આમચી મુંબઈમહારાષ્ટ્ર

સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય લગાવે છે શિવસેનાની શાખાના ચક્કર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સમાજવાદી પાર્ટી અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે) વચ્ચે રાજકીય દૃષ્ટીએ કોઇ પ્રકારના ગાઢ સંબંધો હોય તેવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી. જોકે, આ લોકસભાની ચૂંટણી પૂર્વે ક્યારેય ન બની હોય તેવી ઘટના સામે આવી છે અને તેનો સંબંધ મુંબઈના મુસ્લિમ મતોને સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણી માટે મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે તે પહેલા જ એસપીના સ્થાનિક વિધાનસભ્ય રઇસ શેખ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની શાખાના ચક્કર લગાવતા દેખાઇ રહ્યા છે. 20મી મેના રોજ મુંબઈમાં મતદાન યોજાવાનું છે તે પૂર્વે દક્ષિણ મુંબઈમાં મુસ્લિમ મત વિભાજિત ન થાય એ માટે રઇસ શેખ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતાઓને મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. શિવસેનાના કાર્યકરો અને મુસ્લિમ મતદારો વચ્ચે સુમેળ સધાય અને તેમની વચ્ચે સંપર્ક વધુ સારો બને એ માટેના પ્રયાસ થઇ રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

રાજકીય વિશ્ર્લેષકોના મુજબ આટલા વર્ષોમાં મુંબઈના રાજકારણમાં પહેલી જ વખત એવું બની રહ્યું છે કે મુસ્લિમ નેતાઓ અને આગેવાનો શિવસેનાની શાખાની મુલાકાતો લઇ રહ્યા હોય. એટલે કે મહાવિકાસ આઘાડી તરફ મુસ્લિમ મત પડે એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું જણાય છે.

અરવિંદ સાવંત માટે સપા નેતા કરશે પ્રચાર

દક્ષિણ મુંબઈના ઉદ્ધવ જૂથની શિવસેનાના ઉમેદવાર અરવિંદ સાવંત માટે સપાના વિધાનસભ્ય રઇસ શેખ પ્રચાર કરશે એ સ્પષ્ટ કરતા શેખે જણાવ્યું હતું કે હું અને મારા કાર્યકરો શિવસેનાના નેતાઓને મળ્યા હતા અને ભાયખલા ખાતેની શિવસેના શાખાની મુલાકાત લીધી હતી. એ દરમિયાન અમે પ્રચારના વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરી હતી. હું ટૂક સમયમાં અરવિંદ સાવંત માટે પ્રચાર શરૂ કરીશ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button