સોનામાં 625નો અને ચાંદીમાં 1303નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના એપ્રિલ મહિનાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં નબળાં આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ ફરી સપાટી પર આવતાં ન્યૂ યોર્ક ખાતે સોના-ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે ભાવમાં સુધારો આગળ ધપ્યાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 622થી 625નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1303નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નીકળેલી નવેસરથી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1303ની તેજી સાથે ફરી રૂ. 81,000ની સપાટી પાર કરીને રૂ. 81,292ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીનો ટેકો મળતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 622 વધીને રૂ. 71,528 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 625 વધીને રૂ. 71,816ના મથાળે રહ્યા હતા.
જોકે, બજારની અપેક્ષાથી વિપરીત ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી માત્ર ખપપૂરતી જ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત સપ્તાહના અંતે અમેરિકાનાં એપ્રિલ મહિનાના જોબ ડેટા નબળા આવ્યા હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ચમકારો જોવા મળ્યો હોવા છતાં એકંદરે સાપ્તાહિક ધોરણે ભાવમાં 0.8 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. વધુમાં આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે ભાવમાં સુધારો આગળ ધપતા હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.82 ટકા વધીને આૈંસદીઠ 2320.48 ડૉલર અને વાયદામાં ભાવ 1.04 ટકા વધીને આૈંસદીઠ 2322.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 2.24 ટકા ઉછળીને આૈંસદીઠ 27.13 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.