આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોકસભા ચૂંટણીઃ થાણે જિલ્લામાં બહુપાંખિયો જંગ થવાના આસાર, ૯૧ ઉમેદવાર મેદાનમાં

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ગઢ ગણાતા થાણે જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં બહુપાંખિયો જંગ થવાના અણસાર મળી રહ્યા છે. જિલ્લામાં થાણે, કલ્યાણ અને ભિવંડી એમ ત્રણ મતવિસ્તારો છે. જે માટે કુલ ૩૫૫ અરજીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમાંથી ૧૧૧ ઉમેદવારોએ એક કરતા વધુ અરજીઓ મળીને ૧૩૬ અરજીઓ ભરી હતી.
શનિવારે યોજાયેલી ચકાસણીમાં આ પૈકી ૯૧ ઉમેદવારની અરજીઓ માન્ય ઠરી હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે સૌથી વધુ ૩૬ ઉમેદવારો ભિવંડીમાં, ૩૦ કલ્યાણ અને ૨૫ ઉમેદવારો થાણેથી મેદાનમાં છે.

મુખ્ય પ્રધાનના ગૃહ લોકસભા મતવિસ્તાર થાણે માટે ૩૬ ઉમેદવારે ૪૩ અરજી કરી હતી. ચકાસણી બાદ તેમાંથી ૧૧ અરજી રદ થતા ૨૫ અરજી માન્ય હોવાનું જાણવા મળ્યું હતું. મુખ્ય પ્રધાનના પુત્ર અને વર્તમાન સાંસદ ડો. શ્રીકાંત શિંદેના કલ્યાણ લોકસભા મતવિસ્તારમાં સૌથી વધુ ૧૩૭ ઉમેદવારી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાંથી ૩૪ ઉમેદવારોએ ૪૫ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

ચકાસણીની પ્રક્રિયા બાદ તેમાંથી ૩૦ અરજીઓ માન્ય થઇ હતી. ભિવંડી લોકસભા મતવિસ્તારમાં ૪૧ ઉમેદવારોએ અરજીઓ ભરી હતી. આખરે ૪૧માંથી ૩૬ અરજીઓ માન્ય ઠરી હતી. સોમવારે ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ સમય પછી કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે અંગે ચિત્ર સ્પષ્ટ થશે. બહુપાંખિયા જંગમાં ફાયદો કે નુકશાન મહાયુતિને થાય છે કે I.N.D.I.A ગઠબંધનને તે જાણવું પણ રસપ્રદ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button