લખનઊ: કોલકાતાએ છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલા લો-સ્કોરિંગ મૅચોના ટ્રેન્ડ વચ્ચે અહીં ફરી એકવાર આઇપીએલની 17મી સીઝનને 230-પ્લસનો સ્કોર આપ્યો હતો. કોલકાતાની ટીમની પાંચેક ધમાકેદાર ઇનિંગ્સમાં સુનીલ નારાયણ (81 રન, 39 બૉલ, સાત સિક્સર, છ ફોર)ની ઇનિંગ્સ સર્વશ્રેષ્ઠ હતી. તેણે ફિલ સૉલ્ટ (32 રન, 14 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાથે 61 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ત્યાર બાદ નારાયણની અંગક્રિશ (32 રન, 26 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સાથે 79 રનની ભાગીદારી પણ થઈ હતી.
રમણદીપ સિંહ (પચીસ અણનમ, છ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ની છેવટની દમદાર ઇનિંગ્સને લીધે કોલકાતાની ટીમ લખનઊને 236 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શકી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયરે 23 રન બનાવ્યા હતા. લખનઊના બોલર્સમાં નવીન-ઉલ-હક ત્રણ વિકેટ લઈને સૌથી સફળ રહ્યો હતો.
લખનઊના કૅપ્ટન કેએલ રાહુલે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. લખનઊએ ઈજાગ્રસ્ત ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવના સ્થાને યશ ઠાકુરને લીધો હતો. જોકે કોલકાતાએ ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કર્યો.
કોલકાતાના 235 રન લખનઊના મેદાન પર આઇપીએલનો હાઈએસ્ટ સ્કોર છે.
Taboola Feed