બરફના ગોળામાં સિન્થેટિક રંગોથી સાવધાન!
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
વિશ્વમાં ભારતીય ભોજનની સભ્યતા સૌથી પ્રાચીન, વિશાળ, વિવિધતાથી ભરપૂર, ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર, ઋતુ અનુસાર અને પ્રાકૃતિક સંપદાથી મેળ ખાતી ભોજન શૈલી છે. પ્રાચીન ભારતનું ભોજન ભારતીય લોકોનો વિકાસ અને સંસ્કૃતિ દર્શાવે છે. ભારતવાસીઓએ એવા ભોજનનો ઉપયોગ કર્યો જે પ્રકૃતિથી આસાનીથી ઉપલબ્ધ હતો. ભારતનો સમાજ મુખ્યત્વે કૃષિ આધારિત છે. પ્રકૃતિમાં જે પદાર્થો ખાવા યોગ્ય છે. તેને સાચવવા કે તેમાંથી રંગો બનાવવા કે અન્ય વસ્તુઓ બનાવવા માટે તે ઉન્નત હતો અને છે. બહારનાં વિદેશી આક્રમણો અને ઔદ્યોગિકરણના આક્રમણના લીધે આ ભોજન વ્યવસ્થા ઘણી બદલાઇ ગઇ. રસાયણોનો ઉપયોગ વધુ થવા લાગ્યો જેથી આજની પેઢી નબળી કે રોગગ્રસ્ત વધુ બની ગઇ છે.
ભોજનમાં કે ખાદ્યપદાર્થોમાં રંગોનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવે છે. વર્ષો પહેલાં એટલે કે પ્રાચીન ભારતમાં મનુષ્યો રંગોનું મહત્ત્વ સમજી ગયા હતા. કપડાંમાં, ભોજનમાં, વિશેષ ઉત્સવોમાં અને અન્ય બાહ્ય સામગ્રી બનાવવામાં રંગોનો ઉપયોગ કર્યો.
ભોજનમાં રંગના કારણે ભોજન દેખાવ આંખને ગમે તેમ જ સ્વાદમાં વધારો થાય છે. પ્રાચીનકાળમાં મનુષ્ય પ્રકૃતિથી રંગો લઇ તેનો ઉપયોગ કરતાં, કોઇ મિલાવટ નહીં જેથી કોઇ પણ પ્રકારના નુકસાન પણ નહોતાં થતાં. આજના સમય લોકો ખાદ્ય પદાર્થમાં રંગ અને સ્વાદ જ જુએ છે. તે પદાર્થોમાં રાસાયણિક રંગો છે. તે નુકસાન આપે છે તેની વધુ દરકાર કરતાં નથી. પેકેટ ફૂડનું ચલણ જોરમાં છે. હાલમાં ગરમીના દિવસોમાં બરફના ગોળા વધુ ખવાય છે. બરફના ગોળા પર રંગીન એસેન્સ જે અલગ અલગ સ્વાદવાળા વપરાય છે. તે નુકસાન કરનાર સાબિત થયા છે.
બધા જ સિન્થેટિક રંગો છે. જે ઘાતક કેમિકલમાંથી બને છે. બાળકો માટે વધુ ઘાતક છે. લાલ રંગ જે ઇરિથોસિન કારમોસિન કહેવાય છે. આની લગભગ ચાલીસ જેટલી સાઇડઇફેકટ છે. બળતરાં થવી, આંખમાંથી પાણી નીકળવું, માયગ્રેન, અસ્થામા, ત્વચા લાલ થવી, બિહેવિયર ચેન્જ થવું, એલર્જી રિએકશન, નાકમાં
બળવું, શરદી થવી જેવી ઘણી સાઇડઇફેકટ છે.
લાલ રંગ બનાવવા માટે ઘણી વસ્તુઓ છે. બીટ જયૂસ કે પાઉડર, દાડમનો જયૂસ, ચેરી, ક્રેનબેરી, સ્ટ્રોબેરી, સૂકા હીસબેકસના ફૂલ, બ્લુબેરી જેવા જયૂસ કે પાઉડર બનાવી બરફના ગોળા બનાવી શકાય છે. પાણીમાં આ જયૂસ નાખી ગ્લાસ નાખી ફ્રિઝમાં સેટ કરો ને ગોળાની જેમી ચૂસી શકાય છે. રંગોની સાથે સ્વાદ અને સ્વાસ્થ્ય મળશે, ગરમીમાં રાહત મળશે.
પીળો રંગ જે સનસેટ યલો, ટારટાજીન. આ રંગ ક્રિમિયેમ હાઇડ્રોકસી કેમિકલમાંથી બને છે. આ રંગ મોઢામાં બળતરા, મેમરીલોસ, ડિપ્રેશન, અરગીવનેસ, નિંદર ન આવવી, આંખના પ્રોમ્બલેમ, બાળકોમાં હાઇપર એક્ટિવિટી જેવી બીમારીઓ થાય છે. કેસર, હળદર, પીળા રંગના ફળો પણ ઘણાં છે. આનો ઉપયોગ કરી શકાય છે. માર્કેટમાં મળતા પીળા રંગના પેંડા જેમાં આ રસાયણના રંગો નખાય છે.
લીલો રંગ (ગ્રીન રંગ) જે ટાયરીલમેથેન નામની ડાયમાંથી બને છે. જેમાંથી વુલગ્રીન લીસમાઇન ગ્રીન, એસિડગ્રીન જેવા રંગો બને છે. પાચનતંત્રના રોગ, હોઠો પર સોજા, જીભ પર ચીરા પડવા, શ્વાસ લેવામાં તકલીફ, એલર્જી થવી.
ગ્રીન રંગ માટે કલિંગરની છાલ સૂકવી પાઉડર બનાવી શકાય છે. લીલા રંગના ઘણાય પાંદડામાંથી રંગ બનાવી
શકાય છે.
બ્લુ રંગ આ રંગના રસાયણથી સ્ક્રીન પર ચીરા પડવા, એલર્જી થવી, નાકમાં તકલીફ, મોઢા પર બળતરાં, પેશાબમાં બળતરાં, ઘણા કેન્સરના દર્દીમાં આ રંગને કારણે ખરાબી જોવા મળે છે. બ્લુ રંગના ફૂલોથી આ રંગ બનાવી શકાય છે.
બજારમાં ઘણાય સિન્થેટિક રંગો મળે છે જે બધા જ કેન્સરના સેલ બનાવવાળા છે. ઘણીય ફૂડ સંસ્થાઓ ચેતવણી આપે છે. કાળા બજારને કારણે ચોક્કસ માહિતી મળતી નથી. લોકો પણ જાગૃત થવામાં સુસ્તી બતાડે છે. પરિણામે રોગના ભોગ બને છે. ગરમીના સમયમાં બજારમાં આઇસક્રીમ અને બરફના ગોલાનું ચલણ જોર પર હોય છે. માનવનિર્મિત ફૂડ કલરનો દુષ્પ્રભાવ જોવા મળે છે. આ બધા જ રંગો પેટ્રોલિયમ, ગેસોલીન ડીઝલ, ડામર અને પ્લાસ્ટિકથી બને છે. કહેવાય છે કે માણસ પહેલા પોતાની આંખોથી ખાય છે અને પછી મોઢાથી ખાય છે. કદાચ આ જ કારણ છે માણસ અધિક બીમાર પડે છે, ફકત દેખાવ સારો છે. એટલે જ સારું ખાવાનું હશે એ જાણવું જરૂરી બની જાય છે.
બરફના ગોળા ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. કોકમને પાણીમાં ભીજવવા તેમાં ગોળ કે બ્રાઉન સાકર (કુદરતી સાકર), શેકેલું જીરૂ, સિંઘવ મીઠુ નાખી શરબત બનાવવું, ગ્લાસમાં નાખી ફ્રિઝમાં સેટ કરવું અને ગોળાનો આનંદ લઇ શકાય છે.
સંતરા, મોસબી, પાઇનેપલ, દાડમ જેવાં ફળોના રસમાં ઘરે બનાવેલો ચાટ મસાલો નાખી ગ્લાસમાં સેટ કરી ગોલો બનાવી શકાય છે. સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ જાળવી શકાય છે. બાળકોને જાતે બનાવવા દયો તેમને પણ આ બાબતથી જાણ કરી શકાય છે. બાળ વયમાં સિન્થેટિક રંગો તેમને નુકસાન પહોંચાડશે.
હાલમાં જ રાજકોટ અને સુરતમાં ગોલા બનાવતી દુકાનો પર છાપા પડયા છે ત્યાંથી આર્ટિફિશિયલ ક્રીમ, રાસાયણિક રંગો, અને કેમિકલવાળા પાણીથી બનતો બરફનો મોટો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. બરફ કમિર્શિયલ અલગ બને છે જે જલદી પીગળતો નથી. તેથી તેનો ઉપયોગ ગોલા બનાવવામાં થાય છે. આ પણ સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. બજારૂ સભ્યતા એ આપણી માટે નુકસાનદાયક જ સાબિત થઇ છે. ગોલા પર નખાતા સિરપમાં સાકરની માત્રા બહુ જ વધુ હોય છે. આપણા શરીરને આની જરૂરિયાત નથી. રાસાયણિક રંગો અને સાકર એ પ્રાકૃતિક નથી. આ રાસાયણિક રંગો અને સાકર કેન્સરકારક છે.