લોકસભા ચૂંટણીમાં પક્ષો પ્રચાર અભિયાન માટે વહાવી રહ્યા છે પાણીની જેમ પૈસા
નવી દિલ્હી: દેશભરમાં લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, આ ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પાણીની જેમ પૈસો વહાવી રહ્યા છે. 31 માર્ચથી 29 એપ્રિલ ની વચ્ચે 30 દિવસમાં ફક્ત ચાર પક્ષો (ભાજપ, કોંગ્રેસ, આપ અને ટીએમસી) એ ગુગલ અને મેટા (ફેસબુક) પર જાહેરાત પર 60.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, એટલે કે રોજના બે કરોડ રૂપિયા જાહેરાતો પાછળ ખર્ચાયા છે.
ભાજપે ગુગલ અને મેટા પર દરરોજ 92 લાખ રૂપિયા અને કોંગ્રેસે પણ રૂ. 107 લાખ ખર્ચી ગુગલ અને મેટા પર પોતાનું પ્રચાર ચલાવ્યું છે. મળતી વિગતો મુજબ ગુગલ અને મેટા પર 31 માર્ચથી 29 એપ્રિલ વચ્ચે ભાજપ, કોંગેસ, AAP અને TMCએ અનુક્રમે 27.7 કરોડ, 32 કરોડ, 10 લાખ, 70 લાખથી વધારે રૂપિયાનો ખર્ચ કર્યો છે.
આ રકમમાં વિવિધ વેબસાઇટ્સ દ્વારા ગુગલ અને મેટા પર પાર્ટીઓ દ્વારા ચલાવવામાં આવતી જાહેરાતો પર કરવામાં આવતા ખર્ચનો સમાવેશ થતો નથી. જો આ રકમને ગણતરીમાં લેવામાં આવે તો આ આંકડો અબજોમાં જાય છે.
ચૂંટણી માટે પ્રચાર ખર્ચના આ આંકડા ગૂગલ એન્ડ ટ્રાન્સપરેન્સી અને મેટા એડ લાયબ્રેરી પરથી જાણી શકાયા છે. આ વિગત ધ હિંદુ અખબારમાં CSDS પ્રોફેસર સંજય કુમાર અને બે અન્ય લેખકો ભારતીય ચૂંટણી તંત્રમાં ખર્ચની અસમાનતા વિષય પર લખાયેલા એક લેખમાં સામેલ કરવામાં આવી છે.
દેશમાં લોકસભા ચૂંટણી સહિતની તમામ ચૂંટણી માટે ખર્ચ સતત વધી રહ્યો છે, જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસનો જ કુલ ખર્ચ 20 લાખથી વધુ બતાવવામાં આવ્યો છે. જનપ્રતિનિધિ કાનૂન, 1951 હેઠળ ઉમેદવારના અંગત ખર્ચનો પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પરંતું પાર્ટીઓ પર સીધા ખર્ચ કરવા કે થર્ડ પાર્ટી દ્વારા ખર્ચ કરવા પર આવી કોઈ કાનુની મર્યાદા નથી.
સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (સીએમએસ)ના ચેરમેન એન.ભાસ્કર રાવનું અનુમાન છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં 60,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જોકે 2024ની ચૂંટણીનો ખર્ચ 1.35 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, જે બમણાથી વધુ હશે. રાવનું અનમાન છે કે આ વખતે કુલ ખર્ચમાં ભાજપનો હિસ્સો વધુ વધશે.