અમેરિકા બાદ પેલેસ્ટાઇન તરફી વિદ્યાર્થીઓનો વિરોધ કેનેડા, મેક્સિકો સહિત અન્ય દેશોમાં ફેલાયો
વોશિંગ્ટનઃ ૭ ઓક્ટોબરના હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના વિરોધમાં અમેરિકામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગાઝા પર ઇઝરાયલના સૈન્ય હુમલાના વિરોધમાં વિદ્યાર્થીઓનો વિરોધ હવે અમેરિકા બાદ ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ, મેક્સિકો અને સ્વિટ્ઝર્લેન્ડમાં પણ જોવા મળી રહ્યો છે.
અમેરિકામાં પ્રદર્શનકારીઓએ ૧૭ એપ્રિલથી ૪૦ અમેરિકન યુનિવર્સિટી કેમ્પસ પર એકઠા થવાનું શરૂ કર્યું અને ગાઝા પટ્ટીમાં વધતા જતા મૃત્યુઆંકના વિરોધમાં શિબિરો સ્થાપી પ્રદર્શન કરી રહ્યા છે. અમેરિકન મીડિયા અનુસાર આ વિરોધ પ્રદર્શનોમાં લગભગ ૨૦૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.
ફ્રાન્સમાં પોલીસે શુક્રવારે દેશની ટોચની પોલિટિકલ સાયન્સ સ્કૂલ, પેરિસમાં સાયન્સ પો ખાતે ગાઝા તરફી વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને બળજબરીપૂર્વક હટાવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે ૯૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જર્મનીમાં મધ્ય બર્લિનમાં હમ્બોલ્ટ યુનિવર્સિટીની બહાર દેખાવકારોને વિખેરવા માટે પોલીસે શુક્રવારે દરમિયાનગીરી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે બીજા સ્થાને જવાનો ઇનકાર કર્યા પછી ઘણા વિરોધીઓને બળજબરીથી દૂર કરવામાં આવ્યા હતા.
કેનેડામાં મોન્ટ્રીયલ, ઓટાવા, ટોરોન્ટો અને વાનકુવર સહિત અનેક શહેરોના વિદ્યાર્થીઓએ ગાઝામાં યુદ્ધનો વિરોધ કર્યો છે. પોલીસની મંજૂરીની ધમકીઓ વચ્ચે સેંકડો વિરોધીઓ મોન્ટ્રીયલની મેકગિલ યુનિવર્સિટીમાં પહેલી અને સૌથી મોટી શિબિરમાં સામેલ થયા છે.
ઓસ્ટ્રેલિયામાં શુક્રવારે સિડની યુનિવર્સિટીમાં ગાઝા અને ઇઝરાયલના સેંકડો હરીફ સમર્થકો સામસામે આવી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. યુદ્ધવિરામ તરફી પ્રદર્શનકારીઓ ૧૦ દિવસથી યુનિવર્સિટીની સામે ગ્રીન લોન પર ધામા નાખીને બેઠા છે. આયરલેન્ડમાં યુનિવર્સિટી ઓફ ટ્રિનિટી કોલેજ ડબલિનના વિદ્યાર્થીઓએ શુક્રવારે ધરણા શરૂ કર્યા છે અને આ વિરોધને ‘પેલેસ્ટાઇન સાથે એકતા શિબિર’ ગણાવ્યો.
મેક્સિકોમાં દેશની સૌથી મોટી યુનિવર્સિટી યુએનએએમના ડઝનબંધ વિદ્યાર્થીઓએ ગુરૂવારે રાજધાનીમાં એક શિબિર સ્થાપી અને ફ્રી પેલેસ્ટાઇન સહિતના નારા લગાવ્યા. તેઓ ઇચ્છે છે કે મેક્સિકન સરકાર ઇઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખે. સ્વિટ્ઝર્લેન્ડમાં ઇઝરાયેલના શૈક્ષણિક બહિષ્કાર અને ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની માગણી સાથે આશરે ૧૦૦ વિદ્યાર્થીઓએ ગુરુવારથી યુનિવર્સિટી ઓફ લૌઝેનની એક ઇમારતના પ્રવેશદ્વાર પર કબજો કર્યો છે.