ફેડરલ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની અવઢવ સાથે તેજી-મંદી વચ્ચે ઝોલા ખાતુ સોનું
કોમોડિટી -રમેશ ગોહિલ
ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ, મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધવાની ભીતિ અને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં એકતરફી તેજીનો માહોલ જોવા મળ્યા બાદ આગલા સપ્તાહે મધ્યપૂર્વનાં દેશોમાં તણાવ વધવાની ભીતિ દૂર થતાં સલામતી માટેની માગનો ટેકો ખસી ગયો હતો. તેમ જ અમેરિકા ખાતે ફુગાવામાં અનપેક્ષિતપણે વધારો જોવા મળ્યા બાદ ગત પહેલી મેના રોજ અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર જાળવી રાખ્યા હતા, પરંતુ ફેડરલનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યાજદરમાં કાપ મૂકવાની બાબતે કોઈ સ્પષ્ટ સંકેત નહોતા આપ્યા અને વ્યાજદરમાં કાપ મૂકવામાં કોઈ ઉતાવળ કરવામાં નહીં આવે એવું જણાવતાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, સપ્તાહના અંતે અમેરિકાનાં જોબ ડેટા નબળા આવ્યા હોવાથી આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતાં ફરી સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. આમ ગત સપ્તાહનાં આરંભે ભાવમાં સુધારો, મધ્યમાં ઘટાડો અને અંતે ફરી ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં સાપ્તાહિક ધોરણે તો ભાવ દબાણ હેઠળ જ રહ્યા હતા. એકંદરે ફેડરલનાં વ્યાજદરમાં ઘટાડાની અવઢવ સાથે સપ્તાહ દરમિયાન સોનું તેજી-મંદી વચ્ચે અથડાતું રહ્યું હતું.
વૈશ્ર્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ છતાં ભાવ હજુ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧,૦૦૦ આસપાસની સપાટી પર હોવાથી સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહી હતી. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૬ એપ્રિલનાં રૂ. ૭૨,૪૪૮ના બંધ સામે નરમાઈના ટોને રૂ. ૭૨,૨૩૯ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. ૭૨,૩૭૩ અને નીચામાં સપ્તાહના અંતે રૂ. ૭૧,૧૯૧ના મથાળે બંધ રહ્યા હતા. આમ ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૫૭નો અથવા તો ૧.૭૩ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. એકંદરે સોનામાં બે મહિના સુધી ચાલેલી તેજીને કારણે ભાવ ઊંચી સપાટીએ પહોંચ્યા હોવાથી ગત સપ્તાહે સ્થાનિકમાં ભાવ ઘટાડાતરફી રહ્યા હોવા છતાં માગ શાંત રહી હતી. રિટેલ ખરીદદારો તેમ જ જ્વેલરી ઉત્પાદકો ભાવમાં મોટા ઘટાડાની રાહ જોઈ રહ્યા હોવાનું મુંબઈ સ્થિત એક હોલસેલરે જણાવ્યું હતું. જોકે, આગામી ૧૦મી મેનાં રોજ સોનાની ખરીદી માટે શુકનવંતા દિવસે જો ભાવ હાલની સપાટીએ જળવાઈ રહે અથવા તો ઘટાડો આવે તો માગ ખૂલવાનો આશાવાદ જ્વેલરો રાખી રહ્યા છે. આમ અપેક્ષિત માગને ધ્યાનમાં લેતાં સ્થાનિક ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ એક ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હોવાના અહેવાલ હતા.
ગત શુક્રવારે જાહેર થયેલા અમેરિકનાં રોજગારીનાં ડેટામાં ગત એપ્રિલ મહિનામાં રોજગારોની સંખ્યામાં બજારની ૨.૫૦ લાખનાં ઉમેરાની અપેક્ષા સામે માત્ર ૧.૭૫ લાખનો ઉમેરો થવાની સાથે બેરોજગારીનાં દરમાં પણ વધારો થયો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતા અમેરિકી ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમ જ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના હાજર ભાવ આગલા બંધ સામે ૦.૯૭ ટકા વધીને ઔંસદીઠ ૨૩૦૨.૫૨ ડૉલર આસપાસ અને ૨૯મી મેના રોજ પાકતા વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૦૮ ટકા વધીને ૨૩૦૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વૈશ્ર્વિક બજારમાં ગત એપ્રિલ મહિનામાં એક તબક્કે સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૩૧.૨૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ સોનામાં સતત બીજા સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે ભાવઘટાડો જોવા મળ્યો હતો. જોકે, અમેરિકાનાં રોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે સોનામાં ટ્રેડરો અને રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું, પરંતુ ઉભરતા દેશોની કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી જળવાઈ રહી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ માટે ઔંસદીઠ ૨૨૩૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૨૩૬૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે. બજારનાં અમુક વર્ગનું માનવું છે કે હાલમાં ખાસ કરીને ચીનમાં કોવિડ-૧૯ મહામારી પછી આર્થિક વૃદ્ધિમાં ધીમો સુધારો, પ્રોપર્ટી ક્ષેત્રમાં નરમાઈ અને ઈક્વિટી માર્કેટની અનિશ્ર્ચિતતા તથા બૅન્કોની ફિક્સ્ડ ડિપોઝીટનાં વ્યાજદર ઓછા હોવાને કારણે ચીનનાં રોકાણકારોના સોનામાં રોકાણમાં વધારો થયો હોવાથી ભાવમાં મોટા ઘટાડાની શક્યતા ઓછી જણાઈ રહી છે. વધુમાં ચીન સોનાની અનામતમાં પણ સતત વધારો કરી રહ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનાં તાજેતરનાં અહેવાલ મુજબ છેલ્લાં ૧૭ મહિનામાં ચીનની સોનાની અનામતમાં ૧૬ ટકાનો વધારો થયો છે. તેમ જ ગત માર્ચ મહિનામાં જ પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાની સોનાની અનામતમાં ૧,૬૦,૦૦૦ ઔંસનો વધારો થયો હતો. આ સિવાય તુર્કી, ભારત, કઝાકિસ્તાન અને પૂર્વ યુરોપનાં અમુક દેશોની આ વર્ષે સોનામાં સક્રિય ખરીદી રહી હોવાના અહેવાલ હતા. આમ કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શક્યતા અને આર્થિક તથા રાજકીય અનિશ્ર્ચિતતાઓને ધ્યાનમાં લેતાં ગોલ્ડમેન સાશે વર્ષનાં અંત સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૭૦૦ ડૉલર સુધી પહોંચે અને તેમાં પણ જો ઊભરતા દેશોની કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી પ્રબળ રહે તો ભાવ વધીને ૩૦૦૦ ડૉલર સુધી પણ પહોંચી
શકે છે.