ગુજરાતમાં કૉંગ્રેસનો મદાર ત્રણ પરિબળો પર
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે આજે મતદાન છે અને સૌની નજર ભાજપ ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતવાની હેટ્રિક કરી શકશે કે નહીં તેના પર છે. તેની ખબર ચાર જૂને પરિણામ આવશે ત્યારે પડશે પણ એ પહેલાં આજે થનારા મતદાનની ટકાવારી પરથી થોડોઘણો સંકેત મળશે.
ગુજરાતમાં ભાજપ અત્યંત મજબૂત છે અને કૉંગ્રેસ સાવ નબળી છે તેથી ભાજપને તમામ બેઠકો જીતવામાં મુશ્કેલી નહીં પડે એવું લાગે છે પણ આ ચૂંટણીમાં કેટલાંક ત્રણેય પરિબળો ગુજરાતમાં મહત્ત્વનાં બની ગયાં છે કે તેના કારણે ભાજપ અને કૉંગ્રેસ બંને માટે આશ્ચર્યજનક પરિણામો આવી શકે છે. પહેલું પરિબળ જ્ઞાતિવાદી સમીકરણો છે, બીજું પરિબળ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસનું જોડાણ છે અને ત્રીજું પરિબળ કૉંગ્રેસના કેટલાક ઉમેદવારોની વ્યક્તિગત તાકાત છે.
જ્ઞાતિવાદી સમીકરણોમાં બે બાબતો મહત્ત્વની છે. પહેલી બાબત પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ અને બીજી બાબત કૉંગ્રેસે સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેલેલું પટેલ કાર્ડ અને ઉત્તર ગુજરાતમાં ખેલેલું ઠાકોર કાર્ડ છે. રૂપાલાએ કરેલા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજે રૂપાલાને બદલવાની માગણી કરેલી પણ ભાજપે એ ના સ્વીકારી તેથી હવે ક્ષત્રિય સમાજ અને ભાજપ સામસામે છે.
ભાજપે ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોને સાધીને ક્ષત્રિયો ભાજપ સાથે જ છે એવી છાપ ઊભી કરવા પ્રયત્ન કર્યો પણ છતાં બહુમતી ક્ષત્રિયો હજુ ભાજપની વિરુદ્ધ જ હોવાની છાપ છે. સુરેન્દ્રનગર, ભાવનગર, સાબરકાંઠા અને આણંદ એ ચાર બેઠકો પર ક્ષત્રિયોના મતો નિર્ણાયક હોવાથી તેની કેટલી અસર વર્તાય એ જોવાનું છે.
કૉંગ્રેસે સૌરાષ્ટ્ર-કચ્છની બે લોકસભા બેઠક માટે પટેલ કાર્ડ ખેલ્યું છે તેની અસર કેવી વર્તાય છે એ પણ જોવાનું છે. રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર એ ચાર બેઠક પર તેની અસર વર્તાય એવી સંભાવના જણાઈ છે. કૉંગ્રેસે ભાજપના પટેલો સામે પણ કડવા વર્સીસ લેઉઆનું કાર્ડ ખેલ્યું છે. રાજકોટ બેઠક ઉપર ભાજપના પરસોતમ રૂપાલા કડવા પાટીદાર છે જ્યારે સામે કૉંગ્રેસના પરેશ ધાનાણી લેઉઆ પાટીદાર છે. આ બેઠક પર બહુમતી લેઉઆ પાટીદાર મતદારોની છે.
જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમ સતત ત્રીજી વખત ચૂંટણી લડે છે. પૂનમબેન માડમ આહિર છે જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવિયા લેઉઆ પાટીદાર સમાજના છે. લેઉઆ પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા મનાતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એ માટે કૉંગ્રેસનો આભાર પણ માન્યો હતો. જુનાગઢમાં ભાજપના ઉમેદવાર કોળી છે ત્યારે કૉંગ્રેસના ઉમેદવાર આહિર છે. સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચુંવાળીયા કોળી હોવાથી તળપદાં કોળી જ્ઞાતિને અન્યાય થયાની વાત વહેતી થયા પછી કૉંગ્રેસે તળપદા કોળી સમાજમાંથી ઉમેદવાર પસંદ કર્યા છે. જ્ઞાતિનાં આ સમીકરણોના કારણે ચૂંટણીમાં અણધાર્યાં પરિણામોની અપેક્ષા કમ સે કમ કૉંગ્રેસને તો છે જ.
ઉત્તર ગુજરાતમાં પણ કૉંગ્રેસે પાટીદારોના વર્ચસ્વવાળી મહેસાણા બેઠક પરથી ઠાકોર ઉમેદવારને ઉતાર્યા છે. તેના કારણે અત્યારેથી કૉંગ્રેસની હાર નક્કી મનાય છે પણ મહેસાણાના ઠાકોર ઉમેદવાર કૉંગ્રેસને પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા એ ત્રણ બેઠકો પર ફાયદો કરાવી શકે છે કેમ કે ત્રણેય બેઠકો પર ઠાકોર મતદારો નિર્ણાયક છે.
કૉંગ્રેસને આમ આદમી પાર્ટી સાથેનું જોડાણ પણ ફળશે એવી આશા રખાય છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મતોમાં ભાગલા પડાવતાં કૉંગ્રેસની કારમી હાર થયેલી. આ વખતે કૉંગ્રેસના મતમાં આમ આદમી પાર્ટી ભાગલા પડાવશે નહીં તેથી કૉંગ્રેસને ફાયદો થવાની આશા છે.
કૉંગ્રેસે આમ આદમી પાર્ટીને ભરુચ અને ભાવનગર એ બે બેઠકો આપી છે. આ પૈકી ભરુચ બેઠક ભાજપ માટે સૌથી આકરી મનાય છે અને આખા ગુજરાતની નજર આ બેઠક પર છે. ભરુચ બેઠક પરથી ભાજપના મનસુખ વસાવા 2019માં 3,34,214 મતે જીત્યા હતા. મનસુખ વસાવા મૂળ કૉંગ્રેસી છે પણ ભાજપમાં આવ્યા પછી ભાજપે તેમને ચંદુભાઈ દેશમુખના નિધનના કારણે ખાલી પડેલી ભરુચ બેઠક પરથી પેટાચૂંટણીમાં લડાવ્યા હતા. ચંદુભાઈ દેશમુખે કૉંગ્રેસના દિગ્ગજ અહમદ પટેલને બે વાર હરાવીને આ બેઠક પર ભાજપનાં મૂળિયાં ઊડાં કરી નાંખેલાં તેથી 1989થી આ બેઠક પર ભાજપનો કબજો છે. મનસુખ વસાવા પોતે છ ટર્મથી સાંસદ છે.
વસવા લાંબા સમયથી સતત ભાજપ વિરોધી નિવેદનો આપ્યા કરે છે. ગુજરાતમાં ભાજપ સરકાર સામે પણ બળાપો કાઢ્યા કરે છે. આ કારણે મનસુખ વસાસાનું પત્તું કપાશે એ નક્કી મનાતું હતું છતાં ભાજપે વસાવાને રીપિટ કરવા પડ્યા છે. ભાજપની મજબૂરીનું કારણ ચૈતર વસાવા છે.
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર 40 હજાર કરતાં વધારે મતની સરસાઈથી જીતનારા ચૈતર વસાવાએ ભાજપની ઉંઘ હરામ કરી દીધી છે.
ભરુચ બેઠક પર 40 ટકા મુસ્લિમ મતદારો નિર્ણાયક છે પણ વસાવા આદિવાસી હોવાથી એમએ કોમ્બિનેશન ભાજપને ભારે પડી શકે છે. ભાવનગરમાં કોળી ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ ભાજપને ફીણ પડાવી શકે છે. ભાવનગરમાં ક્ષત્રિય મતદારો નિર્ણાયક છે એ સંજોગોમાં કોળી અને ક્ષત્રિય મતદારો એક થઈને કૉંગ્રેસને મત આપે તો ભાજપને ભારે પડી શકે.
આ સિવાય બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર, આણંદમાં અમિત ચાવડા અને સાબરકાંઠામાં તુષાર ચૌધરી જેવા નેતાઓની વ્યક્તિગત પ્રતિષ્ઠા પણ પોતાનો ફાયદો કરાવશે એવી કૉંગ્રેસની ગણતરી છે. ગેનીબહેનને કૉંગ્રેસે ટિકિટ આપી તેના એક મહિના પહેલાંથી જ પ્રચાર ચાલુ કરી દીધો હતો. ભાજપની લહેરમાં પણ ધારાસભામાં ચૂંટાઈ આવેલાં ગેનીબેનની છાપ સારી છે. ગેનીબહેન ઠાકોર બનાસની બહેન ગેનીબહેન સૂત્ર દ્વારા છવાયેલાં છે. સાબરકાંઠામાં ભાજપે આદિવાસી ઉમેદવારને ટિકિટ આપી તેનો ફાયદો મળે ને આદિવાસી મતોના જોરે ગેનીબેન ભાજપને હરાવી શકે એવી આશા કૉંગ્રેસ રાખે છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી કસાયેલા ખેલાડીઓ છે તેથી તેની જીતની અપેક્ષા કૉંગ્રેસ રાખે તેમાં કશું ખોટું નથી.
જો કે આ બધી કાગળ પરની વાતો છે. ચૂંટણીનાં પરિણામ જે તે દિવસે ક્યા પક્ષના સમર્થક મતદારોનો કેવો મૂડ હોય છે તેના પર નિર્ભર હોય છે. કૉંગ્રેસ અત્યાર સુધી પોતાના તરફી એવો મૂડ ઊભો કરવામાં સફળ થઈ નથી. આ વખતે સફળ થશે તો તેનાં સારાં ફળ મળશે, બાકી 2014 અને 2019નું પુનરાવર્તન થશે.