નેશનલ

Mob lynching: શ્રી ગુરુ ગ્રંથ સાહિબના કથિત અપમાન બદલ માનસિક રીતે બીમાર યુવકની હત્યા


ફિરોઝપુર: પંજાબના ફિરોઝપુર જીલ્લા(Firozpur District)નાં એક ગામમાં મોબ લીન્ચિંગ(Mob Lynching)ની એક ચોંકાવનારી ઘટના બની હતી. બંડાલા ગામના ગુરુદ્વારામાં શીખ ધર્મના શ્રી ગુરુ ગ્રંથ સાહિબ(Guru granth sahib)નું કથિત રીતે અપમાન કરવા બદલ એક યુવકને ટોળાએ ઢોર માર માર્યો હતો. પોલીસ યુવકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ટોળા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

મૃતક યુવક બક્ષીશ સિંહની ઉંમર 19 વર્ષ હતી. તલ્લી ગુલામ ગામના રહેવાસી બક્ષીશ સિંહ ઉર્ફે ગોલાએ બંડાલા ગામમાં સ્થિત ગુરુદ્વારામાં પ્રવેશ્યો હતો ત્યાર કથિત રીતે શીખોના પવિત્ર પુસ્તક ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કર્યું હતું. બક્ષીશ સિંહે કથિત રીતે ગુરુ ગ્રંથ સાહિબના પાના ફાડી નાખ્યા હતા. ત્યાર બાદ યુવકે ગ્રંથ સાહેબનું અપમાન કર્યા બાદ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો.

ઘટનાના સમાચાર ફેલાતાં જ ગ્રામજનો ગુરુદ્વારા પાસે એકઠા થઈ ગયા અને તેની મારપીટ કરી. ટોળાએ તેના પર તલવારો વડે હુમલો કર્યો હતો, તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં બક્ષિશ સિંહને કેટલાક લોકોએ ઘેરી લીધો હોય એ દેખાય છે, ઉસ્કેરાયેલા ટોળાએ તેની સાથે મારપીટ કરી હતી. પોલીસનું કહેવું છે કે બક્ષીશ સિંહ માનસિક રીતે બીમાર હતો અને તેની સારવાર ચાલી રહી હતી.

ચોંકાવનારી વાત એ છે કે પોલીસે યુવક વિરુદ્ધ ગ્રંથ સાહેબનું અપમાન કરવાના આરોપમાં FIR નોંધી હતી. શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સત્કાર સમિતિના અધ્યક્ષ લખબીર સિંહની ફરિયાદ પર આ FIR નોંધવામાં આવી છે. લખવીર સિંહે જણાવ્યું હતું કે યુવકને માર માર્યા બાદ અમે તેને જીવતો પોલીસને સોંપી દીધો હતો. પછીથી તેની સાથે શું થયું તે અમને ખબર નથી.

મૃતકના પિતાએ માંગ કરી છે કે તેમના દીકરાની હત્યા કરનારાઓ સામે કેસ નોંધવામાં આવે અને સખત કાર્યવાહી કરવામાં આવે.

પોલીસે શરૂઆતમાં, ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ ટોળાના અજાણ્યા શખ્સો સામે કેસ દાખલ કર્યો હતો. બાદમાં હત્યાની એફઆઈઆરમાં ફેરવાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button