂતોની આવકમાં કોઈ વધારો નથી થયો અને ભાજપના નેતાઓ દિવસે દિવસે શ્રીમંત બની રહ્યા છે.' અન્ય લોકો બધું પરિવાર પૂરતું સીમિત રાખતા હોવાનો આક્ષેપ મોદી કરે છે, પણ એવું જ તેમના પક્ષમાં થઈ રહ્યું છે એ કેવું વિચિત્ર છે એમ પણ વડેટ્ટીવારે જણાવ્યું હતું. પ્રધાન ગાવિતની દલીલ હતી કે આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે
મારી પુત્રી સુપ્રિયાને વિના કારણ વિવાદમાં ઘસડવામાં આવી છે. મારા મતે યોગ્યતાના આધારે તેને અનુદાન મળ્યું છે. અનુદાન માટે તેણે અરજી કરી ત્યારે હું પ્રધાનમંડળનો સભ્ય નહોતો. પહેલો હપ્તો તેને આપવામાં આવ્યો ત્યારે પણ હું પ્રધાન નહોતો.’