ઉત્સવ

આદિ શંકરાચાર્ય જયંતીએ આદિ શંકરાચાર્ય હિંદુ ધર્મ અને સાંસ્કૃતિક એકતાના પુન: સ્થાપક

*શંકરાચાર્ય એક બ્રહ્મચારી, તપસ્વી અને વિદ્વાન અને યોગી હતા. તેમનો જન્મ સનાતન વૈદિક ધર્મની પુન:સ્થાપના માટે થયો હતો.
*ભારતીય જ્ઞાન પરંપરામાં ગર્ભ સંસ્કારથી લઈને નાની વયે જ્ઞાન, અધ્યાત્મ, વીરતા, તપ અને ધૈર્યની એક લાંબી પરંપરા આજદિન સુધી ચાલુ રહી છે

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

૬ સદી પછીના સમયમાં વૈદિક ધર્મ લુપ્ત થવાના આરે હતો ત્યારે કુમારિલ ભટ્ટ અને મંડન મિશ્રા જેવા મહાન વ્યક્તિઓએ વિવિધ સ્થળોએ વાદવિવાદ કરીને વૈદિક ધર્મનો પ્રચાર કર્યો, પરંતુ ભારતને નાસ્તિકતાના ભયાનક ખાડામાંથી બહાર લાવવા માટે કેટલાક વિશેષ દૈવી વ્યક્તિત્વની જરૂર હતી. તેમાંના એક ભગવાન શંકરાચાર્ય હતા.

જો તે સમયે શંકરાચાર્ય ન હોત તો હિંદુ ધર્મ અદૃશ્ય થઈ ગયો હોત. જગતમાંથી સાચા શાશ્વત વૈદિક ધર્મનું નામ ભુંસાઈ ચુક્યું હોત. જે રાષ્ટ્રને પોતાના વૈદિકવાદ પર ગર્વ છે તે આજે નાસ્તિકવાદની ઊંડી ખાઈમાં પડી ગયું હોત! તે સ્વામી શંકરાચાર્ય હતા જેમણે તેમની તપસ્યા, તેજ, જ્ઞાન અને બુદ્ધિમત્તાથી વૈદિક ધર્મનું રક્ષણ કર્યું હતું. વૈદિક ધર્મના ઉદ્ધારક સ્વામી શંકરાચાર્યનું મહત્ત્વપૂર્ણ જીવન અને વૈદિક ધર્મના પ્રચાર માટે તેમની પ્રવૃત્તિઓની આ લેખના માધ્યમથી સમજીશું.

પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરામાં ગર્ભ સંસ્કારથી લઈને નાની વયે જ્ઞાન, અધ્યાત્મ, વીરતા, તપ અને ધૈર્યની એક લાંબી પરંપરા રહી છે. ભક્ત પ્રહ્લાદ, નચિકેતા, અભિમન્યુ કે અન્ય આ પરંપરાઓને આગળ ધપાવે છે. આદિ શંકરાચાર્ય જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું. ગુરુના આશ્રમમાં તેમણે ૮ વર્ષની ઉંમરમાં વેદોનું જ્ઞાન થયું. આધુનિક સમયમાં શ્રીમદ્દ રાજચંદ્ર, સ્વામી વિવેકાનંદ અને જગદગુરુ રામભદ્રાચાર્ય જેમણે માત્ર બે મહિનાની ઉંમરે પોતાની આંખોનો પ્રકાશ ગુમાવી (અંધાપો) પરંતુ આ અંધાપો તેમના જ્ઞાનના પ્રકાશને ન રોકી શક્યો. તેમણે માત્ર ૫ વર્ષની ઉમરે શ્રીમદ્દ ભગવદ્ગીતા કંઠસ્થ કરી લીધી હતી. ઝાંસીની ગૌરાંગી ભારદ્વાજે માત્ર ૭ વર્ષની ઉંમરે પ્રથમ વખત ૭ દિવસ સુધી ભાગવત કથા કરી. ભારતની આ પરંપરા આજે પણ શરૂ છે. જે આવનારી પેઢીઓ માટે તે આદર્શ પણ છે. એક માન્યતા પ્રમાણે તેમનો જન્મદિવસ પાંચ એપ્રિલે છે.

જયાનન્દ દવે પોતાના સંપાદકીય પુસ્તક આદ્ય શંકરાચાર્ય – વિરચિત ‘વિવેકચુડામણી’માં લખે છે કે, ભારતવર્ષના છેક દક્ષિણ છેડે, વન-વગડા વીંધતા, અનેક નદીઓ અને મોટા પર્વતો ઓળંગતા અને આ બધાં જંગલોમાંનાં હિંસક જાનવરોની પરવા કર્યા વિના મધ્યપ્રદેશમાં નર્મદા-તટે આવોને ‘ગોવિંદ’-વનમાં શ્રીગોવિંદપાદચાર્યની ગુફાના દ્વારે પહોંચીને ઊભા રહ્યા અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા તેમણે આચાર્યશ્રીને પ્રાર્થના કરી. ગોવિંદાચાર્યએ પૂછ્યું કે તમે છો કોણ? તમારો પરિચય તો આપો! શંકરાચાર્યે આત્મપરિચય આ પ્રમાણે આપ્યો :
नाहं मनुष्यो न च देवयक्षो ब्राह्मणः क्षत्रियवैश्यशूद्राः ।
न ब्रह्मचारी न गृही वनस्थो भिक्षुर्न निजबोधरुपः॥

“હું મનુષ્ય, દેવ કે યક્ષ નથી; તેમ જ હું બાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્રમાંથીયે કોઈ નથી; વળી, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસીમાંથી પણ હું કોઈ નથી: હું તો કેવળ જ્ઞાનસ્વરૂપ આત્મા છું!

વાણીની નિશ્ર્ચયાત્મકતા, અર્થની ગંભીરતા અને ઉત્તર તથા ઓળખાણની અદ્ભુત-અભૂતપૂર્વ અસામાન્યતા! ગોવિંદાચાર્ય તો સાનંદ આશ્ર્ચર્યચકિત થઈ ગયા. આવું નમ્ર છતાં નિશ્ર્ચલ નિવેદન કરનાર, બીજું કોઈ નહીં, પરંતુ બુદ્ધ અને મહાવીર પછી છેલ્લાં અઢી હજાર વર્ષોમાં જેમની કક્ષાનો કોઈ તત્ત્વજ્ઞાની અને મહાપુરુષ ભારતમાં પાક્યો નથી તેવા યુગપુરુષ આદ્ય શ્રીશંકરાચાર્ય !

આવું અદ્ભુત, અલૌકિક અને અનન્ય-સાધારણ વ્યક્તિત્વ છે, આઘ શ્રીશંકરાચાર્યનું! પરંતુ માત્ર વ્યક્તિત્વ જ નહીં, એમનું તો આખુંયે જીવન સર્વ પ્રકારની સામાન્યતાઓથી પર અને લોકોત્તર છે. એમનાં જન્મ, જન્મસ્થળ, આયુષ્યની અવધિ, ગ્રંથો અને બ્રહ્મલીન થવાનાં સ્થળ વિશે વિદ્વાનો, ચરિત્ર-લેખકો અને ઇતિહાસકારોમાં અનેક-વિવિધ મતમતાંતરો હોવા છતાં લગભગ ચમત્કાર-સમકક્ષ એવી એમની જીવન-કારકિર્દીની લોકોત્તરતા વિશે પંડિતો, પરામર્શકો અને સામાન્ય જનસમાજ મહદંશે એકમત છે.

મહામાનવનો જન્મ ક્યારે થયો, એ વિશે વિદ્વાનો અને વિવેચકોમાં એવો ઉગ્ર મતભેદ પ્રવર્તે છે કે ઈ. સ. પૂર્વે છઠ્ઠા શતકથી ઈ. સ.નાં નવમા શતક સુધીનાં લગભગ દોઢ હજાર વર્ષોમાં એમના જન્મ વિશે અનેક ભિન્ન ભિન્ન મતો, સિદ્ધાંતો, અભિપ્રાયો, તર્કો અને વાદો હજુ આજે પણ પ્રચલિત છે. ખાસ તો આચાર્યશ્રીએ ભારતમાં સ્થાપેલા ચાર સુપ્રસિદ્ધ મઠો પર આજ સુધી અધ્યક્ષસ્થાને રહેલા અધ્યક્ષોની સંખ્યા અને તેમનાં સરેરાશ આયુષ્યની સ્થૂલ ગણતરીના આધારે પ્રાચીન મતને અનુસરનારા પાઠશાળા-પદ્ધતિના આચાર્યો અને અધ્યાપકો શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં દક્ષિણ ભારતના નમ્બૂદરી બ્રાહ્મણ કુળમાં ઈ. સ. પૂર્વે ૫૦૯માં થયો હતો. જ્યારે પાશ્ર્ચાત્ય પદ્ધતિ પ્રમાણે યુનિવર્સિટી-શિક્ષણ પામેલા આધુનિક બહુસંખ્યક વિદ્વાનો ઈ. સ. ૭૮૮થી ૮૨૦ સુધીના ૩૨ વર્ષના સમય-ગાળાને શંકરાચાર્યનાં આયુષ્ય તરીકે માન્ય રાખે છે. આમ ૩૨મા વર્ષની ઉંમરે કેદારનાથ ખાતે સમાધિ લીધી.

વળી, એક મત પ્રમાણે એમના જન્માક્ષર અને જન્મસમયની ગૃહ-પરિસ્થિતિના આધારે તત્કાલીન જયોતિષીઓએ તેમનું આયુષ્ય માત્ર આઠ જ વર્ષનું હોવાનું જણાવ્યું હતું; પરંતુ આચાર્યશ્રીનાં માતાએ પુત્રને સંન્યાસી બનવાની સંમતિ આપી તેથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે એ આયુષ્ય બમણું એટલે કે ૧૯ વર્ષનું કરી આપ્યું હતું અને એમના ચરિત્રકારોએ નોંધ્યું છે તે પ્રમાણે આ આયુષ્યની અવિધ પૂરી થવામાં હતી ત્યારે “બ્રહ્મસૂત્રના સૂત્રકાર શ્રીબાદરાયણ વ્યાસને આચાર્યશ્રીએ આ ગ્રંથ પરનાં પોતાનાં ભાષ્ય વડે દેસન્ન કર્યા તેથી વ્યાસે એમનું આયુષ્ય ૧૯થી વધારીને ૩૨નું એટલે કે મૂળથી બમણું કર્યું હતું. આ સમગ્ર જીવન યાત્રામાં દર્શન, સિદ્ધાંતો, મઠ, અનેક શિષ્યો અને ગ્રંથોનું સર્જન કર્યું છે. જેના વિશે ચર્ચા કરીએ.

શંકરાચાર્યના ચાર મુખ્ય શિષ્યો : તેમના ચાર પ્રમુખ શિષ્યો. તેમના પ્રથમ અને પરમપ્રિય શિષ્ય સદાનંદ. જેઓ ગુરુજ્ઞાનમાં આકંઠ ડૂબેલા રહેતા હતા. સદાનંદને ગુરુ ઉપર અતૂટ વિશ્ર્વાસ. સદાનંદે અલકનંદા પાર કરેલી તે સમયે તેમના પગ નીચે ફૂટેલા પદ્મ (કમળ)થી પ્રભાવિત થઈને શંકરાચાર્યે તેમનું નામ સ્વામી પદ્મપાદચાર્ય રાખ્યું, જેઓ જગન્નાથપુરીના ગોવર્ધન મઠના પહેલા શંકરાચાર્ય બન્યા.

તેમના દ્વિતીય શિષ્ય મંડનમિશ્ર ઉત્તર ભારતના પ્રકાંડ વિદ્વાન હતા, જેમને શાસ્ત્રાર્થમાં શંકરાચાર્યે પરાજિત કર્યા હતા. મંડનમિશ્રના પત્ની ઉભયભારતી સાથે આદિ શંકરાચાર્યનો શાસ્ત્રાર્થ જગપ્રસિદ્ધ છે. અહીં એ સિદ્ધ થાય છે કે અધ્યયન અને મનન જ નહીં પણ અનુભવ પણ અનિવાર્ય છે. અનુભવથી જ સાચું જ્ઞાન થાય છે. મંડનમિશ્રને તેમણે સુરેશ્ર્વરાચાર્ય નામ આપ્યું અને દક્ષિણ ભારતમાં સ્થિત શૃંગેરી મઠના પહેલા આચાર્ય બનાવ્યા.

તૃતીય શિષ્ય પૃથ્વીધર જડ અને મૂંગો હતો. પરેશાન માતા-પિતા પૃથ્વીધરને આદિ શંકરાચાર્ય પાસે લઈ ગયા અને બાળકને સ્વસ્થ કરવાની પ્રાર્થના કરી. શંકરાચાર્યે થોડું વિચારીને બાળકને સંસ્કૃતમાં સવાલ પૂછ્યા અને સંસ્કૃતમાં બેજોડ જવાબ આપ્યા. ગુરુએ પહેલી નજરમાં જડ જેવા દેખાતા બાળકમાં વિદ્વતા પારખી લીધી હતી. તેમણે બાળકને શિષ્ય બનાવતા નામ આપ્યું હસ્તામલક. તેઓને ભારતના પશ્ર્ચિમ સ્થિત શારદાપીઠ-દ્વારકાના આચાર્ય બન્યા.

ગિરિ નામનો એક ચતુર્થ શિષ્ય જે ખાસ ભણેલો ન હતો. પણ આજ્ઞાકારિતા, કર્મઠતા, સત્યવાદિતા તથા અલ્પભાષણમાં તેનો કોઈ મુકાબલો ન હતો. જ્યોતિર્મઠ જે ઉત્તર ભારત જે બદ્રીનાથ સાથે જોડાયેલું છે. તેઓ જ્યોતિર્મઠ આચાર્ય બન્યા.

દેશમાં સાસ્કૃતિક એકતા:- ભારતની ભાવાત્મક એકતા અને પોતે પ્રબોધેલાં ધાર્મિક-સાંસ્કૃતિક મૂલ્યો જળવાઈ રહે એવા શુભ ઉદ્દેશથી પ્રેરાઈને શંકરાચાર્યે ભારતની ચારેય દિશામાં પ્રખ્યાત તીર્થસ્થાનોમાં સ્થાપેલા ચાર મઠ – એ એમની અદ્યાપિ-પર્યંત એ જ પરંપરામાં સુરક્ષિત એક અવિસ્મરણીય મહાસિદ્ધિ છે. તેમણે ઉત્તર ભારતના હિમાલયમાં સ્થિત બદ્રીનાથ ધામમાં દક્ષિણ ભારતના બ્રાહ્મણ પૂજારી અને દક્ષિણ ભારતના મંદિરમાં ઉત્તર ભારતના પૂજારી, પૂર્વી ભારતના મંદિરમાં પશ્ર્ચિમના પૂજારી અને પશ્ર્ચિમ ભારતના મંદિરમાં પૂર્વ ભારતના પૂજારીને રાખવામાં આવ્યા હતા. જેથી ભારત ચારેય દિશામાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રૂપથી મજબૂત થાય અને એકતા જળવાયેલી રહે.

ચારેય શિષ્યો જુદા જુદા વેદોના અનુયાયીઓ અને વેદ-અનુસાર દિશાઓમાંની પીઠના સૌપ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા જે આ પ્રમાણે છે.

૦૪ વેદ – ૦૪ મઠ :- ‘શંકર-દિગ્વિજય’માં આલેખિત અને વિવેકચુડામણી અનુસાર જે પ્રકારે બ્રહ્માના ચાર મુખ છે અને તેમના દરેક મુખમાંથી એક વેદની ઉત્પત્તિ થાય છે. પૂર્વના મુખથી ઋગ્વેદ, દક્ષિણથી યર્જુર્વેદ, પશ્ર્ચિમથી સામવેદ અને ઉત્તરથી અથર્વવેદની ઉત્પત્તિ થઇ છે. આ આધારે શંકરાચાર્યે ૦૪ વેદો અને તેમાંથી ઉત્પન્ન થતાં અન્ય શાસ્ત્રોને સુરક્ષિત રાખવા માટે ૦૪ મઠ અને પીઠની સ્થાપના કરી. ઋગ્વેદથી ગોવર્ધન પુરી મઠ એટલે પૂર્વ ભારતમાં જગન્નાથ પુરી, યજુર્વેદથી શૃંગેરી જે દક્ષિણ ભારતમાં રામેશ્ર્વરના નામથી ઓળખાય છે. સામવેદથી શારદા મઠ જે પશ્ર્ચિમ ભારત દ્વારકામાં છે અને અથર્વવેદથી જ્યોતિર્મઠ જે ઉત્તર ભારત જે બદ્રીનાથ સાથે જોડાયેલું છે. ચાર મઠ બાદ આદિ ગુરુ શંકરાચાર્યે સમાધિ લઇ લીધી હોવાનું મનાય છે.

દેશ અને ધર્મની રક્ષા:- આદિ શંકરાચાર્યે દશનામી સંન્યાસી અખાડાને દેશ અને ધર્મની રક્ષા માટે વહેંચ્યાં. આ અખાડાના સંન્યાસીઓના નામ પાછળના શબ્દ જ તેમની ઓળખ છે. તેમના નામ પાછળ વન, અરણ્ય, પુરી, ભારતી, સરસ્વતી, ગિરિ, પર્વત, તીર્થ, સાગર અને આશ્રમ જેવા શબ્દો લાગે છે. આદિ શંકરાચાર્યે તેમના નામ પ્રમાણે જ વિવિધ જવાબદારીઓ આપી. તેમાં વન અને અરણ્ય નામના સંન્યાસીઓએ નાના-મોટા જંગલમાં રહીને ધર્મ અને પ્રકૃતિની રક્ષા કરવી પડે છે. આ જગ્યાએથી કોઇ અધર્મી દેશમાં આવી શકે નહીં, તેનું ધ્યાન રાખવાનું હોય છે. પુરી, તીર્થ અને આશ્રમ નામના સંન્યાસીઓએ તીર્થ અને પ્રાચીન મઠની રક્ષા કરવાની હોય છે. ભારતી અને સરસ્વતી નામના સંન્યાસીઓનું કામ દેશના ઇતિહાસ, આધ્યાત્મ, ધર્મ ગ્રંથોની રક્ષા અને દેશમાં ઉચ્ચ સ્તરની શિક્ષાની વ્યવસ્થા કરવાની હોય છે. ગિરિ અને પર્વત નામના સંન્યાસીઓને પહાડ, ત્યાંના નિવાસી, ઔષધિ અને પ્રાકૃતિક સંસાધનોની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યાં છે. સાગર નામના સંન્યાસીઓને સમુદ્રની રક્ષા માટે તૈયાર કરવામાં આવ્યાં છે.

અનુવાદક બલદેવ ઉપાધ્યાય ‘શ્રી શંકરદિગ્વિજય (માધવાચાર્ય વિરચિત)’ પુસ્તકમાં જણાવ્યા અનુસાર શંકરાચાર્ય રચિત ગ્રંથો કે એમની કૃતિઓને આટલા વિભાગોમાં વહેંચી શકાય : (૧) ભાષ્યો, (૨) પ્રકરણ-ગ્રંથો, (૩) તંત્ર-ગ્રંથો અને (૪) સ્તોત્રો છે જે નીચે મુજબ છે.

(૧) ભાષ્યો : અહીં પણ (અ) પ્રસ્થાનત્રયી-ગ્રંથો પરનાં ભાષ્યો અને (બ) ઈતર ગ્રંથો પરનાં ભાષ્યો, – એમ બે પેટા વિભાગો પાડી શકાય. (અ) પ્રસ્થાનત્રયી પરનાં ભાષ્યોમાં (૧) બ્રહ્મસૂત્ર પરનું ભાષ્ય (૨) ૧૧ કે ૧૨ ઉપનિષદો પરનાં ભાષ્યો, ઈશાવાસ્ય, કેન, કઠ, પ્રશ્ર્ન, મુંડક, માંડૂકાર, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, મૃદ્ધાદારણ્યક, શ્ર્વેતાશ્ર્વતર, નૃસિંહતાપિની, કૌષીતક વગેરે ઉપનિષદો પરનાં ભાષ્યો. (૩) શ્રીમદ ભગવદ્ ગીતા પરનું ભાષ્ય. (બ) ઈતર ભાષ્યોમાં વિષ્ણુસહસ્રનામ, સનત્સુજાતીય, લલિતાત્રિશતી (દેવી લલિતાનાં ૩૦૦ નામો), મૈત્રાયણીય-ઉપનિષદ, કૈવલ્ય-ઉપનિષદ, મહાનારાયણીય-ઉપનિષદ, અમરુશતક, ઉત્તર- ગીતા, શિવગીતા વગેરે.

(૨) પ્રકરણ-ગ્રંથો: અદ્વૈતપંચક, અદ્વૈતાનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, આત્મબોધ, ઉપદેશપંચક, ઉપદેશ- સાહસી, તત્ત્વબોધ, નિર્વાણમંજરી, મણિરત્નમાલા, વિવેકચૂડામણિ, સ્વાત્મનિરૂપણ, શતશ્ર્લોકી, સર્વવેદાન્ત-સિદ્ધાંત-સાર-સંગ્રહ, મનીષાપંચક, – વગેરે ૩૪ ગ્રંથો.

(૩) તંત્ર-ગ્રંથોમાં સૌદર્યલહરી, પ્રપંચસાર. (૪) સ્તોત્રોમાં પણ ત્રણથી ચાર વિભાગો છે. (અ) વેદાન્ત-સ્તોત્રો, (બ) ગણેશ-શિવ-વિષ્ણુ-સૂર્ય, રામ, હનુમાન, ભવાની, કૃષ્ણ, ગોવિંદ, જગન્નાથ વગેરે ભક્તિ-સ્તોત્રો, (ક) ગંગા, નર્મદા, યમુના વગેરે નદી-સ્તોત્રો અને પરચૂરણ-સ્તોત્રો. આમ, શંકરાચાર્યની અને એમનાં નામે ચઢેલી કૃતિઓની સંખ્યા ૨૦૦થી વધારે છે.

સંસ્કૃતમાં ‘શંકર-વિજય’ અને ‘શંકર-દિગ્વિજય’ નામના દસ મહાન ગ્રંથો છે. આ તમામ પુસ્તકો ઘણા વિદ્વાનો દ્વારા લખવામાં આવ્યા છે, પરંતુ આમાંના ઘણા ઉપલબ્ધ નથી. આ પૈકી સ્વામી શંકરાચાર્યના મુખ્ય અનુયાયી વિદ્યારણ્ય સ્વામી દ્વારા લખાયેલ ‘શંકર-દિગ્વિજય’ અધિકૃત છે.

 બારથી બત્રીસ સુધી એ વીસ વર્ષ દરમિયાન તેમણે આખા દેશમાં અનેક વાર ભ્રમણ કર્યું.  ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ર્ચિમ, કેરળથી લઈને બદ્રીનાથ અને ત્યાંથી પાછા તેઓએ બધી જ દિશામાં ભ્રમણ કર્યું. તેઓ ખૂબ જ ઝડપથી ચાલનારા રહ્યા હશે કારણ કે, આટલા ટૂંકા આયુષ્યમાં તેમણે આટલું ભ્રમણ કર્યું અને તેની વચ્ચે તેમણે હજારો પૃષ્ઠોનું સાહિત્યનું સર્જન કર્યું. 

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button