આપણું ગુજરાત

અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર એલર્ટ

ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજવવાનું છે. જેની માટે ચુંટણી પંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જો કે આ દરમ્યાન દિલ્હી અને એનસીઆરની જેમ જ અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ મેલ કરવામાં આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ રશિયન સર્વરમાંથી ઇ મેલ કરવામાં આવ્યા હોવાનું અનુમાન છે. જો કે ધમકીના પગલે આ સ્કૂલો પર સઘન પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ ઘટનાને ગંભીરતાથી લેતા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યુ છે.

ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 7 મેના રોજ મતદાન

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 7 મેના રોજ મતદાન છે. તેમજ મતદાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના ગર્વનર આનંદીબહેન પટેલ સહિતના વીવીઆઇપી અમદાવાદમાં અલગ અલગ સ્થળોએ મતદાન માટે આવવાના છે. તેવા સમયે આ ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

25 લોકસભા બેઠક પર કુલ 266 ઉમેદવાર મેદાનમાં

ગુજરાતની 25 લોકસભા બેઠક પર 247 પુરુષ ઉમેદવાર અને 19 મહિલા ઉમેદવાર મળીને કુલ 266 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 20 જનરલ ઉમેદવાર છે, 2 એસટી ઉમેદવાર છે અને ૪ એસટી ઉમેદવારો છે. તો આ ચૂંટણીમાં 4,97,68,677 મતદારને મતાધિકાર પ્રાપ્ત થયો છે, જેમાં કુલ મતદારમાંથી 2,56,16,540 પુરુષ મતદાર છે તો 2,41,50,603 મહિલા મતદાર છે, જ્યારે 1534 તૃતીય જાતિના મતદારો છે.

સૌથી વધુ 18 ઉમેદવારો સાથે અમદાવાદ પૂર્વ બેઠક ઉમેદવારીની દૃષ્ટિએ પ્રથમ સ્થાને છે, જ્યારે સુરત બેઠક પર એકમાત્ર ઉમેદવાર સાથે આ બેઠક બિનહરીફ જાહેર થઇ છે. વિસ્તારની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો 107 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતી અમદાવાદ પશ્ચિમએ સૌથી નાની લોકાસભાની બેઠક છે, જ્યારે 21,354 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતી કચ્છ લોકસભા બેઠક સૌથી મોટી લોકસભા બેઠક છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button