આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત, 25 હજારથી વધુ મતદાન મથકોનું થશે લાઈવ વેબકાસ્ટિંગ

ગાંધીનગર: રાજ્યમાં 7મી મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે આ મતદાનને લઈ રાજ્યભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી તથા દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.

કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાએ મોનિટરીંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત કરાશે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે. જિલ્લા અને રાજ્યકક્ષા ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ વેબ કાસ્ટિંગનું મોનિટરીંગ કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી તમામ 25 હજારથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ મોનિટરિંગ રૂમમાં આશરે 90 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ તા. 7 મે ના રોજ સવારે 5.30 વાગ્યાથી શરૂ કરી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે. સાત જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button