તો હવે અયોધ્યા રામ મંદિરની સાથે સાથે અયોધ્યાની આ મુગલ વિરાસતનો પણ થશે જીણોધ્ધાર…
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ જોર શોરથી ચાલી રહ્યું છે. ત્યારે હવે રાજ્યની યોગી સરકાર નવાબોના શાસન દરમિયાન બનેલી આ ઈમારતોને પણ નવજીવન આપશે. તેના દ્વારા સ્થાનિક વિસ્તારના પ્રવાસન, સંસ્કૃતિ અને આર્થિક કાયાકલ્પને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. શરૂઆતના તબક્કામાં અયોધ્યામાં નવાબી કાળના અફીણ કોઠીનો જીણેધ્ધાર કરવામાં આવશે. ત્યારબાદ નવાબ શુજા-ઉદ-દૌલા દ્વારા 1765માં ફૈઝાબાદના ચોક ઘંટાઘરની આસપાસ બાંધવામાં આવેલા દરવાજાઓ પર પણ કામગીરી કરવામાં આવશે, જે નવાબી કાળમાં આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. આ ઐતિહાસિક વિરાસતને ધ્યાનમાં રાખીને રાજ્યની યોગી સરકારે આ ચાર દરવાજાઓના જીણોધ્ધાર માટે લગભગ 12 કરોડ રૂપિયાની રકમ પણ મંજૂર કરી છે.
નવાબી શાસન દરમિયાન રાજધાની ફૈઝાબાદમાં શાસકોએ આર્થિક પ્રવૃત્તિઓ માટે મુઘલ સ્થાપત્યના આધારે ચોક ઘંટાઘર વિસ્તારનું નિર્માણ કરાવ્યું હતું અને હવે તેમની સુરક્ષા અને ભવ્યતાને ધ્યાનમાં રાખીને દરવાજાઓને નવો ઓપ આપવા માટે કામગીરી શરૂ કરવામાં આવશે અને તેને એજ મુગલ પધ્ધતિથી શણગારવામાં આવશે. ફૈઝાબાદના ચોક ઘંટા ઘરથી ગુદરી બજાર તરફ જતા રસ્તા પર આવેલ દરવાજો એકદરા કહેવાય છે, જ્યારે ફતેગંજ બજાર તરફ જતા રસ્તા પર આવેલ દરવાજો દોદરા કહેવાય છે અને આ સિવાય કોતવાલી ગુલાબ બારી તરફ જતા રસ્તા પર આવેલ દરવાજો તીનદરા નામથી ઓળખાય છે. તેમજ ચોથો દરવાજો ચોદરા નામથી ઓળખાય છે.
ચારેય દરવાજાના જીણોધ્ધારની જવાબદારી યુપી પ્રોજેક્ટ કોર્પોરેશનને આપવામાં આવી છે. રામ મંદિરમાં ભગવાન રામના પ્રણોત્સવ પહેલા આ તમામ દરવાજાઓની કાયાપલટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ નીતીશ કુમારના જણાવ્યા અનુસાર નવાબોના જમાનામાં આ ગેટ બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો શક્ય ત્યાં સુધી તે જ સામગ્રીનો ઉપયોગ કરીને આ દરવાજાઓનો જીણોધ્ધાર કરવામાં આવશે.