આમચી મુંબઈ

લોકસભા ચૂંટણીઃ ‘મિનિ મુંબઈ’માં સિતારાઓ નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ


મુંબઈ: મુંબઈ શહેરને ‘મિનિ ઇન્ડિયા’ કહેવાય છે તો મુંબઈના ઉત્તર-મધ્ય વિસ્તાર પણ ‘મિનિ મુંબઈ’ તરીકે ઓળખાય છે. આ બેઠક એટલા માટે પણ મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે આ બેઠકોમાં બાંદ્રા, ખાર, કલિના, વિલે પાર્લે, ચાંદિવલી અને કુર્લા જેવા વિસ્તારો આવે છે. એટલે કે પરપ્રાંતિય મજૂરોથી માંડીને સામાન્ય નાગરિકો ઉપરાંત રહેવાસીઓ અને તેમ જ અનેક સેલિબ્રિટીઝ પણ આ વિસ્તારોમાં વસે છે.
|
આ વિસ્તારોમાં મુંબઈના મોંઘામાં મોંઘા ઘરો પણ મળી આવે છે અને સાથે સાથે અત્યંત ગરીબ ગણાતા મજૂરો પણ આ વિસ્તારમાં વસે છે. આ લોકસભાની ચૂંટણી દરમિયાન આ બેઠક પરથી ભાજપના ઉજ્જ્વલ નિકમ ઉમેદવાર છે, જ્યારે કૉંગ્રેસ તરફથી વર્ષા ગાયકવાડને ઉમેદવારી આપવામાં આવી છે.

વર્ષા ગાયકવાડ મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ છે, જ્યારે ઉજ્જ્વલ નિકમની નામના મુંબઈ આતંકવાદી હુમલાના પકડાયેલા આતંકવાદી મોહમ્મદ અજમલ આમીર કસાબને ફાંસીના માંચડા સુધી પહોંચાડવાના કારણે છે. આ મતવિસ્તારમાં 17.44 લાખની વસ્તી છે અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ઉપરાંત શિવસેના(ઉદ્ધવ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે જેવા મતદારો આ જ મતવિસ્તારમાં રહે છે.

વર્ષા ગાયકવાડ અને ઉજ્જ્વલ નિકમ ઉપરાંત વંચિત બહુજન આઘાડી અને ઑલ ઇન્ડિયા મસલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઇએમઆઇએમ) દ્વારા પણ આ બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે.
શરૂઆતમાં આ બેઠક કૉંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. જોકે, 2014માં મોદીની લહેરમાં ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગીય પ્રમોદ મહાજનનાં પુત્રી પૂનમ મહાજન અહીંથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર પછી 2019ની લોકસભા ચૂંટણીમાં પણ પૂનમ મહાજન આ બેઠક પર ફરી વિજયી થયા હતા.


આ વખતે કૉંગ્રેસ પોતાની હારેલી બેઠક પાછી પોતાના નામે કરવાના નેમ સાથે ચૂંટણીમાં ઉતરશે તો ભાજપ કસાબને ફાંસીએ ચઢાવનારા પોતાના નવા ઉમેદવાર અને પહેલી જ વખત રાજકારણમાં પ્રવેશેલા ઉજ્જ્વલ નિકમને જીતાડવા માટે ભરચક પ્રયાસ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button