નેશનલ

જ્યાં આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચી પણ મતદાન મથક આવશ્ય પહોંચી જાય છે !

ભરુચ : લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું આવતીકાલે મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતનાં ભરૂચ જિલ્લાનું આલીયાબેટ (Alia Bet) સ્થિત મતદાન મથક આખા દેશના તમામ મતદાન મથકથી અલગ પડે છે. આલીયાબેટ નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલો વિશાળ બેટ છે જ્યાં પીવાનું પાણી , રસ્તા , વીજળી અને એકપણ પાકું મકાન નથી. જ્યાં આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓ નથી પહોચાડી શકાય પરંતુ ચૂંટણીમાં મતદાન મથક અવશ્ય પહોંચી જાય છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની મહેસુલી હદમાં આવેલા અને અંતરિયાળ તેમજ ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના 136 પુરૂષ અને 118 સ્ત્રી મતદારો મળી કુલ 254 મતદારો માટે ચૂંટણી વિભાગ દ્વારા શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું છે. ખભાતના અખાત અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે આ વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ અગાઉ અહીંના મતદાન મતદાન કરવા 82 કિલોમીટરનું અંતર કાપીને મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક પહોંચતા હતા.

કચ્છથી 350 વર્ષ પહેલાં જત જાતિના લોકો પશુધન સાથે આલિયાબેટ આવી વસ્યા હતા. જેઓ પાયાની સુવિધાઓ વગર અહીં જીવે છે અને પશુપાલનના વ્યવસાય પર નભે છે. દેશમાં વર્ષ 1951-52માં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને ત્યારથી લઈને વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી એટલેકે 7 દાયકા સુધી યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય, લોકસભા-વિધાનસભા ચૂંટણીઓમાં અહીંના મતદારો હોડીમાં સવાર થઈને જળમાર્ગે ૧૫ કિમી અથવા આલિયાબેટથી જમીન માર્ગે 82 કિલોમીટર દૂર આવેલા કલાદરા ગામમાં મતદાન કરવા જતાં હતાં.

ભરૂચ જિલ્લાના અંતરિયાળ આલિયાબેટના વિશિષ્ટ ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડીંગ અહીં ઉપલબ્ધ ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન કરવા માટે હંગામી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં મતદારો સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ કન્ટેનરને પ્રાથમિક સ્કુલમાં તબદીલ કરી દેવામાં આવશે જેમાં હાલ બેટના 50 બાળકોને શિક્ષણ આપવામાં આવશે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે બેટ પાર વીજળી નથી ત્યારે ઉપકરણોને ચલાવવા સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વિજળીથી કન્ટેનરના ટ્યુબલાઈટ અને પંખા ચલાવવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button