લિવ-ઈન પાર્ટનર પાસેથી 30 લાખની ખંડણી માગવા પ્રકરણે મહિલાની ધરપકડ
મુંબઈ: લિવ-ઈન પાર્ટનર અને તેના મિત્રો વિરુદ્ધ ગૅન્ગ રૅપની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી 30 લાખ રૂપિયાની કથિત ખંડણી માગવાના કેસમાં ભાયંદરની નવઘર પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.
મીરા રોડના નયા નગર ખાતે રહેતા સય્યદ અનવર ઈસામુદ્દીન હુસેન (36)ની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. લિવ-ઈન પાર્ટનર સંધ્યા ગજાનન અદાતે (33) ‘લવ જિહાદ’નો આક્ષેપ કરી જાન્યુઆરી, 2024થી રૂપિયાની માગણી કરી કથિત ત્રાસ આપતી હોવાનો દાવો હુસેને ફરિયાદમાં કર્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર હુસેન અને અદાતે સપ્ટેમ્બર, 2023માં મળ્યાં હતાં અને ડિસેમ્બર, 2023 સુધી બન્ને ભાયંદર પૂર્વના નવઘર પરિસરમાં સાથે રહેતાં હતાં. હુસેને એવો પણ દાવો કર્યો હતો કે અદાતે અક્ષય સોલંકી નામના યુવાન સાથે પરણી હતી અને તેમની વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. હુસેન અને અદાતેએ મૌલાનાની હાજરીમાં મસ્જિદમાં નિકાહ કર્યા હોવાનો દાવો પણ ફરિયાદમાં કરાયો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે વર્ષના આરંભથી બન્ને વચ્ચે નજીવા મુદ્દે ઝઘડા થવા લાગ્યા હતા અને ત્યારથી અદાતે નાણાં માટે હુસેનને ત્રાસ આપતી હતી. જાન્યુઆરીથી બીજી મે દરમિયાન અદાતેએ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ફરિયાદીને 30 લાખ રૂપિયા આપવા માટે મેસેજ મોકલાવ્યા હતા. રૂપિયા ન આપે તો હુસેન અને તેના મિત્રો વિરુદ્ધ સામૂહિક બળાત્કારનો ગુનો નોંધાવવાની ધમકી મહિલાએ આપી હતી.
ડરના માર્યા હુસેને પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. પોલીસે અદાતે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. પોલીસે અદાતેની ધરપકડ કરી હતી, પરંતુ હુસેને કરેલા આક્ષેપોની તપાસ હજુ કરવામાં આવી રહી છે. અદાતેએ જે વ્યક્તિઓ મારફત હુસેનને ધમકી આપી હતી તેમનાં નિવેદનો પોલીસ નોંધી રહી છે. પોલીસ અદાતેના અગાઉના પતિની પણ પૂછપરછ કરશે.