અમેઠીથી ટિકિટ ના મળી તો નિરાશ થઈ ગયા રોબર્ટ વાડ્રા, ફેસબુક પર લખ્યું કે…
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે એવી ચર્ચા હતી કે રોબર્ટ વાડ્રા પણ આ વખતે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસે તેમની પરંપરાગત રાયબરેલી અને અમેઠી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં પણ નોંધપાત્ર વિલંબ કર્યો હતો. હવે રાહુલ ગાંધીને રાયબરેલી સીટ અને કોંગ્રેસના નજીકના ગણાતા કિશોરીલાલ શર્માને અમેઠી સીટ પર ટિકિટ આપવામાં આવી છે. અમેઠીનો નિર્ણય રાજકીય પંડિતો માટે પણ ચોકાવનારો છે. આ દરમિયાન રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર એક ઇમોશનલ પોસ્ટ કરી છે.
ફેસબુક પર એક પોસ્ટમાં રોબર્ટ વાડ્રાએ લખ્યું છે કે અમારા પરિવાર વચ્ચે કોઈ રાજકીય સત્તા કે પદ આવી શકશે નહીં .અમે બધા આપણા મહાન રાષ્ટ્રના લોકો અને લોકોના ભલા માટે હંમેશા કામ કરીશું અને કરતા રહીશું. તમારા સમર્થન અને શુભેચ્છાઓ માટે દરેકનો આભાર. હું હંમેશા મારી જાહેર સેવા દ્વારા શક્ય તેટલા લોકોને મદદ કરતો રહીશ.
નોંધનીય છે કે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ સક્રિય રાજકારણમાં આવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. એવી અટકળો પણ હતી કે તેમને અમેઠીથી ટિકિટ આપવામાં આવી શકે છે. તેમણે પણ આમેઠીથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, કિશોરીલાલ શર્માને અમેઠી સીટ પર ટિકિટ આપવાના કોંગ્રેસના નિર્ણયે સૌને ચોંકાવી દીધા હતા.
રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે તેઓ જનતાની વચ્ચે રહે છે અને તેથી રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. દરમિયાન અમેઠી અને રાયબરેલીના ઉમેદવારોની જાહેરાત પછી ભાજપે કોંગ્રેસને ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે વાડ્રા પરિવારને સાઈડલાઈન કરી દેવામાં આવ્યો છે.