આમચી મુંબઈ

યુવતીને બ્લેકમેઇલ કરીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ બે ભાઇ વિરુદ્ધ ગુનો

નવી મુંબઈ: ડિસેમ્બર, 2023માં 18 વર્ષની યુવતી પાસે જાતીય તરફેણની માગણી કરીને તેને બ્લેકમેઇલ કરવા તથા તેને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ 20 અને 22 વર્ષની વયના બે ભાઇ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
આરોપીઓ યુવતીના પડોશમાં રહેતા હતા. તેમણે યુવતીનો વાંધાજનક વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓ જાતીય તરફેણની માગણી કરતા હતા.

નવી મુંબઈના કોપરખૈરાણે વિસ્તારમાં રહેતી યુવતીએ જુનિયર કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેના વાલી સાંગલીમાં રહેતા હતા. 1 ડિસેમ્બરે છેલ્લા તેણે વાલીઓ સાથે વાત કરી હતી. યુવતીએ કહ્યું હતું કે ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે. એ જ સાંજે તેણે ઘરના રસોડામાં સીલિંગ ફેન સાથે ગળાફાંસો ખાધો હતો.

થોડા સપ્તાહ બાદ વાલીઓને જાણ થઇ કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી એ પૂર્વે તે આરોપીને મળી હતી અને એ સમયે તેમની વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો. આથી પરિવારે વધુ તપાસ કરી હતી. મૃતકના મોટા ભાઇએ બહેનનું લેપટોપ તપાસતાં આરોપી અને મૃતક વચ્ચેના ઇન્સ્ટાગ્રામ ચેટ મળી આવ્યા હતા, જેમાં આરોપીઓ વાંધાજનક વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસે જાતીય તરફેણની માગણી કરતા હોવાનું જણાયું હતું.

યુવતીએ જાતીય તરફેણની માગણી નકારી કાઢતાં આરોપીઓ તેને વધુ ત્રાસ આપવા લાગ્યા હતા. આથી કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે અમે આ પ્રકરણે તપાસ કરી રહ્યા છીએ અને દોષીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button