ધર્મતેજ

વિદ્યાથી અમૃતની પ્રાપ્તિ

મનન -હેમંત વાળા

એમ કહેવાયું છે કે ‘વિદ્યાથી અમૃત પ્રાપ્ત થાય છે’. આ વિદ્યા શું છે – અમૃત શું છે. તેની પ્રાપ્તિની પ્રક્રિયા કઈ તથા તેની પ્રાપ્તિની બાદની સ્થિતિ કેવી.

આપણાં શાસ્ત્રોની રજૂઆત પ્રમાણે અવિદ્યાનું કારણ માયા છે. અવિદ્યાના કારણે જ આ સંસાર જે તે પ્રમાણે વર્તાય છે. સંસારના મૂળમાં આ આવરણ સમાન અવિદ્યા છે જે મૂળ તત્ત્વને ઢાંકી દઈ ભ્રામક બાબતોને આપણી સમક્ષ લાવે છે. આ વિપરીત બાબતો આમ તો અસ્તિત્વમાં જ નથી હોતી પણ તેના પ્રત્યેના આપણા ભાવાત્મક સંબંધને કારણે તે કેટલાક વ્યવહારોને બાધિત કરી દે છે. આ અવિદ્યાથી વિરુદ્ધ તે વિદ્યા. વિદ્યા એટલે એવી સંભાવના કે જે દરેક પ્રકારના આવરણથી મુક્તિ અપાવે. પ્રત્યેક આવરણને દૂર કરનાર તથા માયાથી ઉપર ઉઠવાની ક્ષમતા આપનાર આ બળ એટલે વિદ્યા એટલે અમાયા.

આવરણ ત્યારે જ દૂર કરી શકાય જ્યારે તેના આવરણપણાની આપણને જાણ થાય, અને તેનાથી ઢંકાયેલ સંભવિત બાબતનું મહત્ત્વ સમજાય.અંધકાર દૂર કરવાનો પ્રયત્ન ત્યારે જ કરી શકાય જ્યારે તે અંધકારની – અંધકારપણાની પ્રતીતિ થાય – તે અંધકારમાં નજરે ન ચડતી બાબતો માટે કંઈક સભાનતા જાગ્રત થાય. અંધકારમાં ન દેખાતી વસ્તુનું મહત્ત્વ જ્યારે સમજાતું થાય ત્યારે વ્યક્તિ અંધકારને દૂર કરવા માટે પુરુષાર્થ કરે. આ અવિદ્યા રૂપ અંધકાર પણ એક આવરણ છે જે સત્યને ઢાંકી દે છે. અંધકાર દૂર થતાં જ જે તે પરિસ્થિતિ યોગ્ય રીતે સમજાતી થાય અને પછી જ તેનો આપણા જીવનમાં પ્રવેશ થાય – અવિદ્યા દૂર થતાં જ જે પ્રતીતિ થાય તેનો સ્વીકાર શક્ય બને.

વિદ્યા પ્રાપ્ત થતાં જે તે આવરણની તથા તેના વડે ઢંકાયેલ બાબતોની યથાર્થ સમજ પડે. વિદ્યા એટલે જે તે બાબતને જેમની તેમ, કોઈપણ પ્રકારના પ્રયોજન વગર, તેની સાથે સંલગ્ન થયા વગર, અપેક્ષાઓથી પર થઈને જોવાની ભૂમિકા. વિદ્યા મળવાથી દરેક બાબત સ્પષ્ટ થતી જાય. આ વિદ્યાથી જ સૃષ્ટિના બધાં જ સમીકરણો સમજાવવા માંડે અને આ સમીકરણોની વચ્ચે આપણા સ્થાનની પ્રતીતિ થાય. અને સમયાંતરે એવી ક્ષમતા જાગે કે જેનાથી આ બધાં સમીકરણોથી પર થઈ જવાય.

ગીતામાં જણાવ્યું છે કે જ્ઞાન સમાન પવિત્ર બીજું કશું જ નથી. શું આ જ્ઞાન તથા વિદ્યામાં કોઈ તફાવત છે કે બંને એક જ પરિસ્થિતિના પર્યાય છે ? અમૃત કે અમૃતપણા માટે હકદાર બનાવા – માયાના પટલ દૂર કરવામાં અને નિર્મળતા પ્રાપ્ત કરવામાં શું આ બંને સમાન છે ? સનાતની સંસ્કૃતિમાં કોઈપણ શબ્દ આમ અકસ્માતે નથી આવતો. અહીં દરેક શબ્દને એક મંત્ર તરીકે લેવામાં આવે છે અને તેમાં સૂક્ષ્મભેદ છુપાયેલો હોઈ છે. તેથી મન એમ માનવા પ્રેરાય છે કે આ બંને કંઈક અંશે જુદી ઘટના છે.

જ્ઞાન એ સંપૂર્ણપણે સિદ્ધાંતવાદી બાબત છે જ્યારે વિદ્યામાં ક્યાંક અમલીકરણની સંભાવના હોય છે. જ્ઞાનને જ્યારે પ્રયોગાત્મક બનાવવામાં આવે ત્યારે તે વિદ્યા બને છે. જ્ઞાન એ વૈચારિક પૂર્ણ શુદ્ધ બાબત છે જ્યારે વિદ્યાની શુદ્ધતા તેના સાધન પ્રમાણે સાધનપણા ને આધારિત હોય છે. તેથી જ જ્ઞાનને પવિત્ર કહેવાય છે જ્યારે વિદ્યાને અમૃત. પવિત્રતા એ ગુણધર્મ છે જ્યાં અમૃત એ અસ્તિત્વમાં આવેલું તત્ત્વ છે.

અમૃત એ નાશવંતતામાંથી મુક્ત થવાનું માધ્યમ છે અને તેની માત્રા વધઘટ થઈ શકે. સમુદ્ર મંથન પછી નીકળેલું અમૃત ખલાસ થઈ ગયું હતું. જ્ઞાનની આવી લુપ્તતા શક્ય નથી. આમ તો આપણે સૌ અમૃત સ્વરૂપ જ છીએ, આપણું શરીર નાશ પામે છે, પરંતુ આત્માની જ્યોતિ તો સદાય પ્રજ્વલિત જ રહે છે. જો આમ જ હોય તો આપણને અમૃતની શી જરૂર છે ? શું અહીં શરીરને – ભૌતિકપણાને અમૃત્વ આપવાની વાત છે ?

જ્યારે જે તે બાબત યથાર્થ સ્વરૂપે સમજાવવા માંડે ત્યારે તે દ્વંદ્વસભર સંસાર ચક્રથી બહાર નીકળવાનો પુરુષાર્થ ચાલુ થાય. આ દ્વંદ્વથી બહાર નીકળવાની પ્રક્રિયા એટલે જ અમૃતતા તરફનું પ્રયાણ. દ્વંદ્વ થી અલગ થયા પછી જ સમજાય કે નામ-રૂપ-રંગ-ગુણની ક્ષણ ભંગુરતા ઉપરાંત જે શાશ્ર્વત ચૈતન્ય છે તેનાથી જ આ સર્વનો વ્યાપ છે. આ સમજમાં પરોવાવું એટલે જ અમૃતતા તરફનું પ્રયાણ.
આ અમૃત અવિદ્યાનું આવરણ દૂર થતાં પ્રાપ્ત થાય છે. ગુરુ કૃપાથી સ્થપાતી યથાર્થ સમજથી શાશ્ર્વત તત્ત્વની જાણ થાય. અવિદ્યાનું આવરણ દૂર થતાં તે શાશ્ર્વત તત્ત્વને પામવાના માર્ગની સમજણ પડે. તે માર્ગમાં આગળ વધવાની પ્રેરણા મળે અને અવરોધોથી પાર પડવાની ક્ષમતા વિકસે. આવરણ દૂર થતાં જ રસ્તો દેખાય અને અંતિમ સ્થાનની ઝલક પણ મળે. આ અંતિમ સ્થાને પહોંચાય એટલે કે તમે અમૃતને પ્રાપ્ત કરી દીધું. જ્યાં પછી કશું જ પામવા જેવું નથી રહેતું. પછી બધું જ નિયમબદ્ધ જણાય. આ એક એવી સ્થિતિ છે કે જ્યાં વ્યક્તિ જણાતી હોય તેના કરતાં પણ ઘણી આગળ નીકળી ગઈ હોય. વિદ્યાની પૂર્ણતા ત્યારે કહેવાય કે જ્યારે વ્યક્તિ અમૃતપણા અને મૃત્યુ એ બંને માટે સમાન અલિપ્તા કેળવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button