વેપાર

મથકો પર તેજી છતાં મિડિયમ ગ્રેડની ખાંડમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે દેશાવરોની માગ પ્રબળ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં ભાવમાં ક્વિન્ટલદીઠ નીચલા મથાળેથી રૂ. ૨૦નો અને ઉપલા મથાળેથી રૂ. ૧૦નો સુધારો આગળ ધપ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સપ્તાહના અંતે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. છનો સુધારો અને ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો. આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ અનુસાર સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૫નો ઘટાડો અને ઉપલા મથાળેથી રૂ. પાંચનો સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડમાં ક્વિન્ટલે રૂ. પાંચથી ૧૫ ઘટી આવ્યા હતા. જોકે, આજે હાજરમાં રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૨૦થી ૩૭૯૨માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં માગ અને માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. છના સુધારા અને ઉપલા મથાળેથી રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૮૦૬થી ૩૯૩૨માં થયા હતા.

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલી તેમ જ માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૫ના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. પાંચના સુધારા સાથે રૂ. ૩૬૮૦થી ૩૭૪૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૫ અને ઉપલા મથાળેથી રૂ. પાંચ ઘટીને રૂ. ૩૭૮૦થી ૩૮૪૦માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button