માર્કેટિંગની ઓપન યુનિવર્સિટીઓ લોકલ દુકાનદારોથી ફેરિયાઓ સુધી
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
ઘણીવાર અમુક વાતો આપણી આસપાસ વર્ષોથી થતી હોય છે ,પણ આપણે તેના તરફ ધ્યાન નથી આપતા તેનું એકમેવ કારણ, કદાચ તે વાતો આપણા જીવનને લાગતી વળગતી નથી હોતી. જો કે, ક્યારેક એવી વાત પણ થાય કે આપણે તેની સાથે કનેક્ટ થઈએ પછી વિચારીયે : અરે, આ તો મારી સામે હતું અને મેં ક્યારેય તેના પર ધ્યાન જ ના આપ્યું.!
મારી સાથે હમણાં તેજ થયું. ગયા અઠવાડિયે મારી પત્નીએ કહ્યું: ‘અર્જન્ટ આ વસ્તુ
જોશે,’ મેં કહ્યું ઘરની નીચેની દુકાન આટલી સવારે બંધ હશે. એ કહે: તે સ્ટોર વહેલો ખોલે છે. હું ગયો અને જાણ્યું કે, બાજુ બાજુમાં બે જનરલ સ્ટોર છે , જેમાંથી એક વહેલો ખોલે છે અને બીજો મોડો. ઘણા વખતથી આવું હતું,
પણ મેં તે વાતને નજરઅંદાજ કરી હશે ને જેવી જરૂરિયાત આવી અને આ વાતનો ખ્યાલ આવ્યો. કહેવાનું તાત્પર્ય વેપારમાં અને ખાસ માર્કેટિંગમાં તમને તક શોધતા આવડવી જોઈએ. આ વાત આપણને ખબર છે પણ જયારે મેં આ દુકાનવાળાને સવારમાં ખોલતો જોયો તો સમજાઈ ગયું કે આ તેનો માસ્ટર સ્ટ્રોક છે. સવારમાં એની બાજુની દુકાન અર્થાત એનો પ્રતિસ્પર્ધી દુકાન ખોલે તે પહેલાં બને તેટલો
માલ વેચો. માનશો નહિ , પણ મેં ત્યાં થોડો સમય વિતાવ્યો અને સમજી ગયો કે તે દિવસનો ૨૫% વકરો તો આ સમયમાં કરે છે. વેપાર થાય છે તે એક વાત છે પણ સૌથી મોટી વાત તે કે ગ્રાહકોને ખબર છે કે તે સમયે
જો કાંઈ ખરીદવું હશે તો આની પાસે જાવ.
આ જોયાં -જાણ્યાં પછી મારું એન્ટિના કામે લાગી ગયું. દુકાનદારો, ફેરિયાઓ અને આખરે વોટ્સએપ પર અમુક વાતો જોઈ હતી તે યાદ આવી ગઈ અને મેં તેને માર્કેટિંગ સાથે સરખાવી.
સૌપ્રથમ માર્કેટિંગના બે મોટા પાસા, જેને અંગ્રેજીમાં ફાઈન્ડિંગ ‘ધી ગેપ’ અને કસ્ટમર એક્વિઝિશન’ કહીયે છીએ તે બંને વાત ખઇઅ ના વર્ગમાં ગયા વગર આ દુકાનદારે અપનાવી. એણે જોયું કે બાજુની દુકાનવાળો મોડો આવે છે અને તે સૌથી મોટી તક છે , જે એણે સમજી લઈને સવારે દુકાન વહેલી શરૂ કરી. આના થકી એને નવા ઘરાકો મળ્યા.
બીજી વાત તમે જોઈ હશે તો, જેમ આ દુકાનવાળા બાજુ બાજુમાં હતા તેમ માર્કેટમાં બે શાકવાળા કે ફળવાળા કે રસ્તા પર કપડાં , ચપ્પલ વગેરે વેચવાવાળા બાજુ બાજુમાં બેઠા હોય છે. એ એકબીજાના પ્રતિસ્પર્ધી છે , પણ ક્યારેય એ તેનાથી ડરી ગયા કે નારાજગી વ્યક્ત કરી કે એમને ગાળો આપી હોય એવું જોવા નહિ મળે. બંને કદાચ નવરાશના સમયમાં સાથે ચા પણ પીતી હશે. કદાચ આવી આકરી સ્પર્ઘા તો કોર્પોરેટમાં નહિ જોવા મળતી હોય અને નહિ કે એ સાથે બેસી ચા પીતા હશે. અહીં સ્પર્ધાને પણ સકારાત્મકતાથી લઇ વેપાર કરવો એવું આપણને સમજાવે છે.
આપણે વોટ્સએપ પર એક વીડિઓ જોયો હશે, જેમાં ટ્રેનમાં એક માણસ કવિતાઓ સંભળાવી,
મજાની વાતો કરી માલ વેચે છે. તમારા ગ્રાહક સાથે તમે કઈ રીતે સંપર્ક સાધો છો તે મહત્ત્વનું છે. તમારી નજીકના દુકાનદારો તમારી સાથે વ્યક્તિગત વાતો કરશે, ઘરના અને તમારા હાલચાલ પૂછશે. આના થકી
એ ખરા અર્થમાં માર્કેટિંગનો કસ્ટમર રિનશિપનો પાઠ શીખવે છે.
બીજો એક મેસેજ આવ્યો હતો જે રમૂજ માટે મોકલ્યો હતો કે કોવિડ સમયે જે ભાઈ ‘રેમેડિસવીર’ દવા આપતા હતા તેના મોબાઈલ પરથી મેસેજ આવ્યો છે રત્નાગીરી હાફુસ ખરીદવાનો! આ માર્કેટિંગનો મહત્વનો
પાઠ છે. ગ્રાહકની જરૂરિયાત સમજી માલ બનાવો -વેંચો. હાલમાં આફૂસ જોઈએ છે તો તેની વાત ઘરાકો સાથે કરો. મારું કહેવાનું તાત્પર્ય તે નથી કે સબ બંદરના વેપારીઓ બનો, પણ ગ્રાહકની જરૂરિયાત સમજી માલ બનાવો- રાખો. આ માર્કેટિંગની આવી વાત આપણે જાણવી રહી.
આપણે ઘણીવાર ઘણી દુકાનો પર એમનાં સાઈન બોર્ડ પર ત્યાં શું મળે છે તે જોતાં હશું અને કદાચ એની જોડણી કે વ્યાકરણ ખોટા પણ હશે, છતાં આપણને સમજાશે કે એ શું વેચે છે એની માહિતી એની દુકાનના બોર્ડ દ્વારા આપી દે છે. ખરીદનાર સમજી જાય છે કે એને જે જોઈએ છે તે અહીં મળી જશે.
બીજા શબ્દોમાં કહીએ તો માર્કેટિંગમાં તમારું કોમ્યુનિકેશન કિલયર રાખો. ખોટા વ્યાકરણ કે જોડણી કે શબ્દ રચના ખોટા હશે તો ચાલશે તે કહેવાનું તાત્પર્ય એ નથી, પણ આ વેપારીને ખબર છે કે પોતે શું વેચે છે અને ઘરાકને કઇ રીતે તે જણાવવું છે. ટૂંકમાં, એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ મેસેજ સરળ રાખો , જેથી લોકો સમજી શકે.
બીજી વાત : વાર્તાઓ આપણને આકર્ષે છે. બ્રાન્ડ પોતાની વાર્તા તૈયાર કરે છે. તમે જયારે અમુક આવા વેપારીઓને જોશો તો તમે એમની દુકાને પહોંચો ત્યારે એ વિવિધ વાતો કરતા હશે. તમને ઊભા રાખશે- દુકાનમાં વાતોએ વળગાડશે અને તમારું દિલ જીતશે. ગ્રાહકને જીતશો તો માર્કેટ જીતી જશો તે આપણે સારી રીતે જાણીયે છીએ. સૌથી મોટી વાત એ કે દુકાનદાર તમારો વિશ્ર્વાસ જીતે છે. તમે આજે તેને દામ નહિ ચૂકવો તો પણ એ કહેશે : પૈસા ક્યાં ભાગી જવાના છે કાલે આપજો !
જો માલમાં ખરાબી નીકળે તો અહીજ બેઠો છું ક્યાં જવાનો છું ?’ આમ, વિશ્ર્વાસ,
સાતત્યતા, તક, કોમ્યૂનિકેશન, ગ્રાહકની જરૂરિયાત, ગ્રાહકને મેળવવાની કળાઓ અને આવી ઘણી માર્કેટિંગ માટેની પાયાની વાતો આ દુકાનદારો અને ફેરિયાઓ પાસેથી જાણવા મળશે. બસ, આંખ અને કાન ખુલા રાખવાની જરૂર છે, કારણ કે આપણી આજુ બાજુમાં તમને ખરા અર્થની ઓપન યુનિવર્સિટીઓ મળશે , જ્યાં તમે
માર્કેટિંગ અને બ્રાન્ડની વાતો મફતમાં શીખી શકશો.