પર્વોનું માર્કેટિંગ લૂક: મુંબઈ ગણેશોત્સવમાં 12 અબજનું રોકાણ
મંડળો સહિત અનેક કોર્પોરેટ, જાહેરખબરની કંપનીઓ વચ્ચે સ્પર્ધા
મુંબઈ: ગણેશોત્સવને હવે માર્કેટિંગનું રૂપ મળ્યું છે. જાહેરખબરો સહિત કોર્પોરેટ કંપનીઓ પણ હવે આ ઉત્સવમાં રોકાણ કરી રહ્યા છે. તેથી ગણેશોત્સવ હવે કોર્પોરેટ બન્યો છે. ખાસ કરીને કોર્પોરેટ કંપનીઓ અને જાહેરખબરવાળાઓ દ્વારા ે હાલમાં મુંબઈના ગણેશોત્સવમાં 12 અબજ રૂપિયાનું રોકાણ થવાનું છે.
મુંબઈના ગણેશોત્સવમાં લોકોની જોરદાર ભીડ જામતી હોવાથી માર્કેટિંગ કંપનીઓ તેનો લાભ લેવા તત્પર થયા છે. મંડળોનો ખર્ચ પણ વધ્યો હોવાથી માર્કેટિંગ કંપનીઓ પાસેથી મળતા નાણાં તેમને ઉપયોગી થઇ પડે છે. માર્કેટિંગ જગતમાં કેટલાક ટકી ન શકતા હોવાને કારણે તેઓ હવે ઉત્સવોનો સહારો લઇ રહ્યા છે.
ગણેશોત્સવ હવે સ્પર્ધાત્મક બન્યું છે ત્યારે તેમાં ટકી રહેવા માટે અને પ્રસિદ્ધિ મેળવવા માટે ગણેશ મંડળોને સ્પર્ધામાં સામેલ થવા માટે પ્રેરીત કરવામાં આવી રહ્યા છે. તેથી રાજા-મહારાજા, સમ્રાટ અને નવસાચા બાપ્પા (માનતા પૂર્ણ કરનાર બાપ્પા)માં હરિફાઇ શરૂ થઇ છે.
ગણેશોત્સવનું હવે માર્કેટિંગ થઇ રહ્યું છે એવું કહેવું ખોટું છે, કારણ કે ઉત્સવોને કારણે અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળે છે. ઉત્સવોથી સરકારને આર્થિક લાભ થાય છે. મંડળોને જાહેરખબરો મળવી અને તેને લોકો સુધી પહોંચવામાં મદદ મળે છે. સ્પર્ધા સિવાય માણસ આગળ વધે નહીં, એમ બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ ડૉ. નરેશ દહિબાવકરે જણાવ્યું હતું.
મુંબઈ શહેર અને ઉપનગરના નાના અને મોટા ગણેશોત્સવ મંડળનો આંકડો અંદાજે 12 હજારની આસપાસ છે. એક ગણેશોત્સવ મંડળ દ્વારા અંદાજે રૂ. 10 લાખ ખર્ચ કરવામાં આવે છે ત્યારે દસ દિવસના આર્થિક વ્યવહારને કારણે આ રકમ અબજો સુધી પહોંચી જાય છે.
ઉત્સવોમાં સ્પર્ધા વધવાને કારણે પ્રસિદ્ધિ મળતી હોય છે, નામ મોટું થાય છે. ઘણા મોટા મંડળોને સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટક, સંગીત વગેરે કાર્યક્રમો ગોઠવવાનું શક્ય હોતું નથી, પરંતુ ઘણા મંડળો આવા કાર્યક્રમો ગોઠવીને પ્રસિદ્ધિ મેળવે છે. ઘણા મંડળો બોલિવૂડની સેલિબ્રિટીઓને બોલાવીને લોકોને આકર્ષતા હોય છે.
કોંકણ જતા
વાહનોને ટોલ મુક્તિ
મુંબઈ: ગણેશોત્સવની ઉજવણી માટે 16 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર દરમિયાન કોંકણ વિભાગ તરફ જઈ રહેલા વાહનોએ હાઈવે પર ટોલ નહીં ભરવો પડે એવી જાહેરાત મહારાષ્ટ્ર સરકાર દ્વારા શુક્રવારે કરવામાં આવી હતી. અધિકારીએ આપેલી માહિતી અનુસાર મુંબઈ – બેંગલૂરું હાઈવે, મુંબઈ – ગોવા હાઈવે અને જાહેર બાંધકામ વિભાગ હેઠળના અન્ય માર્ગ પર ટોલ મુક્તિનો નિર્ણય અમલમાં રહેશે. આ ઉપરાંત રાજ્ય પરિવહનની બસોને પણ ટોલમાંથી રાહત આપવામાં આવી છે.
પ્રભાદેવીમાં સ્વાગત મંડપ ઊભા કરવા પર પ્રતિબંધ
મુંબઈ: ગણપતિ વિસર્જન નિમિત્તે અનંત ચતુર્દશીને દિવસે પ્રભાદેવી વિસ્તારમાં સ્વાગત મંડપ ઊભા કરવા પર રાજકીય પક્ષોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પ્રભાદેવી ખાતે રાજકીય પક્ષોના પદાધિકારીઓને પોલીસ દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. ગયા વર્ષે પ્રભાદેવી વિસ્તારમાં આ જ કારણ પરથી ધમાલ અને ગોળીબાર થયાનો આરોપ છે. આથી પોલીસ દ્વારા આ વર્ષે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં ગયા વર્ષે બનેલી ઘટનાનો આધાર લેવામાં આવ્યો છે. પ્રભાદેવીમાં
ગયા વર્ષે શિંદે જૂથ અને ઠાકરે જૂથમાં ધમાલ થઇ હતી. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે રાજકીય પક્ષોના પદાધિકારીઓને નોટિસ જારી કરાઇ છે. ગયા વર્ષની ઘટના ફરી ન બને એ માટે સ્થાનિક પદાધિકારીઓ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં સ્વાગત મંડપ ઊભા ન કરવાનું કહેવામાં આવ્યું હતું.