(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બૅટિંગ કરવાનો જે મોકો મળ્યો એનો પૂરો ફાયદો નહોતો ઉઠાવ્યો અને 250-પ્લસના સ્કોર્સ માટે જાણીતી આ ટીમે પૂરા પોણાબસો પણ નહોતા કર્યા. 20મી ઓવરને અંતે હૈદરાબાદનો સ્કોર આઠ વિકેટે 173 રન હતો અને મુંબઈને 174 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો જે મુંબઈ માટે સાવ આસાન તો નહોતો જ.
ટ્રેવિસ હેડ (48 રન, 30 બૉલ, એક સિક્સર, સાત ફોર) હાફ સેન્ચુરી ચૂક્યો હતો, પણ તેના રન ટીમમાં હાઈએસ્ટ હતા. કૅપ્ટન પૅટ કમિન્સ (35 અણનમ, 17 બૉલ, બે સિક્સર, બે ફોર) બૅટિંગમાં કૅપ્ટન્સ ઇનિંગ્સ રમ્યો હતો અને ટીમને 170-પ્લસનો સ્કોર અપાવ્યો હતો. અસલ રિધમ મેળવનાર હાર્દિક પંડ્યા (31 રનમાં ત્રણ) અને પીઢ સ્પિનર પીયૂષ ચાવલા (33 રનમાં ત્રણ) હૈદરાબાદને સૌથી ભારે પડ્યા હતા. નવા પેસ બોલર અંશુલ કમ્બોજ અને મુખ્ય બોલર જસપ્રીત બુમરાહને એક-એક વિકેટ મળી હતી. નુવાન થુશારાને 42 રનમાં વિકેટ નહોતી મળી.
આ મૅચ અગાઉની બન્ને ટીમ વચ્ચેની મૅચથી સાવ અલગ હતી. અગાઉના મુકાબલામાં હૈદરાબાદે મુંબઈ સામે ત્રણ વિકેટે 277 રન બનાવીને આઇપીએલનો 11 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો.
મુંબઈ સત્તાવાર રીતે પ્લે-ઑફની રેસમાંથી બહાર થવાની તૈયારીમાં હોવા છતાં શહેરના ક્રિકેટપ્રેમીઓમાં આ મૅચ માટે ગજબનો ઉત્સાહ હતો. કોઈક પોતાના મુંબઈના સ્ટારનો પર્ફોર્મન્સ જોવા આવ્યા હતા તો કોઈ રોહિત, હાર્દિક, સૂર્યકુમાર, બુમરાહ જેવા આગામી ટી-20 વર્લ્ડ કપના ખેલાડીનો દેખાવ જોવા આવ્યા હતા. કહેવાની જરૂર નથી કે અમુક પ્રેક્ષકો હૈદરાબાદના બિગ-હિટર્સની આતશબાજી જોવા માગતા હશે.
સ્ટેડિયમ હાઉસફુલ હતું.
મુંબઈએ સ્લો પિચ પર બેટિંગ આપી એટલે હૈદરાબાદના બેટર્સ જોરદાર હિટિંગ શરૂ કરી દેશે એવું મોટા ભાગના લોકોને લાગ્યું હશે, પણ એવું નહોતું થયું. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા વચ્ચે 50-પ્લસની ભાગીદારી થઈ હતી, પરંતુ 56મા રને અભિષેકની અને 68મા રને કમબેકમૅન મયંક અગરવાલની વિકેટ પડી હતી. અભિષેકને બુમરાહે આઉટ કર્યો હતો, જયારે અગરવાલને હરિયાણાના પેસ બોલર અંશુલ કમ્બોજે ક્લીન બોલ્ડ કર્યો હતો.
હૈદરાબાદના 90 રનના સ્કોર પર ટ્રેવિસ હેડને પીયૂષ ચાવલાએ અને નીતિશ રેડ્ડીને હાર્દિકે પેવિલિયનમાં મોકલ્યો હતો.
Taboola Feed