લોકસભાની ચૂંટણીના ટેન્શનમાં શેરબજાર અટવાઈ ગયું

મુંબઇ : લોકસભાની ચૂંટણી સંદર્ભે સતત બદલાતા મંતવ્યો અને અટકળો વચ્ચે લેવાલીનો પર્યાપ્ત ટેકો ના મળવાને કારણે શેરબજાર સાંકડી વધઘટ માં અટવાઈ ગયું છે.
અમેરિકાના જોબ ડેટા નબળા આવ્યા પછી ફરી એકવાર ફેડરલ વ્યાજ દર અંગે અનુકૂળ નિર્ણય લેશે એવા આશાવાદે બજાર ઊંચા મથાળે ખૂલ્યું હતું, પરંતુ ટકી શક્યું નહોતું.
ખાનગી બેંકો અને આઇટી શેરોમાં થયેલા ઉછાળાને પગલે ગયા અઠવાડિયે ભારે વેચવાલીનો સામનો કર્યા બાદ સોમવારે ખુલતા બજારમાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો ઊંચા ગેપ સાથે શરૂઆત બાદ આગળ વધ્યા હતા. આ વર્ષે ફેડરલના દરમાં વધારાની આશા વચ્ચે વૈશ્વિક બજારના ઉત્સાહી મૂડને કારણે પણ દલાલ સ્ટ્રીટના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.
જોકે ભારત VIX ૧૫ ટકાથી વધુ વધવાને કારણે વોલેટિલિટી ઊંચી રહી હતી. ક્ષેત્રીય રીતે, નિફ્ટી પીએસયુ બેંકના શેરોમાં જોરદાર ધોવાણ જોવા મળ્યું હતું અને તેના બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં 2.5 ટકાથી મોટો કડાકો બોલાઈ ગયો હતો.
બજારની હલચલમાં ઇન્દીજીન આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે આજે ખુલ્યો છે સીઓઓ ભાવેશ ગુપ્તાએ રાજીનામું આપતાં પેટીએમ પાંચ ટકાના કડાકા સાથે નીચે પટકાયો છે. અદાણી ગ્રુપના તમામ શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે
એપ્રિલ માટે યુએસ જોબ્સ ડેટા અપેક્ષા કરતા નીચા આવ્યા છે જે શ્રમ બજાર નબળા અને ધીમી અર્થવ્યવસ્થા દર્શાવે છે. એપ્રિલમાં યુએસ બેરોજગારી વધીને 3.9% થઈ ગઈ છે. જેથી ફેડ દ્વારા રેટ કટની શક્યતા ફરી પ્રબળ બની છે.
ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો 105.8 અને 10-વર્ષના યુએસ બોન્ડ યીલ્ડમાં 4.49% સુધીનો ઘટાડો બજાર માટે સારી છે. વોરેન બફેટની સકારાત્મક ટિપ્પણી કે ભારત એક મહત્વની બજાર છે જેમાં મોટી સંભાવના છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.