સ્પોર્ટસ

મહિલાઓના ટી-20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરાયું: જાણી લો ભારત-પાકિસ્તાન મુકાબલો ક્યારે અને ક્યાં થશે

દુબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ ક્રિકેટ મૅચ હોય, એના પર સમગ્ર ક્રિકેટજગતનું ધ્યાન અચૂક હોય છે જ. હવે તો મહિલાઓની ભારત-પાકિસ્તાન મૅચમાં શું થાય છે એ જાણવાની પણ બધાને ઉત્સુકતા હોય છે.
2023માં મેન્સ વન-ડે વર્લ્ડ કપમાં 14મી ઑક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર જંગ થયો હતો જેમાં રોહિત શર્માની ટીમે 117 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી બાબર આઝમની ટીમને કચડી નાખી હતી. હવે આગામી ઑક્ટોબરમાં ફરી ભારત-પાકિસ્તાન મુકાબલાની મોસમ આવશે. જોકે એ મૅચ મહિલા ક્રિકેટરો વચ્ચેની હશે અને એ બાંગલાદેશમાં રમાવાની છે. છઠ્ઠી ઑક્ટોબરે સીલ્હટમાં આ જંગ ખેલાશે.
વાત એમ છે કે આગામી ત્રીજી ઑક્ટોબરે બાંગલાદેશમાં મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે જેમાં પ્રથમ મૅચ ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. એ જ દિવસે યજમાન બાંગલાદેશનો ક્વૉલિફાય થનારી એક ટીમ સામે મુકાબલો થશે.
ચોથી ઑક્ટોબરે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની હવે પછી ક્વૉલિફાય થનારી એક ટીમ સામે મૅચ રમાશે, પરંતુ બધાની નજર ભારત-પાકિસ્તાનની છ ઑક્ટોબરની મૅચ પર હશે. જો આ બન્ને ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે અને એમાં વિજય મેળવશે તો ફાઇનલમાં ફરી એ બે ટીમ વચ્ચે ટક્કર થઈ શકે.
કુલ 10 ટીમ આ વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં રમશે. પાંચ-પાંચ ટીમના બે ગ્રૂપ પાડવામાં આવ્યા છે. ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ અને એક ક્વૉલિફાયર ટીમ સામેલ હશે. આ ગ્રૂપની બધી મૅચો સીલ્હટમાં રમાશે. ગ્રૂપ-બીમાં સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, બાંગલાદેશ અને એક ક્વૉલિફાયર ટીમનો સમાવેશ હશે. આ ગ્રૂપની તમામ મૅચો ઢાકામાં રમાશે. જે બે ક્વૉલિફાયર ટીમ આ વર્લ્ડ કપમાં સ્થાન મેળવશે એ શ્રીલંકા, યુએઇ, સ્કૉટલૅન્ડ અને આયરલૅન્ડ વચ્ચેના મુકાબલા પરથી નક્કી થશે.
17મી ઑક્ટોબરે પ્રથમ સેમિ ફાઇનલ અને 18મી ઑક્ટોબરે બીજી સેમિ ફાઇનલ રમાશે. ફાઇનલ 20મી ઑક્ટોબરે ઢાકામાં યોજાશે.
બાંગલાદેશમાં બીજી વાર વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ યોજી રહ્યું છે. ગયા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ઑસ્ટ્રેલિયાએ ટ્રોફી જીતી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button