ટીન અને નિકલ સહિતની ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે જાહેર થયેલા અમેરિકાનાં રોજગારીનાં ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યાનાં નિર્દેશો સાથે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરવામાં આવે તેવો આશાવાદ સપાટી પર આવતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ધાતુઓનાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૯ અને રૂ. ૧૦નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. આ સિવાય કોપર, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, ઝિન્ક સ્લેબ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકથી સાતનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. આ સિવાય અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ટીન, નિકલ અને કોપર વાયરબારમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૯ વધીને રૂ. ૨૯૬૭, રૂ. ૧૦ વધીને રૂ. ૧૬૨૦ અને રૂ. સાત વધીને રૂ. ૮૮૨ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીનાં ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને અનુક્રમે રૂ. ૮૪૬ અને રૂ. ૮૩૬, કોપર આર્મિચર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૮૨૩ અને રૂ. ૨૪૨ તથા કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૭૩ અને રૂ. ૨૬૧ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૫૩૫ના મથાળે રહ્યા હતા, જ્યારે છૂટીછવાઈ માગને ટેકે બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૭૦, રૂ. ૧૯૦ અને રૂ. ૧૯૫ના મથાળે ટકેલા રહ્યા હતા.