‘અનુપમા’થી લોકપ્રિય બનેલી રૂપાલી ગાંગુલીએ જેતપુરમાં મનસુખ માંડવિયાના રોડ શોમાં કર્યો પ્રચાર
પોરબંદર: લોકપ્રિય ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ હવે લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે. નાના પડદા પર અનુપમાનું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી રૂપાલી ગાંગુલી છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત પહોંચ્યા અને પોરબંદર લોકસભા બેઠક થી ભાજપના ઉમેદવાર મનસુખ એલ. માંડવિયાના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ભાજપ પરિવારનો હિસ્સો હોવા પર ગર્વ અનુભવે છે.
રૂપાલી ગાંગુલીએ ગુજરાતના જેતપુરમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે વોટ માંગ્યા હતા. તેમણે રોડ શોમાં ભાગ લીધો અને પોતાની પાર્ટીના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો હતો. રૂપાલી ગાંગુલીએ માંડવિયા માટે પ્રચાર કર્યો અને ભાજપને જીતાડી મોદી સાહેબના હાથ મજબુત કરવા અપીલ કરી હતી.
મનસુખ માંડવિયાના રોડ શોમાં ટીવી સિરિયલ અભિનેત્રી રૂપાલી ગાંગૂલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાણીતી ટીવી સિરિયલ અનુપમાની અભિનેત્રી રૂપાલી ગાંગૂલીને જોવા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રૂપાલી ગાંગૂલીએ મતદારોને ઘરની બહાર નીકળીને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
મનસુખ માંડવિયા રાજ્યસભાના સભ્ય અને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં આરોગ્ય મંત્રી છે. કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધનના રાજીનામા બાદ તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. હવે તેઓ ચૂંટણી પણ લડી રહ્યા છે અને લોકોના સમર્થનથી લોકસભામાં પહોંચે તેવી અપેક્ષા છે. આ વખતે ભાજપે તેના ઘણા કેન્દ્રીય મંત્રીઓને લોકસભાની ટિકિટ આપી છે, જેઓ રાજ્યસભા દ્વારા કેબિનેટનો હિસ્સો બન્યા છે.