Loksabha Election 2024 : ગુજરાતમાં આજે આ સાત બેઠક પર મતદાન અત્યંત રસાકસીભર્યું રહેશે

અમદાવાદ: ગુજરાતમાં આજે 25 લોકસભા બેઠકો પર મતદાન(Loksabha election voting) શરૂ થયું છે. જ્યારે આજે યોજાઇ રહેલા મતદાનમાં ગુજરાત(Gujarat)ની 25 માંથી 7 બેઠકો પર ભારે રસાકસી જોવા મળશે. આ સાત બેઠકમાં (1) રાજકોટ (2) બનાસકાંઠા (3) વલસાડ (4) ભરૂચ, (5)જૂનાગઢ (6) ભાવનગર( 7) સાબરકાંઠાનો સમાવેશ થાય છે.
રાજકોટ:
રાજ્યની આ 7 બેઠકોની વાત કરીએ તો સૌ પ્રથમ બેઠક રાજકોટ છે. જેમાં ભાજપે આ બેઠક પર કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાને મેદાનના ઉતાર્યા છે. જ્યારે તેમના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદને સમગ્ર રાજ્યમાં વિરોધ અને રોષ પેદા કર્યો છે. જેના પગલે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને ટિકિટ આપીને ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો છે.
બનાસકાંઠા:
જ્યારે રાજ્યની બીજી રસાકસીવાળી બેઠક ઉત્તર ગુજરાતની બનાસકાંઠા છે. જેમાં કોંગ્રેસે મહિલા નેતા ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારીને બેઠક જીતવાનો પ્રયાસ કર્યો છે. તેવા સમયે ભાજપ આ બેઠક પર મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. જેમાં ગેનીબેન ઠાકોરની ઇમેજ એક પાવરફૂલ નેતા તરીકેની છે. આ બેઠક પર બે મહિલા નેતાઓ આમને સામને છે.
વલસાડ:
રાજ્યની ત્રીજી ટક્કર આપે તેવી બેઠક વલસાડ છે. આ આદિવાસી અનામત બેઠક છે. આ બેઠક પર કોંગ્રેસ મજબૂત આદિવાસી નેતા અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જયારે ભાજપે આ બેઠક પર ધવલ પટેલને બેઠક આપી છે. કોંગ્રેસ આ બેઠક જીતવા એડી-ચોટીનું જોર લગાવી રહ્યું છે. જેના પગલે હાલના કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અનંત પટેલના સમર્થનમાં રેલી સંબોધી હતી.
ભરૂચ:
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલની પરંપરાગત ભરૂચ બેઠક રાજ્યની ચોથી રસાકસી ધરાવતી બેઠક છે. આ બેઠક પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને આપના આદિવાસી નેતા ચૈતર વસાવાને ટિકિટ ફાળવી દીધી છે. આ બેઠક અહમદ પટેલના પુત્ર અને પુત્રીએ પણ ટિકિટ માંગી હતી. જ્યારે ભાજપે આ બેઠક પર છ વખતના સાંસદ મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે.
રાજ્યની રસાકસી ધરાવતી પાંચમી મહત્વની બેઠક જૂનાગઠ છે. આ બેઠક પર ભાજપે ડોકટરની આત્મ હત્યા કેસમાં ચર્ચામાં રહેલા સાંસદ રાજેશ ચૂડાસમાને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી હીરા જોટવાને મેદાનમાં ઉતાર્યા છે.
ભાવનગર:
ગુજરાતની રસાકસી ધરાવતી છઠ્ઠી બેઠક છે ભાવનગર. આ બેઠક પર પુરષોતમ રૂપાલાના ક્ષત્રિય વિવાદની સૌથી વધુ અસર પડે તેવી શક્યતા છે. જેમાં કોંગ્રેસે આ બેઠક પર આમ આદમી પાર્ટી સાથે સમજૂતી કરી છે. જેના પગલે આ બેઠક પર આપે ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે આ બેઠક પર મહિલા ઉમેદવાર નિમુબેન બાંભણીયાને ટિકિટ આપી છે.
સાબરકાંઠા:
રાજ્યની રસાકસી ધરાવતી સાતમી બેઠક સાબરકાંઠા છે. સાબરકાંઠા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલયા બાદ કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ટિકિટ આપવાને મુદ્દે વિવાદ વકર્યો હતો. જેમાં ભાજપે પૂર્વે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે બાદમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બારૈયાનો મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો હતો. જે સમયે કોંગ્રેસે આ વિવાદનો લાભ લેવા માટે આદિવાસી નેતા તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.
આમ, ગુજરાતની 25 બેઠકો પૈકી આ સાત બેઠકો પર ચૂંટણી અત્યંત રસાકસીભરી અને લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બનશે