ઓડિશાની પુરી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પર ઈંટો અને કાચની બોટલોથી હુમલો, ઘાયલ થતા પોલીસ ફરિયાદ દાખલ
પુરી: ઓડિશાની પુરી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઉમા બલ્લવ રથ પર રવિવારે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે માહિતી આપી હતી કે તે આ હુમલામાં ઘાયલ થયા છે. ઉમા બલ્લવ રથને માથા અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ છે. આ અંગે તેમણે કુંભારપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જ્યારે તે બસ સ્ટેન્ડ પાસે પ્રચાર કરી રહ્યા હતો ત્યારે અચાનક બે લોકોને તેમના પર ઈંટો અને કાચની બોટલોથી હુમલો કર્યો હતો. પરંતુ સ્થાનિક રહેવાસીઓએ દરમિયાનગીરી કરીને તેમને બચાવી લીધા હતા.
ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થયો હતો
પૂર્વ ધારાસભ્ય અને પુરી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઉમા બલ્લવ રથે પત્રકારો સાથે વાત કરતા આ ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે હું બસ સ્ટેન્ડ પાસે પ્રચાર કરી રહ્યો હતો ત્યારે અચાનક મારા પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. ઉમા બલ્લવ રથને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ શરૂઆતમાં આ સીટ માટે સુજીત મહાપાત્રાને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ બાદમાં તેમને હટાવી દેવામાં આવ્યા હતા અને ઉમા બલ્લવ રથને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
લોકસભાના ઉમેદવારે ટિકિટ પરત કરી હતી
આ પૂર્વે લોકસભા ચૂંટણીના ઉમેદવારને લઇને પણ કોંગ્રેસને આંચકો લાગ્યો હતો. થોડા દિવસો પૂર્વે કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે આ પછી કોંગ્રેસે જય નારાયણ પટનાયકને ઉમેદવાર બનાવ્યા. સુચરિતા મોહંતીએ કોંગ્રેસને ટિકિટ પાછી આપી હતી. તેમણે કહ્યું કે તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી.